________________
(૩૮)
પરમકૃપાળુદેવ/સપુરુષનાં વચનો વિષે D પરમકૃપાળુદેવે જે આત્મસ્વરૂપ અનુભવ્યું છે, ઉપદેશ્ય છે, તેવું અનુભવપૂર્વક જણાવનાર આ કાળમાં વિરલા સંભવે છે. તેની સરખામણીમાં મૂકી શકાય તેવો, કોઇ અપવાદરૂપ પણ નજરે જણાતો નથી. આ કાળમાં જીવના કેવા પ્રકારના દોષો જીવને મૂંઝવી રહ્યા છે, તેનું જેને સ્પષ્ટ ભાન હતું, તેથી અનંત દયા આવવાથી પોતાનું આત્મકાર્ય સાધતાં-સાધતાં, અન્ય જીવોને માર્ગ મળે તેવાં વચનામૃતની વૃષ્ટિ કરતા ગયા છે. તેમાં જ આખી જિંદગી ગાળવા યોગ્ય છે. તેને વિશેષ સમજવા બીજો કોઈ અભ્યાસ કે વાંચન કરવું હોય તો કરવું ઘટે; પણ મૂળ આત્મા સંબંધી વાતનો તો, જ્યારે-ત્યારે પરમકૃપાળુદેવને આધારે જ નિર્ણય કરવો છે એવો અચળ અભિપ્રાય, હૃયમાં મરતા સુધી ટકી રહે તેવો કર્તવ્ય છે. તમે વિચારસાગર' વાંચતાં જણાવ્યું કે “પંચકોષથી અને કારણ-શરીરથી આત્મા જુદો છે, તો તે ખરું છે કે કેમ? આપણા કૃપાળુદેવના પુસ્તકમાં એમ છે કે કેમ?' એ પ્રશ્નથી સંતોષ થાય છે, કે તમે ગમે તે પુસ્તક વાંચી આત્માનો નિર્ધાર કરવા ઇચ્છતા નથી, પરંતુ પરમકૃપાળુદેવે માન્ય કર્યું હોય તે જ માન્ય કરવા ભાવના છે; તે જાણી તે પુરુષનો અભિપ્રાય જ માનવા યોગ્ય છે, એ દૃઢ થવા જ આ પત્ર લખ્યો છેજી. પરમકૃપાળુદેવ કોઇ મુમુક્ષુને પુસ્તક - જૈન કે વેદાંતનું, વાંચવા ભલામણ કરતા તે શા અભિપ્રાયે ? તે પોતે જણાવે છે: “જીવને કુળયોગે સંપ્રદાય પ્રાપ્ત થયો હોય છે તે પરમાર્થરૂપ છે કે કેમ ? એમ વિચારતાં દૃષ્ટિ ચાલતી નથી; અને સહેજે તે જ પરમાર્થ માની રાખી જીવ પરમાર્થથી ચૂકે છે; માટે મુમુક્ષુજીવને તો એમ જ કર્તવ્ય છે કે જીવને સદ્ગુરુયોગે કલ્યાણની પ્રાપ્તિ અલ્પકાળમાં થાય તેનાં સાધન, વૈરાગ્ય અને ઉપશમાર્થે “યોગવાસિષ્ઠ', ‘ઉત્તરાધ્યયનાદિ' વિચારવા યોગ્ય છે, તેમ જ પ્રત્યક્ષ પુરુષના વચનનું નિરાબાદપણું, પૂર્વાપર અવિરોધપણું જાણવાને અર્થે વિચારવા યોગ્ય છે.' (પ૩૪). “શાસ્ત્રમાં કહેલી આજ્ઞાઓ પરોક્ષ છે અને તે જીવને અધિકારી થવા માટે કહી છે; મોક્ષ થવા માટે જ્ઞાનીની પ્રત્યક્ષ આજ્ઞા આરાધવી જોઇએ.” (૨૦૦)
જીવે ધર્મ પોતાની કલ્પના વડે અથવા કલ્પનાપ્રાપ્ત અન્ય પુરુષ વડે શ્રવણ કરવા જોગ, મનન કરવા જોગ કે આરાધવા જોગ નથી. માત્ર આત્મસ્થિતિ છે જેની એવા સપુરુષથી જ આત્મા કે આત્મધર્મ શ્રવણ કરવા જોગ છે, યાવત્ આરાધવા જોગ છે.” (૪૦૩)
શમ, સંવેગાદિ ગુણો ઉત્પન્ન થયે, અથવા વૈરાગ્યવિશેષ, નિષ્પક્ષપાતતા થયે, કષાયાદિ પાતળાં પડયે તથા કંઈ પણ પ્રજ્ઞાવિશેષથી સમજ્યાની યોગ્યતા થયે જે સદ્ગુરુગમે સમજવા યોગ્ય અધ્યાત્મગ્રંથો, ત્યાં સુધી ઘણું કરી શસ્ત્ર જેવા છે, તે પોતાની કલ્પનાએ જેમ તેમ વાંચી લઈ, નિર્ધારી લઈ, તેવો અંતર્ભેદ થયા વિના અથવા દશા ફર્યા વિના, વિભાવ ગયા વિના પોતાને વિષે જ્ઞાન કલ્પ છે, અને ક્રિયા તથા શુદ્ધ વ્યવહારરહિત થઈ વર્તે છે .... ઠામ ઠામ જીવને આવા યોગ બાઝે તેવું રહ્યું છે, અથવા તો જ્ઞાનરહિત ગુરુ કે પરિગ્રહાદિઈચ્છક ગુરુઓ, માત્ર પોતાનાં માન-પૂજાદિની કામનાએ ફરતા એવા, જીવોને અનેક પ્રકારે અવળે રસ્તે ચડાવી દે છે; અને ઘણું કરીને ક્વચિત જ એવું નહીં હોય. જેથી એમ જણાય છે કે કાળનું દુષપણું છે.” (૪૨૨)