________________
૩૪ : ધર્મોપદેશકો ભાટ જેવા બને છે, ત્યારે ! વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૯, મહા વદ-૧૩, બુધવાર, તા. ૨૭-૨-૧૯૩૦
74
• ધર્મનું સ્વરૂપ શું ? • મનને જીતવા વચન અને કાયાને કાબૂમાં રાખો ! • અભ્યાસથી મન જિતાય : • છૂપા નાસ્તિકો : • શું અમે તમારા આધારે જીવીએ છીએ ? • શાસ્ત્રોમાં શું આવે ?
ધર્મોપદેશક ભાટ બને ત્યારે ! “ • ભોગવ્યા પહેલાં જ છોડે એ વધુ સમજુ : • ખામી દર્શાવવાની ખૂબી : • ભાટ બનેલા સાધુઓ રોટલા માટે સાધુતાનું લિલામ કરે છે :
ધર્મનું સ્વરૂપ શું?
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ગણિવરજી શ્રી સંઘમેરૂની સમ્યગ્દર્શનરૂપ રત્નમય પીઠની દૃઢતા, રૂઢતા, ગાઢતા અને અવગાઢતાનું વર્ણન કરી ગયાં. હવે જેમ મેરૂ પર્વતને રત્નજડિત સુવર્ણમય મેખલા હોય તેવી રીતે શ્રી સંઘમરૂની સમ્યગ્દર્શનરૂપ પીઠ પર રત્નમય સુવર્ણમેખલા હોવી ઘટે. એ રત્ન અને સુવર્ણના સ્થાને શું ? તે હવે કહે છે- શ્રેષ્ઠ ધર્મરૂપી રત્નોથી મંડિત સુવર્ણમેખલા હોવી જોઈએ, એમ કહ્યા બાદ હવે એ મહાત્મા ધર્મની વ્યાખ્યા કરે છે :
दुर्गती प्रपतत्प्राणीधारणार्द्धर्मरुच्यते । દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે તે ધર્મ. અર્થાત્ દુર્ગતિમાં પડતા આત્માને બચાવે અને શુભ સ્થાનમાં સ્થાપે તે ધર્મ. જે દુર્ગતિમાં પડતા બચાવી ન શકે અને શુભ સ્થાનમાં સ્થાપી ન શકે તે ધર્મ નહિ. દુનિયામાં જો કોઈ એવી વસ્તુ હોય કે જે આત્માને દુર્ગતિમાં પડતા બચાવે તો કહો. જે પરલોક માને તેને સુગતિ-દુર્ગતિ માનવી જ પડશે, સ્વર્ગ-નરક માનવાં જ પડશે, સદાચારઅનાચાર માનવા જ પડશે. અને ખરાપણું-ખોટાપણું પણ માનવું જ પડશે.