________________
૩૨૦- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) | [સર્વચારિત્રને યોગ્ય કોણ?
જે જીવો દેશવિરતિને યોગ્ય કહ્યા છે, પ્રાયઃ કરીને દેશ-કુલ-જાતિથી શુદ્ધ અને જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવા તે જ મનુષ્યો સર્વવિરતિરૂપ પ્રવ્રજ્યાને પણ યોગ્ય છે.
વિશેષાર્થ- પ્રગ્ન- જે જીવો દેશવિરતિને યોગ્ય કહ્યા છે તે જ જીવો દીક્ષાને પણ યોગ્ય છે. તો “પ્રાયઃ” શબ્દનો ઉલ્લેખ કેમ કર્યો છે? ન ઉત્તર- નારકો, તિર્યંચો અને દેવો સર્વવિરતિને યોગ્ય ન હોવાથી મનુષ્યો જ સર્વવિરતિને યોગ્ય છે, આથી પ્રાયઃ શબ્દનો અને મનુષ્ય શબ્દનો ઉલ્લેખ કર્યો છે. મનુષ્યો પણ દેશ-કુલ-જાતિથી શુદ્ધ હોવા જોઈએ. અનાર્ય મનુષ્ય દેશથી અશુદ્ધ કહેવાય છે. અનાર્યને દીક્ષા ન અપાય. કારણ કે તેને ભાષા આદિનું જ્ઞાન ન હોવાથી તે ચારિત્રમાં સમ્યક્ પ્રવૃત્તિ ન કરી શકે. માતાનો પક્ષ તે જાતિ. પિતાનો પક્ષ તે કુલ. જાતિ અને કુલથી અશુદ્ધ વ્રતને યોગ્ય નથી. કારણ કે વ્રતનો નિર્વાહ કરવામાં વ્યભિચારનો સંભવ છે, અર્થાત્ તે વ્રત ન પાળે તેવો સંભવ છે. દેશવિરતિ તો તિર્યંચ આદિને પણ અપાય છે. આથી દેશવિરતિ સ્વીકારનારના “મનુષ્ય અને દેશથી શુદ્ધ વગેરે વિશેષણો કર્યા નથી.
વળી બીજું- દેશવિરતિનો સ્વીકાર કરનારની અપેક્ષાએ જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે તેવા જીવો સર્વવિરતિના સ્વીકારમાં અધિકારી કરવા યોગ્ય છે. જેટલી કર્મસ્થિતિમાં સમ્યકત્વને પ્રાપ્ત કરી શકાય છે તેનાથી પલ્યોપમ પૃથકત્વ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે શ્રાવક ( દેશવિરતિ) થાય. તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ચારિત્રને પામે છે. તેનાથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ઉપશમશ્રેણિને પામે છે. તેનાથી પણ સંખ્યાતા. સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ક્ષીણ થાય ત્યારે ક્ષપકશ્રેણિને પામે છે. કહ્યું છે કે“સમ્યકત્વની પ્રાપ્તિ વખતે રહેલી (અંતઃકોડાકોડિ) કર્મસ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ જેટલી કર્મસ્થિતિનો ક્ષય થાય ત્યારે દેશવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ઉપશમશ્રેણિની પ્રાપ્તિ થાય છે. તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમ જેટલી કર્મસ્થિતિ ઘટે ત્યારે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે.” આથી “જેમના લગભગ ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવા” એવું વિશેષણ છે.
પ્રશ્ન- અમુક મનુષ્યના ઘણા કર્માણુઓ ક્ષીણ થઈ ગયા છે એવો નિશ્ચય કેવી રીતે કરી શકાય?
ઉત્તર- તેની બાહ્યચેષ્ટાના આધારે અનુમાન વગેરેથી નિશ્ચય કરી શકાય.