Book Title: Updeshmala Ppart 01
Author(s): Hemchandrasuri, Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 389
________________ ૩૭૪-રાત્રિ ભોજનમાં ઉપદેશમાલા (પુષ્પમાલા) [રવિગુપ્તની કથા અને પાપીઓને ઘણા પુત્રો હોવાથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થાય. આ લોકમાં પણ પુત્ર વગેરે દુઃખનું કારણ જોવામાં આવે છે. કહ્યું છે કે—“ઉત્પન્ન થતો પત્નીને હરે, વધતો ધનને હરે, મરતો પ્રાણોને હરે, પુત્રસમાન કોઇ શત્રુ નથી.” તેથી આ પુત્ર વગેરે અતિસ્નેહના કારણ હોવાથી દુર્ગતિના કારણો છે, સુગતિના કારણો નથી. “શ્વેતાંબરો શૂદ્ર છે” ઇત્યાદિ જે કહ્યું: તેમાં પણ અજ્ઞાન હોવાથી પિતાજીને હું કંઇક પૂછું છું. પણ મારા ઉપર ગુસ્સો ન કરવો. કારણ કે પિતાજીની સાથે માત્ર વિચારણા કરવાની ઇચ્છા રાખી છે. હે પિતાજી! બ્રાહ્મણ જાતિથી, કુળથી, શરીરથી, *જીવથી, યોનિથી, વેદપાઠથી,શૌચાચારથી, ‘સંસ્કારથી કે તપથી થાય છે? (૧) હે પિતાજી! તેમાં જાતિથી બ્રાહ્મણ છે તે મને સમજાતું નથી. કારણ કે જાતિ નિત્ય છે અને નાશ પામતી નથી. તેથી જાતિનો પતન-વિનાશ ન થાય, અને પતન-વિનાશ ઇષ્ટ છે. કારણ કે માનવધર્મમાં સુભાષિત આ પ્રમાણે છે– માંસથી, લાખથી અને લવણથી જલદી પતન પામે છે, અર્થાત્ માંસ આદિનો વેપાર કરનાર જાતિથી ભ્રષ્ટ થાય છે. દૂધ વેચનાર બ્રાહ્મણ ત્રણ દિવસમાં શૂદ્ર થાય છે. ઋતુકાળને ઓળંગીને (=ઋતુકાળ સિવાય) જે મૈથુનને સેવે છે તે જ બ્રાહ્મણનો વધ કરનાર છે, તેણે પોતાનાથી ઉત્પન્ન થયેલા બ્રાહ્મણને મારી નાખ્યો. ઋતુકાલ પસાર થઇ ગયા પછી જે મૈથુન સેવે છે, તેને બ્રહ્મહત્યા થાય= બ્રહ્મહત્યાનું પાપ લાગે, અને દરરોજ સૂતક થાય. (૨) હે પિતાજી! કુલથી પણ બ્રાહ્મણ થાય તે હું જાણતો નથી. કારણ કે બ્રાહ્મણની જાતિમાં અને કુળમાં ઉત્પન્ન નહિ થયેલાઓ પણ ઋષિઓ બ્રાહ્મણ તરીકે પ્રસિદ્ધ છે. કારણ કે શ્રુતિમાં કહ્યું છે કે– અચલઋષિ હાથણીમાંથી, કેશકંબલ ઘુવડસ્ત્રીમાંથી, અગસ્તિ અગથિયાના વૃક્ષના પુષ્પમાંથી, કૌશિક કુશ નામના ઘાંસના આસનમાંથી, કઠિન કઠિન નામના ઘાસમાંથી, ગૌતમ શ૨ નામના ઘાસના ઝુંડમાંથી, દ્રોણાચાર્ય કુંભમાંથી, તિત્તિરિસુત તેતર પક્ષીમાંથી ઉત્પન્ન થયેલ છે. રેણુકાએ રામને જન્મ આપ્યો. મૃગલીએ વનમાં ઋષિશૃંગને, કૈવર્તી (=માછીમારની સ્ત્રી)એ વ્યાસને, શૂદ્રિકાએ કક્ષિવત્ ઋષિને, ચાંડાલણે વિશ્વામિત્રને, ઉર્વશીએ વશિષ્ટને જન્મ આપ્યો. આ બ્રાહ્મણ જાતિ-કુલના ન હોવા છતાં ઉત્તમ બ્રાહ્મણો છે. (૩-૪) શરીર અને જીવ એ બે પક્ષને સ્વીકારવામાં તો આખાય જગતને બ્રાહ્મણ બનવાનો પ્રસંગ આવે. કારણ કે શરીર અને જીવ બધા સ્થળે છે. (૫) હે પિતાજી! હવે જો યોનિથી બ્રાહ્મણને સ્વીકારવામાં આવે તો ‘બ્રાહ્મણ બ્રહ્માના મુખમાંથી, ક્ષત્રિય બાહુમાંથી, વૈશ્ય સાથળમાંથી અને શૂદ્ર બે પગોમાંથી થયો” એવા ધર્મશાસ્ત્ર પાઠથી જેઓ જ્યારે બ્રહ્માના મુખમાંથી થયા તે જ બ્રાહ્મણો થાય, સ્ત્રીયોનિથી ઉત્પન્ન થયેલા હમણાંના તે શૂદ્રોની જેમ બ્રાહ્મણપણાનો અનુભવ ન કરે, અર્થાત્ બ્રાહ્મણ ન ગણાય. વળી બીજું–

Loading...

Page Navigation
1 ... 387 388 389 390 391 392 393 394