________________
-
75
૧૮૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ - કહી ગયા છે કે પડે એમાં કાંઈ નવાઈ જ નથી; ન પડે તો જ નવાઈ સમજવી. પડેલાની સંખ્યા ન પડેલા કરતાં અનંતગુણી છે. એટલે મહેનત ચડાવવાની થાય, ચડાવ્યા પછી સાચવવાની થાય. પડતાને ટેકો અપાય તેમ હોય તો ટેકો આપવાની, ઝિલાય તેમ હોય તો ઝીલવાની, ગોઠવાય તેમ હોય તો ગોઠવવાની મહેનત થાય પણ એને ધક્કો મારવાની કે એની પાછળ પડતું મૂકવાની મૂર્ખાઈ ન કરાય.
સભાઃ “તો પછી ચઢવાના સાધનને નિસરણી નામ કેમ આપ્યું ?”
સારી રીતે ચઢી શકાય માટે નિસરણી. જો કાળજીથી ચાલે, આંખ ઉઘાડી રાખે, કઠેડો બરાબર પકડે અને ચૂકે નહિ તો ઉપર જાય; નહિ તો ભોંયતળિયે પટકાવાનું તો લખેલું જ છે. બચ્ચે ચઢવા માંડે કે “જોઈને ચઢજે” એમ કહેવું પડે. ચઢવાની વસ્તુ હોય ત્યાં ન પડવાની સાવચેતી આપવી જ પડે. એ ન રાખે તે ચઢી ન શકે. સારી વસ્તુની પાછળ ભયના હેતુ ઘણા છે. હજારની રકમ લઈને બહારગામ જતો હોય તો “ચોરથી સાવધ રહેજે” એમ કહેવું પડે. પેલો કહે કે મંગલમાં જ ચોર ? તો કહેવું પડે કે હા ! ચોર તો એ ચીજની પાછળ રહેલા જ છે. માટે તો સાવચેતી આપવી પડે છે. ખાલી ખીસ્સાવાળો પાટિયા પર ઊંઘી જાય પણ પાસે જોખમવાળો પ્રાય: ઊંધે નહિ અને કદાચ ઊંઘે તોય બે કલાકમાં બાવીસવાર ઝબકીને જાગી જાય. આ બધો અનુભવ છે ને ? જૈનશાસન નાનુંસૂનું નથી. ધર્મની કિંમત સમજાય તો...!
અનંત પુણ્યરાશિ એકઠી થાય ત્યારે માનવભવ મળે અને તે પછી અનંતી અનંતી વધતી પુણ્યરાશિએ આર્યદેશ, આર્યજાતિ, આર્યકુળ મળે અને તેથી પણ પુયાઈ વધે ત્યારે શ્રાવકનું કુળ મળે. ત્યાં પણ સુસંસ્કારિત ઘર કેટલાં ? તેમાંયે શ્રી જિનેશ્વરદેવના શાસનની વાસનાથી વાસિત ઘર કેટલાં ? એમાંયે સુસ્થિર રહેનારાં કેટલા ? અમલ કરનારાં કેટલાં અને આરંભ કર્યા પછી છેવટ સુધી ટકી રહે એવા પરિણત કેટલાં ? અહીં આટલા ભેગા થયા છે પણ અણીના અવસરે ઊભા રહે એવા કેટલા ? કેટલાક તો એવા છે કે જે જરાક ખબર પડે કે કંઈક ધમાલ છે તો તરત ઊઠીને ચાલવા માંડે. એ તો એમ જ માને છે કે અમારા વડે જ ધર્મ જીવે છે તેથી અમે જીવતા હોઈશું તો પછી ધર્મનંજિવાડીશું માટે જાતને પહેલાં સાચવી લેવી. ધર્મના ભોગે પણ અમારે જીવી જવાનું. અમારા ભોગે કાંઈ ધર્મને ન જિવાડાય.” આજે મોટા ભાગે આવી દશા છે.
સભા: કહેવત છે ને કે જીવતો નર ભદ્રા પામે !