________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૨૭ આભૂષણ, કોઈએ ડોકનું આભૂષણ, કોઈએ હાથનું આભૂષણ, કોઇએ ચરણનું આભૂષણ તેના ઉપર નાખ્યું. આ પ્રમાણે તેના ઉપર સુવર્ણ વૃષ્ટિ થવાથી તેને સુવર્ણરાશિ મળ્યો. રાજાએ તેના સાતમા કુળ સુધી પણ ન ખૂટે તેટલું ઈનામ આપ્યું.
વર્યાપનક ત્યારબાદ પરમહર્ષને પામેલા રાજાએ અને નગરના લોકોએ નગરમાં વર્યાપનક પ્રવર્તાવ્યું. વર્ધાનિક કેવું હતું ? વર્ધાનિક આવું હતું– સંપૂર્ણનગરમાં ચંદનરસથી મિશ્રિત કસ્તુરીનું સિંચન કર્યું હતું. ઘણી ધજાઓ ઊંચી બાંધી હતી. ઘણાં શ્રેષ્ઠ તોરણો ઊંચાં બાંધ્યાં હતાં. પૂર્ણ કળશોની સ્થાપના કરી હતી. નગરની નારીઓ હર્ષપૂર્વક મનોહર સુંદર મંગલો ગાઈ રહી હતી. નાચતી વેશ્યાઓના હાથરૂપી નવી કુંપળોથી હલાવાયેલા કંકણો રણકાર કરી રહ્યા હતા. ચોતરો, ત્રિક (=જ્યાં ત્રણ રસ્તા ભેગા થતા હોય તેવું સ્થાન), ચોક અને શેરીના નાકે સુવર્ણનું દાન અપાતું હતું. વાગી રહેલા ગંભીર વાજિંત્રોના પ્રસરેલા તીવ્ર પ્રતિધ્વનિથી આકાશ ભરાઈ ગયું હતું. નગરના યુવાનોએ મણિ-સુવર્ણની પિચકારીઓથી કેશરના છાંટણાં કર્યાં હતાં. રાજાનું માંગલિક કરવા માટે સકલ મંડળો આવ્યાં હતાં. ઘણા કુબડા અને ઠીંગણા પુરુષો નાચતા હતા. ચારે તરફ ગરબાની જેમ ઘુમનારા અંતઃપુરના અધિકારીઓ હાસ્ય ઉત્પન્ન કરતા હતા. શ્રેષ્ઠ નૃત્યકારોએ હારરૂપી લતાઓને નીચે પાડી હતી, અર્થાત્ નૃત્ય કરતાં કરતાં હારો નીચે પડી ગયા હતા. વિચિત્ર મહાન આશ્ચર્યો પ્રગટ થઈ રહ્યા હતા, અર્થાત્ આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવી વસ્તુઓ કે પ્રસંગો બતાવવામાં આવતા હતા.
અમિતતેજ રાજાનું શ્રીવિજય રાજાની પાસે આગમન જેટલામાં આ પ્રમાણે મહાન વર્ધાનિક પૂર્ણરૂપે થઈ રહ્યું હતું અને કૌતુકોને જોતો રાજા રાજસભામાં રહ્યો હતો તેટલામાં સહસા ઉત્તરદિશામાં રાજલોકોએ આકાશમાંથી પૃથ્વી પર ઉતરતા તેજને વિસ્મયપૂર્વક જોયો. સૂર્ય અને ચંદ્ર પૂર્વથી પશ્ચિમ તરફ દેખાય છે. પણ અહો! આ કોઈક અપૂર્વ તેજ ઉત્તરદિશામાં દેખાય છે. રાજસભામાં સકલજનસમૂહ વિસ્મયપૂર્વક - જેટલામાં આ પ્રમાણે કહી રહ્યો તેટલામાં જેનું સ્વરૂપ સ્પષ્ટ જણાઈ રહ્યું છે તેવો તેજ નજીકમાં આવ્યો. ત્યારબાદ તુરત અતિશય તપાવેલા સુવર્ણના જેવું જેનું શરીર છે, જેના શરીરમાં વિવિધમણિનિર્મિત આભરણો દીપી રહ્યા છે, ચમકી રહેલી ઔષધિઓનો સમૂહ જેમાં છે એવો કંચનગિરિ જાણે ઊડી રહ્યો હોય તેવો, શ્રેષ્ઠ વિમાનમાં આરૂઢ થયેલો, દેવોને આશ્ચર્ય ઉપજાવે તેવા વિદ્યાધરોથી પરિવરેલો, જાણે ઇંદ્ર હોય તેવો, વિદ્યાધરોનો સ્વામી અમિતતેજ ત્યાં આવ્યો. ત્યારબાદ હર્ષના કારણે જેના શરીરમાં ઘણા રુવાંટાં ઊભા થઈ રહ્યા છે તેવા શ્રી વિજય રાજાએ પણ પરિજનોની સાથે જલદી અભુત્થાન કર્યું. નવા વર્ષાદના સમયે જેમાં નવા અંકુરા