________________
1126
૫૫૭
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
ઉઠાવી જાય છે. ન માલૂમ એ એ છોકરાઓનું શું કરે છે ? તેનો પત્તો જ નથી.’ આવી આવી અરજીઓ અમારા માટે કરાઈ છે. અમલદાર કહી ગયા કે-અમે કરીએ શું ? આવી અરજીઓના થોકડા છે. અમે કાંઈ સર્વજ્ઞ નથી કે મગજ ન ફરે. પણ હવે તમને મળ્યા, વસ્તુ જાણી; માટે એ તમામ ફરફરિયાંને હવે કચરાની ટોપલીને સ્વાધીન કરશું.'
હું મુંબઈ આવ્યો તે પહેલાં...
અમે મુંબઈમાં આવ્યા એ પહેલાં કહેવામાં આવતું હતું કે ‘એમને મુંબઈમાં પણ પેસવા દેવામાં નહિ આવે, જામીન લેવામાં આવશે.' કોઈ જામીન લેવા આવ્યું નહિ. આવ્યું હોત તો સારું હતું. વાતચીત તો થાત ! જામીન લેવરાવવાની પેરવી પૂરી કરી હશે પણ એમાં ફાવ્યા નહિ હોય, વ્યાખ્યાન બંધ કરાવવાની મહેનત ઘણી કરી, એમાં પણ ફાવ્યા નહિ. વ્યાખ્યાન બંધ કરાવવા સુધી ગયા એમણે જામીન માટે શી મહેનત ન કરી હોય ? પણ એમને ખબર નથી કે જામીન એમ ને એમ શા માટે લે ? જેને અરજી કરી હોય તે પણ પૂછે કે જામીન શા માટે ? ચોરી કરી છે ? ખૂન કર્યું છે ? કોઈ આરોપ છે ? પેલા કહે કે છોકરાં ઉપાડ્યાં છે. તો પૂછે કે પુરાવો શો ? ત્યારે કહે કે ‘કોર્ટે ગયા હતા.' તો અધિકારી પૂછે કે-કોર્ટમાં દંડ કે સજા થઈ હતી કે છૂટી ગયા હતા ? ત્યાં ચૂપ થઈ જાય. બધે નિર્દોષ છૂટ્યા હોય ત્યાં જામીન શી રીતે લેવાય ? નવલોહિયા જુવાનિયા ઉધમાત મચાવી બધું કરે પણ અમલદાર ગાંડા થોડા હોય ? એ તો બધું સમજે ને ? અમલદારોનો આમાં દોષ નથી. અરજીઓ કરનારાનાં નામ પણ કેવાં ? એ. એફ. શાહ અને કે. પી. શાહ - નામ ઠામ બધું જુદું. લખે પ્રિન્સેસ સ્ટ્રીટ ને હોય નળ બજારમાં. નામ ઠામ બેય એવાં ખોટાં હોય કે શોધ્યાં મળે નહિ. હીલના કરાવનારો આવો વર્ગ સમાજમાં વર્ષો થયાં ઊભો થયો છે; અને તેઓ થઈ શકે તેટલું ખોટું પ્રચારકાર્ય કરી રહ્યા છે.
જરૂર પડશે તો રસ્તા વચ્ચેય વ્યાખ્યાન કરીશું :
સભા : ‘હવે તો બીજે પણ વ્યાખ્યાન અટકાવવા પ્રયત્ન કરાય છે.’
દીક્ષાની મહેનતમાં ન ફાવ્યા એટલે હવે એ કામમાં પડ્યા. પણ ત્યાંયે પાછા પડે છે. દીક્ષા થાય તો વ્યાખ્યાનથી ને ! એટલે હવે વ્યાખ્યાન પાછળ પડ્યા છે. ભલે પડ્યા, પડવા દો. પડે એટલા માત્રથી ફાવવાના નથી. હજી તો સ્થળ જ સાચવીએ છીએ. બાકી અમને યોગ્ય જણાશે ત્યારેં રસ્તા વચ્ચે પણ વ્યાખ્યાન કરીશું. જેમ વધારે નિષેધ કરશે તેમ વધારે વ્યાખ્યાન આપીશું એ લખી રાખવું. ઉત્તમ વસ્તુ સામેની અટકાયત ચલાવી લેવાય નહિ.