________________
૩૬૬- શરીર મમતાના ત્યાગ વિષે] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ચંપાપુરીના રાજાની કથા સ્વભુજાબળથી રાજ્ય લેવું જોઇએ, આનાથી અપાયેલું નહિ, આ પ્રમાણે વિચારતો તે ફરી પણ તેના ઘરમાંથી નીકળી ગયો. આ પ્રમાણે ક્યારેક ઘ૨માં તો ક્યારેક રાજ્યમાં તેણે ભૂલ કરી. રાજાએ તેને છોડાવ્યો, અને રાજ્ય લેવા માટે આગ્રહથી પ્રાર્થના કરી. સકલલોકમાં એવો પ્રવાદ થયો કે- અહો! ગુણથી મહાન અને ગુણોથી રહિત મનુષ્યોના અંતરને જુઓ. કેમ કે બંધુ પણ આ યુવરાજ અને રાજામાં એકની દુર્જનતા અને અન્યની અનંત સજ્જનતા સર્વત્ર સ્પષ્ટ દેખાય છે. અતિસંવેગને પામેલો રાજા જેટલામાં દુઃખપૂર્વક કાળ પસાર કરી રહ્યો છે તેટલામાં ત્યાં પ્રબોધ નામના કેવલી પધાર્યા. રાજાએ તે વાત સાંભળી. રાજા ઘણા હર્ષથી અને ઘણી સમૃદ્ધિથી કેવલીની પાસે ગયો. ગુરુનો વિનયરૂપ આદર કરવા પૂર્વક બેઠેલા રાજાને કેવલી ભગવંતે ભવિસ્તારનો નિર્ણય કરવામાં કુશળ એવી શ્રેષ્ઠ દેશના કરી. પછી અવસર પામીને જેણે સંવેગરૂપ સુધાના પ્રવાહમાં અંતઃકરણને ડૂબાડ્યો છે એવા રાજાએ બંધુનો સઘળોય વૃત્તાંત પૂછ્યો. તેથી આ વૃત્તાંતથી અન્ય પર્ષદાને પણ ઘણો ઉપકાર થશે એમ જ્ઞાનથી જાણીને કેવલીએ વિસ્તારથી કહેવાનું શરૂ કર્યું. તે આ પ્રમાણે—
હે મહારાજ! સાંભળો. બંધુનો વૃત્તાંત કહેવામાં આવે છે. આ જ જંબુદ્વીપમાં મહાવિદેહક્ષેત્રમાં મંગલાવતી વિજયમાં સુગંધિપુર નામનું નગર છે. તેમાં મહન નામના શ્રેષ્ઠીના અનુક્રમે સાગર અને કુરંગ નામના બે પુત્રો થયા. સમજી શકે તેવી અવસ્થાને પામેલા તે બે એકવાર ક્રીડા કરી રહ્યા હતા ત્યારે તેમને પોતાની ઉંમર જેટલા જ બે બાળકો મળ્યા અને એક બાલિકા મળી. તેમને મનોહર આકૃતિવાળા જોઇને તે બે પુત્રોએ પૂછ્યું કે તમે કોના છો? અને તમારું નામ શું છે? મોટા બાળકે કહ્યું: હું આ નગરમાં રહેનાર મોહરાજાનો પૌત્ર અને રાગકેશરીનો પુત્ર છું. અનંતાનુબંધી લોભ મારું નામ છે. આ બીજો પરિગ્રહાભિલાષ નામનો નાનો બાળક મારો જ પુત્ર છે. આ બાલિકા તે જ મોહરાજાની પ્રપૌત્રી, દ્વેષગજેન્દ્રની પૌત્રી અને અનંતાનુબંધી ક્રોધની ક્રૂરતા નામની પુત્રી છે. તેથી સાગરે વિશેષથી હસીને કહ્યું: અહો! આ મહા કૌતુક છે કે જેથી આટલી વયમાં પણ આપનો વિવાહ થયો અને પુત્રની ઉત્પત્તિ થઇ. તેથી તેમણે કહ્યું: આ કૌતુક નથી. કારણ કે અમારા વંશમાં ઉત્પન્ન થયેલાઓનો આ જ ક્રમ છે કે નાનાઓ પણ પરણાવાય છે અને પુત્રને ઉત્પન્ન કરવાની શક્તિવાળા હોય છે. એથી હું પણ વૃદ્ધિ નામની પત્નીને પરણ્યો, અને તેમાં આ પુત્રને ઉત્પન્ન કર્યો. અમારા વંશમાં ઉત્પન્ન થયેલાઓની પાસે ઇચ્છા પ્રમાણે રૂપ કરવું વગેરે આશ્ચર્યકારી અનંતશક્તિઓ હોય છે. આખી જીંદગીથી પણ તે શક્તિઓને કહેવા માટે પાર ન પામી શકાય. તેથી આ કથાથી પણ સર્યું. પછી દુષ્ટ ચિત્તવાળા કુરંગે કહ્યું: અમારો પણ કોઇક પુણ્યોદય છે કે જેથી આવા પણ તમારી સાથે મેળાપ થયો. તેથી આપણે સંપૂર્ણપણે સાથે જ ક્રીડા કરીએ. (અનંતાનુબંધી લોભે કહ્યું:) આમ કેમ કહો છો?