________________
૧૩૦- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[અંતરંગકથા
એવા ચારિત્રધર્મ સૈન્યનો તિરસ્કાર કરે છે. એકાંતે સર્વ અનર્થોનું કારણ એવા મોહરૂપ મહાચોરના સૈન્યનો સ્વીકાર કરે છે. તેથી લુટારી એ સેના (અધ્યવસાયસંતતિ નગરીમાં) પ્રવેશ કરવા માત્રથી આ નગરીને બાળીને અંગારા બાકી રહ્યા હોય તેવી કરી નાખે છે. સંસારી જીવની વિભૂતિઓ લુંટી લે છે. તેમાં રહેલા બધા લોકોનું બધું ય અપહરણ કરી લે છે. એના માહાત્મ્યને ખતમ કરી નાખે છે. કોઇને છેદે છે, કોઇને ભેદે છે, કોઇને વીંધે છે, કોઇને કાપે છે, કોઇને ફાડે છે, કોઇને કાતરે છે, કોઇને મારે છે. તેથી કોઇક આક્રંદ કરે છે, કોઇક પ્રલાપ કરે છે, કોઇક વિલાપ કરે છે, કોઇક સતત શોક કરે છે. વિશેષ કહેવાથી શું? મોહરાજાના સંગથી બધાય અનર્થો થાય છે. તો પણ આ સંસારીજીવરૂપ રાજા બોધ પામતો નથી. તેથી સદ્બોધ મંત્રીએ કાનમાં કંઇક કહ્યું એટલે આ રાજા પોતાને જાણે છે, ચારિત્રધર્મ સૈન્યનો પોતાની નગરીમાં પ્રવેશ કરાવે છે, મોહરાજા વગે૨ે ચોરોને બહાર દૂર કાઢે છે. તેથી આ સંપૂર્ણ નગરી જાણે અમૃતથી સિંચાયેલી હોય તેવી થાય છે. બધા સ્થળે પ્રજા હર્ષ પામે છે. રાજસંપત્તિઓ વધે છે. ત્યારબાદ ફરી પણ મોહરાજાના કોઇક અજ્ઞાન નામના દૂતે આવીને કોઇક કુવાસના ઉત્પન્ન કરી. આથી વ્યાકુલ બનેલો સંસારીજીવરૂપ રાજા ચારિત્રધર્મના સૈન્યને બહાર કાઢે છે, મોહરાજા વગેરે ચોરોના સમુદાયનો સ્વીકાર કરે છે. તેથી તે જ દુર્દશા, તે જ ત્રાસ, તે જ ભયો પ્રાપ્ત થાય છે. તેથી ફરી સદ્બોધમંત્રી ચોરોને બહાર કાઢે છે. આ પ્રમાણે પરસ્પર વૈરવૃદ્ધિ થતાં એકવાર સદ્બોધમંત્રીએ મોહરાજાના સૈન્યને મૂળથી ઉખેડી નાખ્યું. તેથી અમને ક્યાંય સુખ નથી એમ વિચારીને ગુસ્સે થયેલા મોહરાજા વગેરેએ તેના ઉપર સૈન્ય કર્યું, અર્થાત્ સૈન્યથી તેના ઉપર આક્રમણ કર્યું. તે સદ્બોધ મંત્રી પણ નાસી જઇને ચારિત્રધર્મના સૈન્યમાં પેઠો. આ બંને સૈન્યોનું યુદ્ધ અનંત વાર થાય છે. જેના પક્ષમાં સંસારી જીવ રહે તે પક્ષનો જય થાય અને સંસારી જીવનો પૂર્વોક્ત નગરીમાં પ્રવેશ થાય છે. અન્યપક્ષનું આનાથી વિપરીત થાય છે. આ પ્રમાણે અનંત કાળથી ચાલી રહ્યું છે. અહીં એમનું ચિત્ર ઘણું છે. તે ચરિત્રને કહેનારાઓનું પણ (ચરિત્રને કહેતાં કહેતાં જ) આયુષ્ય પૂર્ણ થઇ જાય. તમે શુભપરિણતિના પુત્રો છો. તેથી મેં આ દિશામાત્ર કહ્યું. હે વત્સો! બાકીનું ચરિત્ર સ્વબુદ્ધિથી વિચારીને જે સ્વહિત હોય તે કરવું.
જિનવચનરૂપ મંત્રના જાપનો વિધિ.
આ પ્રમાણે કરુણાપૂર્વક ઉપદેશ આપીને સમયરાજ વિરામ પામ્યા ત્યારે વિનયપૂર્વક ગદ્ગદ્ વાણીથી વિમલબોધ વગેરેએ આ પ્રમાણે કહ્યું- સ્વામીએ અમને અમૃત અને વિષ બતાવ્યું. અજ્ઞાન માણસ પણ અમૃતને છોડીને ક્યારેય વિષ ખાતો નથી. તો પણ હે સ્વામી!