________________
સમ્યકત્વ દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [સમ્યકત્વની દુલર્ભતા-૨૮૧ સઘળા ય પુદ્ગલોને જુદા જુદા ભાવોમાં ઔદારિક, વૈક્રિય, તેજસ અને કાર્મણ એ ચાર પ્રકારે પરિણાવીને છોડી દે ત્યારે દ્રવ્યથી પુદ્ગલપરાવર્ત થાય છે. જુદા જુદા ભવોમાં મરતો જીવ જ્યારે પ્રત્યેક મરણોથી સઘળાય આકાશપ્રદેશોને વ્યાપે છે. (=સ્પર્શે છે, ત્યારે ક્ષેત્રથી પુદ્ગલપરાવર્ત પૂર્ણ થાય છે, અર્થાત્ તેટલા કાળને ક્ષેત્ર પુદ્ગલપરાવર્ત કહેવામાં આવે છે. ઘણા ભવોમાં ભમતો જીવ જ્યારે પ્રત્યેક મરણોથી ઉત્સર્પિણીમાં રહેલા સર્વસમયોને વ્યાપે છે ત્યારે કાલથી પુદ્ગલપરાવર્ત થાય છે. અનુભાગબંધના (=રસબંધના) અધ્યવસાય સ્થાનો અસંખ્યલોકાકાશ પ્રમાણ છે અને સંયમસ્થાનોની તુલ્ય છે. ઘણા ભવોમાં મરતો જીવ પ્રત્યેક મરણ સમયમાં તે સઘળાય રસબંધના અધ્યવસાય સ્થાનોને જ્યારે સ્પર્શે ત્યારે ભાવથી પગલપરાવર્ત થાય છે.
અન્ય ગ્રંથોમાં ક્રમ અને ઉત્ક્રમ આદિ ભેદથી સૂક્ષ્મ અને બાદર આદિ પુદ્ગલપરાવર્તની જે વિચારણા કરવામાં આવી છે તે વિચારણા અહીં નથી કરી. કારણ કે એ વિચારણા અહીં લગભગ અપ્રસ્તુત છે, બીજા સ્થળોમાં તેનો નિર્ણય કર્યો છે, અને અહીં ગ્રંથ વિસ્તારનો ભય છે.
આ ચાર પ્રકારના પુદ્ગલપરાવર્તામાંથી અહીં પ્રસ્તુતમાં ક્ષેત્ર પુદ્ગલપરાવર્તનો દેશોન અર્ધ (પુગલપરાવર્તકાળ) સંભવે છે. નિશ્ચય તો કેવળીઓ કે બહુશ્રુતો જાણે કેમ કે તેવા પ્રકારનો સ્પષ્ટ નિર્ણય ક્યાંય જોવામાં આવતો નથી. આ દેશોન અર્ધપુદ્ગલપરાવર્ત કાળ પણ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી કાળ પ્રમાણ જાણવો.
અહીં વિસ્તારથી સર્યું. તેથી અહીં આ તાત્પર્ય છે– સમ્યકત્વનો તે પ્રભાવ છે કે જે પ્રભાવથી એકવાર પણ સમ્યકત્વ પ્રાપ્ત થઈ ગયા પછી જીવ ગોશાળા વગેરેની જેમ ઉત્કૃષ્ટ પાપ વ્યાપાર કરનારો બને તો પણ ઉત્કૃષ્ટથી પણ માત્ર અનંત ઉત્સર્પિણીઅવસર્પિણી પ્રમાણ કંઇક ન્યૂન અર્ધપગલપરાવર્ત જેટલા કાળ સુધી જ સંસારમાં ભમે છે. તેટલો કાળ પૂર્ણ થયા પછી અવશ્ય જિનધર્મની સંપૂર્ણ સામગ્રી મેળવીને સર્વકર્મો ખપાવીને મોક્ષ પામે છે. [૧૦૪]
દેવ-મનુષ્યોની સંપત્તિના લાભથી પણ સમ્યકત્વ અધિક દુર્લભ છે. હવે સમ્યકત્વના આ દુર્લભતારૂપ ગુણને કહે છે
लब्भंति अमरनरसंपयाओ, सोहग्गरूयकलियाओ । न य लब्भइ सम्मत्तं, तरंडयं भवसमुद्दस्स ॥ १०५॥
સૌભાગ્ય અને રૂપથી યુક્ત દેવ-મનુષ્યની સંપત્તિઓ પ્રાપ્ત થાય છે. પણ ભવસમુદ્રને તરવા માટે વહાણ સમાન સમ્યકત્વ પ્રાપ્ત થતું નથી.