________________
૪૧૬
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨ શાસનભક્તિ માટે વરસે દહાડે પાંચ-પંદરને ઓઘા આપી પ્રભુમાર્ગે ચડાવું તેમાં આટલો બળાપો કેમ થાય છે ? આ સભા: “એમનો ભાવ પુછાતો બંધ થઈ જાય છે માટે.”
એ લોકો સીધા માર્ગે ચાલતા હોય તો એમનો ભાવ પૂછવા આપણે તૈયાર છીએ. બાકી આવા હલ્લા તો મેં બહુ જોયા છે. પૂર્વે પણ શાસન ઉપર આવાં આક્રમણો ઘણાં આવ્યાં છે, પણ તેથી કાંઈ રોવા ન બેસાય. એનો પ્રતિકાર કરવો જ પડે. કોઈ દીક્ષા લે તો કહે છે કે-“એની પત્નીનું શું થાય ?' ભાવના થાય તો દીક્ષા લે, નહિ તો શ્રાવિકા બની વ્રતનું પાલન કરે. તો પૂછે છે કે “ન પાળી શકે તો શું?” કહેવું પડે કે એનું ભાગ્ય ! છતે પતિએ પણ કુલટા બને તેનું શું ? પડવું જ હોય તેને રોકનાર કોણ છે ? બાકી બાર મહિનામાં દિક્ષા કેટલી ને પડનાર કેટલા? પડે થોડા અને ચડે ઘણા. વેપારમાં ખોટું કેટલી વાર? ખોટા આવ્યા કરે તો પણ વેપાર બંધ કર્યો ? ઘરાકી નથી માટે દુકાન બંધ કરી ? ત્યાં તો કહે કે, દુકાન તો આવકનું સાધન-એ બંધ કેમ કરાય ? તો પ્રભુનાં માર્ગથી કોઈ પડે એટલા માત્રથી માર્ગ બંધ કરવાનું શા આધારે કહે છે ?
દીક્ષા વખતે પોકાર પાડે કે-માબાપનું શું? પણ ખબર નથી કે કેટલાંય માબાપ છતે દીકરે પણ ઘરના ખૂણે રોઈ રહ્યાં છે ? અરે, અમારી પાસે આવીને પણ રૂએ છે. મારે નામ નથી આપવું. કહે છે કે-“આ તો પથરો પાક્યો, એની પાછળ ખુવાર થયા, દેવું કરીને ભણાવ્યો ને બાકી હતું તે પરણાવ્યો. હવે અમને જ બહાર કાઢે છે ક્યાં જઈએ ? અમે કહીએ કે પહેલાં કેમ ન ચેત્યા ? તો કહે કે “પોતાનો માન્યો હતો પણ પારકો નીકળ્યો.” અમે કહીએ કે “તો પછી અહીં આવો' તો કહે છે “તાકાત નથી' એમ કહીને પાછાં રૂએ છે. અમારે દિલાસો દેવો પડે છે કે “નવકાર ગણો. શાંતિથી સહન કરવાની શક્તિ આવશે. અશુભોદય આવ્યો છે તે દૂર થશે. સમાજમાં આબરૂદાર ગણાતાં મા-બાપોને પણ ઘરના ખૂણે બેસી રોવાનો વખત આવ્યો છે ને આવા દીકરાઓને કારણે આબરૂને પણ ધક્કો લાગ્યો છે. શાસનપક્ષ અને ઇતરપક્ષઃ
આજે જૈનસમાજમાં બે પક્ષ થઈ ગયા છે. શાસનપક્ષ અને ઇતરપક્ષ. જે દીક્ષા અને દેવદ્રવ્યની તરફેણ કરે અને વિધવાવિવાહનો વિરોધ કરે તે શાસનપક્ષમાં અને જે દીક્ષાનો વિરોધ કરે, દેવદ્રવ્યનો મનફાવતો ઉપયોગ કરવાની વાતો કરે અને પુનર્લગ્નની હિમાયત કરે તે ઇતરપક્ષમાં.
સભાઃ “સામો પક્ષ જ આપણને શાસનપક્ષ કહે છે.”