________________
૫૦૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૨
1070 પણ પૂજાની સામગ્રી માટે પૈસા ન મળે તો એમાં નિર્ધનતા માનવી કે નિર્માર્ગીપણું માનવું ? પૂજાની સામગ્રી ઘરની વાપરનારા કેટલા ? “દેરાસરમાં ખર્ચા કેટલા થાય છે ?' એવી બૂમો મારનારા પોતે એ ખર્ચા માટે શું આપે છે ? સંસારમાં ઉડાઉ ખર્ચા મજેથી કરનારાઓને અહીંના ધર્મના ખર્ચા નથી પાલવતા એ દરિદ્રી બનવાની નિશાની છે. પૂર્વના પુણ્યોદયે આ ભવમાં ન થાય તો આગામી ભવમાં દરિદ્રી બનશે. એવાઓ પ્રત્યે હિતબુદ્ધિથી આ કહેવાય છે કે તમારા પાપમાર્ગે થતા ખોટા ખર્ચા બંધ કરો અને-ધર્મમાર્ગે શક્તિ મુજબ ખર્ચતા થાઓ, તેમાં જ તમારું કલ્યાણ છે. પુણ્યવાન આત્માઓના ધર્મમાર્ગે જેટલા પૈસા જાય છે તેનાથી અનેક ગણા પૈસા જૈન સમાજના પાપના માર્ગે ખર્ચાય છે. જૈનસમાજનો ઉદય કરવો હોય તો એ પાપમાર્ગે થતા ખર્ચા બચાવો અને ધર્મમાર્ગે વાળો તો ઉદય વહેલો થશે. દેવદ્રવ્યાદિ ધર્માદા દ્રવ્ય સામે નજર ના નાખો. પારકે પૈસે પરમાર્થ કરવા નીકળેલાઓને તેઓ જેવા છે તેવા ઓળખાવી દો, જેથી એમની વાતોમાં બીજા ન ફસાય.
ધર્મના ખર્ચાની બૂમો પાડનારાઓને અઢાર પાપસ્થાનકોમાં પૈસા ખર્ચાય તે ખટકતા નથી, એ તેમની લાયકાત કેવી છે એ બતાવે છે. તમારાથી ઉપવાસ ન થાય કે તમે ઘી દૂધ ખાઓ તેની ટીકા ન કરું પણ તમે ચાહ, પાન, બીડી, નાટક, ચેટક, હોટેલ આદિના ખોટા ખર્ચા શા માટે કરો ? તમે તમારા વાહિયાત ખર્ચા બંધ કરી એ પૈસાથી સાધર્મિક ભક્તિ કરો તો વાત કરતાં પચીસ લાખ આજે ભેગા થઈ જાય. જૈન કોમ કાંઈ ભિખારી નથી. પચાસનો પગારદાર નકામા ખર્ચા શા માટે રાખે છે ? એ ખોટા ખર્ચા રાખે પછી ભીખ માગવી પડે તેમાં કાંઈ નવાઈ છે ? રોટલી ઘીમાં બોળીને ન ખવાય તો ચોપડીને ખાય. “પાડોશી બોળીને ખાય તો હું કેમ ન ખાઉં ?' એવા વાદ ન થાય. રોજ ચોપડીને ન ખાઈ શકે તો એકાંતરે ઘી ખાય પણ કોઈની ઈર્ષ્યા ન કરાય.
આજની દશા જુદી છે. ચાર મિત્રો સાથે નીકળે એટલે ઝટ હોટેલમાં પેસે. પણ વિચાર ન કરે કે સામો તો ચાહ પાઈ શકે એમ છે પણ હું પાઈ શકીશ કે કેમ ? આ સ્થિતિમાં ન પીવે તે ડાહ્યા કહેવાય. એ કહી દે કે હું નથી પી શકતો. આ નીતિની વાત છે. આવું થાય તો બેકારી ન રહે. દેવદ્રવ્ય તરફની બદદાનત આપોઆપ ફરી જાય. આજે તો ધર્મભાવના તો ગઈ પણ નીતિયે રહી નથી. આજના સિનેમાનાં દૃશ્યોના છાપામાં ફોટા આવે તે કેવા ભયંકર છે ? એમ છતાં પૈસા ખર્ચીને સિનેમા જોવા જનારા ઘણા છે. પરંતુ ત્યાગીઓ વગર પૈસે ધર્મદેશના દે તે ઘણાને ન ગમે તેનું કારણ? આ ધાર્મિક સાહિત્ય કેમ નથી ગમતું?