________________
૫૧૮
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1088 બતાવે પણ ધર્મવીર, કર્મવીર, દાનવીર, શૂરવીર એવાં એવાં બિરુદો આપે એમાં નવાઈ નથી. એવા સાધુ અને શ્રાવક કેવા છે તે બતાવતાં આ મહાત્મા કહે છે કે-ઊંટના વિવાહમાં ગર્દભો ઊંટને કહે છે કે વાહ ! શું આપનું રૂપ છે ? ત્યારે ગર્દભોને ઊંટ કહે છે કે વાહ ! શું આપનું ગીત છે ? આમ પરસ્પરની મિથ્યા પ્રશંસામાં રાચતા એ સાધુ અને શ્રાવક બન્ને શાસ્ત્રના તત્ત્વને નહિ સમજતાં ભવસાગરમાં ડૂબે છે.
આ આક્ષેપ કોઈ અમુક ઉપર નથી એ સમજી રાખજો. આવું જે કરે તે બધાને લાગુ પડે છે. અમે કરીએ તો અમે પણ એવા. જે કરે તે તેવા. તમે કરો તો તમે પણ તેવા. એમ રોટલા માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આપી મૂકે તે સાધુ, સાધુ મટી ભિખારી બને છે. રોટલાના ટુકડા માટે કોઈને દાનવીર તો ભિખારી કહે, સાધુ તો “ધર્મલાભ” જ કહે. કિંમત રોટલાની કે આજ્ઞાપાલનની ? આજ્ઞાપાલનમાં રોટલા નથી ? “રોટલા આપનારના આધારે સાધુ જીવે છે.” એમ બોલનારા જૈનશાસનના સિદ્ધાંતનો નાશ કરે છે. ઇતરો પણ માને છે કે જૈનશાસનમાં સાધુઓ તો પરમ ત્યાગી. એવા ત્યાગી સાધુઓ ઉપર ગૃહસ્થો આજ્ઞા ચલાવે ? અને તે પણ પોતે એમને રોટલા વહોરાવે છે માટે ? ગૃહસ્થો માટે તો એ વિધિ છે કે સાધુને લેવા જવા, મકાનમાં આવે તો ઊભા થવું, “પધારો' કહેવું, આસન આપવું, વંદન કરવું, તમામ ચીજો એમની પાસે ધરી “અનુગ્રહ કરો” એમ કહેવું, મુનિ જે ચીજ લે તેમાં આનંદ થાય, ન લે ત્યાં ખેદ થાય, પછી સાધુને મૂકવા જાય. આ બધો વિધિ જ્યાં હોય ત્યાં તેમની પર આજ્ઞા હોય ?
આ બધી વાતો તમે બરાબર સમજો. જેઓ એવી વાતો ચલાવતા હોય તેમનાથી સાવધ રહો. જ્ઞાનીઓ ગમે તેવી પ્રવૃત્તિને ધર્મ નથી કહેતા. જ્ઞાનીઓ તો ધર્મ તેને જ કહે છે કે જે દુર્ગતિમાં પડતાં બચાવે અને સદ્ગતિમાં સ્થાપન કરે.
શ્રી સંઘમેરૂની મેખલાનું વર્ણન કરતાં એ ધર્મના વિષયમાં આગળ શું ફરમાવે છે તે હવે પછી.