________________
શરીરમમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચંપાપુરીના રાજાની કથા-૩૬૫ પરિવરેલો રાજા ત્યાં જઈને નાવમાં બંધુસહિત આરૂઢ થયો. બીજી નાવોમાં સામંત વગેરે માણસો ચડ્યા. જેવી રીતે ઇંદ્રની સાથે રહેલા દેવો ગંગાનદીમાં ક્રીડા કરે તેમ તે બધા નદીમાં ક્રીડા કરે છે.
આ પ્રમાણે તે બધા ક્રીડા કરી રહ્યા હતા ત્યારે ઉપરના ભાગમાં મેઘની વૃષ્ટિ થવાથી તે કોઇક નદી પ્રવાહ તીવ્ર વેગથી ત્યાં આવ્યો કે જે નાવડીઓને ખેંચીને બીજી બીજી દિશાઓમાં લઈ જાય છે. તેમાં નિર્યામકનો પ્રયત્ન પણ જરા પણ કામ લાગતો નથી. તેથી નદીમાં રહેલો અને કિનારે રહેલો લોક પોકાર કરે છે. ત્યાં મળેલી સઘળીય ચંપાપુરી આકુલવ્યાકુલ થઈ ગઈ. પછી લોકના જોતાં જ રાજાની નાવ અદશ્ય થઈ ગઈ. વેગથી વહેતી નદી ઘણા યોજનો સુધી નાવને લઈ ગઈ. પછી દીર્ઘતમાલ નામની અટવીમાં કયાંક નાવ વૃક્ષમાં લાગી= અટકી. કેટલાક પરિવારથી યુક્ત રાજા સમરવિજયની સાથે કોઇપણ રીતે કાંઠે ઉતર્યો. થાકેલો રાજા કાંઠે જેટલામાં વિશ્રામ કરે છે તેટલામાં નદીના પાણીથી ખોદાયેલા નદીના ખાડામાં પ્રગટ થયેલા રત્નપૂર્ણ નિધાનને જુએ છે. તેથી ઉઠીને બંધુઓ વગેરેની સાથે ત્યાં ગયો. તેને વિશેષથી જોઇને સમરવિજયને બતાવે છે. દીપતા રત્નસમૂહને જોઇને તેનું મન ચલિત થયું. તેથી આ રાજાને મારીને વિદ્યમાન આ ધનને અને તે સમૃદ્ધરાજ્યને લઉં ઇત્યાદિ વિચારીને સહસા રાજા ઉપર છૂરીનો ઘા કર્યો. પરિવાર પોકાર કરવા લાગ્યો. હા! આ શું? એમ વિચારીને રાજાએ તે ઘાને નિષ્ફળ બનાવ્યો. રાજા સમરવિજયને હાથમાં પકડીને કહે છે કે હે વત્સ! તે શું કર્યું? આપણા પણ કુળમાં શું કોઈ આવું અયોગ્ય કાર્ય કરે? (૨૫) જો તારે રાજ્ય જોઇતું હોય કે આ ધન જોઇતું હોય તો તું જ ગ્રહણ કર, અને હું પૂર્વરાજાઓના માર્ગને સેવું. ઇત્યાદિ રાજા કહી રહ્યો હતો ત્યારે નિષ્કારણ જેના શુભભાવને ચોરી લીધો છે એવો સમરવિજય હાથને છોડાવીને ખસી ગયો. રાજા વિચારે છે– જેમની મતિ કર્મને આધીન છે તેવા જીવોની વિરુદ્ધ ચેષ્ટાને જુઓ, કે જે ચેષ્ટાઓને ન જ કહી શકાય, ન જ સહી શકાય અને ન જ ઢાંકી શકાય. હવે મારે આ નિધિની અને આ પરિગ્રહની જરૂર નથી, કે જેના માટે આ પ્રમાણે બંધુઓના પણ ચિત્તો જલદી ચલિત થાય છે. આ પ્રમાણે વિચારીને રાજા ત્યાંથી ક્રમે કરીને પોતાના સ્થાને આવ્યો. હવે તે વૈરાગ્યથી ભાવિત મનવાળો થઈને દિવસો પસાર કરે છે.
સમરવિજય પણ પછી તે નિધાનને જુએ છે તો રહેલું પણ તે નિધાન અભાગ્યથી તેને દેખાતું નથી. આથી રાજા લઈ ગયો છે એમ વિચારે છે. પછી તે લુંટારો થયો. ભાઈના દેશને લુંટે છે. એકવાર માંડલિક રાજાઓએ તેને બાંધીને ગ્રહણ કર્યો. ચંપાનગરીમાં લઇ જઇને કીર્તિચંદ્રરાજાને સોંપ્યો. રાજા કરુણાથી તેને છોડાવીને રાજ્ય લેવાનું નિમંત્રણ કરે છે.