________________
૩૭ર-રાત્રિ ભોજનમાં]. ઉપદેશમાલા (પુષ્પમાલા)
[રવિગુણની કથા વિશેષાર્થ- રાત્રિભોજનમાં આ લોકમાં દોષો આ પ્રમાણે છે-“માખી ખાવામાં આવી જાય તો ઊલટી થાય. કીડીઓથી જ્ઞાન(=બુદ્ધિ) નાશ પામે. ભક્ષણ કરેલી જુઓથી ઘોર જલોદર વધે છે. વીંછી-સર્પ આદિથી મરણ થાય.”
પરલોકમાં નરક વગેરે ગતિમાં ગયેલા જીવને તપેલા સીસાના રસનું પાન વગેરે અતિશય ઘણા દોષો થાય છે.
પ્રશ્ન- આ રવિગુપ્ત કોણ છે? ઉત્તર- કહેવાય છે
રવિગુપ્તની કથા કુશળ શિલ્પીએ ઘડેલી, ઘણા કમળવાળી અને પોતાનું અનુકરણ કરનારી સિધ્ધિ નદીથી આલિંગન કરાયેલી ઉજ્જૈની નામની નગરી છે. ત્યાં અતિશય જ્ઞાનીની જેમ પરના અભિપ્રાયને જાણનારો કુશળ મહેન્દ્રદેવ નામનો બ્રાહ્મણ રહે છે. તેનો રવિગત નામનો પુત્ર છે. વિષયોમાં આસક્ત, સ્વયૌવન-રૂપ-બુદ્ધિથી ગર્વિષ્ઠ બનેલો અને પ્રસન્ન મનવાળો તે અંકુશથી રહિત ગજેન્દ્રની જેમ વેશ્યાઓમાં ભમે છે. વધારે કહેવાથી શું? તે પિશાચની જેમ દોષોની ખાણ હતો. પણ તેનું મન રાત્રિભોજનમાં અતિશય આસક્ત હતું. પોતાને બહુ (=મહાન) માનતો તે બજાર, માર્ગ અને ચોક વગેરે સ્થાનોમાં સંપૂર્ણ રાતે પણ ખાતો ફરે છે. તે શ્રાવકલોકનો ઉપહાસ કરે છે કે તે બિચારા આજે પણ રાત્રિભોજનનો રસ જાણતા નથી, તેથી રાત્રિભોજન કરતા નથી. આ પ્રમાણે શાસનના પ્રતિકૂલ લોકમાં નિંદા કરતો હવે તે એકવાર પિતાનું મૃત્યુ થતાં ઘરનો પણ સ્વામી થયો. તેથી વિશેષથી જ નિરંકુશ બનેલો અને પાપોને એકઠા કરતો તે યજ્ઞોમાં પશુઘાત કરે છે. હવે એકવાર રાત્રિમાં ભોજન કરતા તેને ઊલટી વગેરે ઘણા રોગો થયા. પશ્ચાત્તાપથી રહિત અને રૌદ્રધ્યાનમાં રહેલો તે મરીને ત્રીજી પૃથ્વીમાં નારક થયો. ત્યાં છેદન, ભેદન, તાડન, કપાવું અને બળવું વગેરે દુઃખોને સહન કરે છે. વિશેષથી જ રાત્રિભોજનના વૃત્તાંતને યાદ કરાવીને પછી તપેલા સીસાનો રસ, તેલ અને તાંબાનો રસ સદા પીવડાવવામાં આવે છે. ત્યાંથી નીકળીને તે અનંત સંસારસાગરમાં ભમ્યો. રાત્રિ ભોજનના કારણે ઘણા દુઃખને સહન કરતો તે ક્યાંક ભૂખ્યો રહ્યો, ક્યાંક તરસ્યો રહ્યો, ક્યાંક તેનું શરીર સુકાઈ ગયું. ગળાના અને જીભના રોગોથી પીડાયેલો તે અનેકવાર મૃત્યુ પામ્યો. અનંત સંસાર ભ્રમણમાં અંતે આ રવિગુપ્તનો જીવ કોઈપણ રીતે કાંપિલ્યપુર નગરમાં ઉત્પન્ન થયો અને મધુનામના બ્રાહ્મણના ઘરે વામદેવ નામનો પુત્ર થયો. ત્યાં પણ આસક્તિવાળો તે રાત્રે ભોજન કરે છે.