________________
925 –– – ૨૫ઃ ભવ ભયંકર : મોક્ષ ભટૂંકર - 65 - ૩૫૫ ઉપદ્રવો મોજૂદ છે. પહેલો ઉપદ્રવ જન્મ છે અને છેલ્લો ઉપદ્રવ મૃત્યુ છે. વચ્ચે જરા, વ્યાધિ, અનેક પ્રકારના રોગ, શોક ઇત્યાદિ ઉપદ્રવોથી ભરપૂર છે. આ બધા ઉપદ્રવોથી સંસારસાગર ભરેલો હોવાથી એ કેવળ ક્લેશને માટે થાય છે. જન્મ, મૃત્યુ, જરા, રોગ, શોક આદિ ઉપદ્રવો સંસારમાં પ્રત્યક્ષ દેખાય છે. એમાં નવું શું છે ? એને લઈને સંસાર ભયંકર છે. સંવેગ પામેલા આત્માના આ વિચારો છે. જેને સંવેગ થાય એ સંસારના સુખને પણ દુ:ખ માને. દુનિયાના ક્ષણિક સુખને સુખ માનનારાની તો આંખો બંધ થઈ ગઈ છે, બુદ્ધિ બહેર મારી ગઈ છે અને વિચારશક્તિ હણાઈ ગઈ છે. જો દુનિયાના સુખને ક્ષણિક માન્યાં હોત તો એમની બુદ્ધિ ખીલત. સંસારમાં ‘આમાં મજા, આમાં મજા” એમ જ્યાં ત્યાં મજા માનનારો, મજામાં મસ્ત બનેલો આદમી વસ્તુને વિચારવાની હદ સુધી પહોંચી શકતો નથી.
દુનિયા જે સુખને ઇચ્છે તેમાં અને જેને સંવેગ થયો હોય તે જે સુખને ઇચ્છે એમાં મોટું અંતર છે. દુનિયા તો દેખાતા દુ:ખની તાત્કાલિક પ્રતિપક્ષી વસ્તુમાં સુખ માને છે, જ્યારે જેને સંવેગ થયો હોય તે આત્મા તો દુનિયાના સુખને દુઃખ માને છે અને એ કેવળ મોક્ષસુખને જ ઇચ્છે છે. સંવેગવાળા અને સંવેગ વગરના જીવોની દૃષ્ટિમાં આ ભેદ છે. સમકિતીની દૃષ્ટિ જ જુદી છે. એ તો ગરીબ અવસ્થામાં પણ સુખ માને અને સાહ્યબીમાં દુઃખ માને. આજે તો બીજાથી સારા કહેવડાવવું છે પણ સારાપણું હોવું જોઈએ એવું નથી, એ કેમ નભે ?
' સંસારસાગર ભયંકર શાથી ? જન્મ, જરા, મૃત્યુ, વ્યાધિ, રોગ, શોક ઇત્યાદિથી ભરેલો છે. કોઈના ઘેર જન્મ તો કોઈના ઘેર મૃત્યુ. આ વિના બીજું કાંઈ છે ? પ્રાણીમાત્રને માટે સંસાર ક્લેશકર છે. સમ્યગ્દષ્ટિ આત્મા સંવેગના યોગે આ બધું વિચારે. આ વિચારથી સંસારનો પ્રેમ ઊઠે. એને જન્મ, મરણ, વ્યાધિ આદિથી ભરેલો સંસાર ન ગમે. જેને જન્મ, મરણાદિ ઉપદ્રવો ન ગમે તેને સંસારમાં રહેવું કેમ ગમે ?
આ સંસારમાં પરિભ્રમણ કરતાં જીવને પહેલો ઉપદ્રવ જન્મ છે. શાસ્ત્ર જન્મની પીડા ભયંકર કહી છે. લાલચોળ તપાવેલી લોઢાની સોયો એકસાથે પ્રત્યેક રોમમાં ખોસાય એનાથી જે પીડા થાય તેનાથી પણ કેટલાય ગુણી પીડા જીવને જન્મ વખતે થાય છે. શાસ્ત્ર આ પીડા કહી પણ તમે માનો ખરા ? માનો તો શું જોઈએ ? એટલે એને હાલ બાજુએ રાખીએ. એ પીડાનો અનુભવ તમને યાદ નથી, તેથી તેને હાલ દૂર રાખો. પણ પછીના બીજા ઉપદ્રવો તો પ્રત્યક્ષ છે ને ?