________________
ત્રીજાવ્રતમાં દઢતા વિષે] ઉપદેશમલા (પુષ્પમાલા) [નાગદત્તની કથા-૩૪૫ કહેવું યોગ્ય નથી. તેમાં તારો શો દોષ? તારા દૃષ્ટિભાવથી ત્યારે પણ મેં આ જાણી લીધું હતું. પણ આટલા વખત સુધી ન કહ્યું, કારણ કે હું પણ લજ્જાથી રોકાયેલી છું. હે મુગ્ધ! તેથી તારા ગુણરૂપ દોરડાથી બંધાયેલા અને જીવનને કરનારા તેને અમે જ જલદી બતાવીએ છીએ. માટે સ્વસ્થ થા. આ પ્રમાણે નિપુણતાથી સખીઓએ કહ્યું ત્યારે હસીને વિમુખ થયેલી નાગવસુ મનમાં જાણે છે કે અહો! સખીઓની ચતુરાઈ! નાગવસુને આ પ્રમાણે રાખીને સખીઓએ આ વિગત તેના માતા-પિતાને કહી.
આથી નાગવસુના પિતાએ ધનદત્ત પાસે નાગદત્તની માગણી કરી. પછી નાગવસુની માતાએ નાગવસુ પાસે જઈને રડતાં રડતાં કહ્યું: હે પુત્રી! તારા પિતાએ ધનદત્તને ઘણી પ્રાર્થનાઓ કરીને કહ્યું. તેણે કહ્યું. આ અમારા ઉપર પણ તમારો અનુગ્રહ છે. પણ અમે શું કરીએ? મારા પુત્રે ઘણી કન્યાઓને ઇચ્છી નથી. તે સંસારથી વિરક્ત મનવાળો છે. ઘરમાં પણ (=સંસારમાં પણ) અમારા આગ્રહથી રહે છે. કિંતુ ફરી પણ એને પ્રાર્થના કરીશું, કદાચ (લગ્ન) કરે. આ પ્રમાણે કહીને પૂજા કરીને તેણે તારા પિતાને રજા આપી. હે વત્સ! તેથી તે વ્યક્તિનો આગ્રહ છોડ. કારણ કે કહ્યું છે કે-દુર્લભ મનુષ્ય ઉપર પ્રેમ, લુચ્ચા માણસ સાથે મૈત્રી, જડ માણસને ઉપદેશ અને સમર્થ જન ઉપર ક્રોધ નિરર્થક છે અને અનર્થહેતુ છે. આ પ્રમાણે સાંભળીને નિઃસાસો નાખીને નાગવસુએ સ્વમાતાને કહ્યું: હે માતા! જો એમ છે તો તું મારી પણ પ્રતિજ્ઞા સાંભળ. જો મને પરણે તો તે જ પરણે કે જે જોવાયેલો પણ અંગને શાંત કરે છે. હવે જો ન પરણે તો તેને જ જે અત્યંત અભીષ્ટ છે તે જ મારી પણ ગતિ છે. હવે માતાએ પતિ પાસે જઈને આ બધું ફરી કહ્યું.
ત્યાં વસુદત્ત નામનો નગરરક્ષક વસે છે. કોઈકવાર ક્યાંક નાગવસુને જોઈને વસુદત્ત તેમાં આસક્ત બન્યો. તેથી પરણવા માટે નાગવરુની માંગણી કરી. પ્રિયમિત્રે કહ્યું: જો તમે જમાઈ તરીકે પ્રાપ્ત કરાવતા હો તો અમે બીજાની પ્રાર્થના ન કરીએ. પણ આ નાગદત્તને પરણવાની પ્રતિજ્ઞા કરી રહી છે. તેથી અવિવેકથી ચંચળ કરાયેલ વસુદત્ત નાગદત્તને મારીને પણ આ લેવી એ પ્રમાણે વિચારીને તેના છિદ્રોને જુએ છે. એકવાર ઘણા અશ્વોથી પરિવરેલો રાજા નીકળ્યો. વેગથી જતા તેના કાનમાંથી સરકીને કુંડલ પડી ગયું. પૃથ્વી ઉપર પડતા કુંડલને ધૂળના અણુઓના કારણે કોઈએ ન જોયું. અશ્વોની ખરીથી મર્દન કરાતું કુંડલ ધૂળમાં દટાઈ ગયું. (૫૦) પછી ઘરે ગયેલા રાજાએ આ જાણ્યું અને નગરના રક્ષકને કહ્યું. નગરરક્ષકે પટહ વગડાવીને બધા સ્થળે ઘોષણા કરી કે- રાજાનું મણિથી નિર્મિત કુંડલ ખોવાયું છે. તેથી જો કોઈ સ્વયં પણ આપી દે, અથવા મળેલું પણ લાવીને આપી દે, તો અપરાધથી રહિત છે. (નહિ તો) અમને ખબર પડશે તો મસ્તકથી અને ધનથી દંડ થશે.