________________
૩૧૮- ચરણશુદ્ધિ વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા) [દેશચારિત્રને યોગ્ય કોણ?
તેમાં દેશચારિત્રને યોગ્ય જીવને બતાવતા ગ્રંથકાર કહે છેसंवेगभावियमणो, सम्मत्ते निच्चलो थिरपइन्नो । विजिइंदिओ अमाई, पन्नवणिजो किवालू य ॥ १२०॥ जइधम्ममिवि कुसलो, धीमं आणारुई सुसीलो य । विण्णायतस्सरूवो, अहिगारी देसविरईए ॥ १२१॥
સંવેગભાવિતમનવાળો, સમ્યકત્વમાં નિશ્ચલ, સ્થિર પ્રતિજ્ઞાવાળો, વિજિતેન્દ્રિય, માયારહિત, પ્રજ્ઞાપનીય, દયાળુ, સાધુધર્મમાં પણ કુશલ, બુદ્ધિમાન, આજ્ઞારુચિ, સુશીલ અને દેશવિરતિના સ્વરૂપનો જાણકાર દેશવિરતિ ધર્મનો અધિકારી છે.
વિશેષાર્થ(સંવેગ એટલે મોક્ષાભિલાષ) સંવેગરહિત જીવના ગુણોના ઉત્કર્ષનું સ્થાપન માત્ર મહેનતરૂપ ફલવાળું જ છે, અર્થાત્ સંવેગરહિત જીવમાં ગુણોના ઉત્કર્ષનું સ્થાપન કરવામાં નિરર્થક મહેનત સિવાય કશું ફળ મળતું નથી. માટે અહીં “સંવેગભાવિતમનવાળો” એવું વિશેષણ છે.
સંવેગ વ્યવહારથી મિથ્યાષ્ટિને કે શિથિલ સમ્યકત્વવાળાને પણ હોય. તે બંનેયમાં ચારિત્રગુણનું આરોપણ સન્નિપાતથી યુક્તને દૂધ અને સાકરના પાણીની જેમ દોષ માટે જ થાય. કારણ કે ચારિત્રમાં આદર વગેરે ન હોવાથી વિરાધના વગેરે દોષોનો પ્રસંગ આવે. માટે “સમ્યકત્વમાં નિશ્ચલ” એવું વિશેષણ છે.
સમ્યકત્વમાં નિશ્ચલ જીવ પણ ચારિત્રાવરણીયકર્મના ઉદયથી અસ્થિર પ્રતિજ્ઞાવાળો પણ હોય. આથી “સ્થિરપ્રતિજ્ઞાવાળો” એવું વિશેષણ છે.
સ્થિરપ્રતિજ્ઞાવાળો જીવ જો કે પ્રતિજ્ઞામાં સ્થિર હોવાથી વ્રતોનો સર્વથા ત્યાગ ન કરે, તો પણ ઇન્દ્રિયો ઉપર વિજય પ્રાપ્ત ન કર્યો હોવાથી તેવા પ્રકારના કર્મોના ઉદયથી વ્રતોને અતિચારવાળા કરે. આથી “વિજિતેન્દ્રિય” એવું વિશેષણ છે.
આ પૂર્વોક્ત ગુણો માયાવી જીવને પણ ઉદાયિરાજાને મારનાર આદિની જેમ બાહ્ય-વૃત્તિથી (=માત્ર દેખાવથી) હોય. માટે “માયારહિત” એવું વિશેષણ છે.
| માયારહિત પણ જીવ તેવા પ્રકારના જ્ઞાનાવરણીય આદિ કર્મોદયના સામર્થ્યથી કોઇક અર્થમાં આગ્રહી પણ હોય. આથી “પ્રજ્ઞાપનીય” એવું વિશેષણ છે. (પ્રજ્ઞાપનીય એટલે સમજાવી શકાય તેવો.)
આ ગુણો હોવા છતાં ધર્મનું મૂળ દયા હોવાથી દયામાં તત્પરપણું વિશેષ જોવું જોઇએ. આથી “દયાળુ” એવું વિશેષણ છે.