________________
ચરણશુદ્ધિદ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
દેશચારિત્ર કોને હોય છે તે કહે છે
देसचरणं गिहीणं, मूलुत्तरगुणवियप्पओ दुविहं । मूले पंच अणुव्वय, उत्तरगुण दिसिवयाईयं ॥ ११५ ॥
[દેશવિરતિ-૨૯૩
દેશચારિત્ર ગૃહસ્થોને જ હોય છે, દેશચારિત્ર મૂલગુણ અને ઉત્તરગુણ એમ બે પ્રકારનું છે. પાંચ અણુવ્રતો મૂલગુણ છે. દિવ્રત વગેરે (સાત) ઉત્તરગુણ છે. અણુવ્રત શબ્દના અર્થો
વિશેષાર્થઃ– દેશચારિત્ર ગૃહસ્થોને જ હોય છે, સાધુઓને નહિ. કારણ કે તેમનો સર્વચારિત્રમાં જ અધિકાર છે.
અણુવ્રતો– અણુ એટલે નાનાં. મહાવ્રતોની અપેક્ષાએ અણુ=નાનાં વ્રતો તે અણુવ્રતો. અથવા અણુ એટલે નાનો જીવ. નાના જીવના વ્રતો તે અણુવ્રતો. સાધુઓમાં સર્વગુણો હોય છે. એથી યતિ મહાન છે અને શ્રાવક સાધુઓથી નાનો છે. એથી નાનાનાં=શ્રાવકનાં વ્રતો તે અણુવ્રતો. અથવા અણુ એટલે પછી. દેશનાના સમયે મહાવ્રતોની પ્રરૂપણા પછી પ્રરૂપણા કરવા યોગ્ય વ્રતો તે અણુવ્રતો. જે જીવે અત્યાર સુધીમાં ક્યારેય ધર્મ સાંભળ્યો નથી તે જીવ પહેલીવાર ધર્મ સાંભળવાની ઇચ્છાવાળો થાય ત્યારે તેને પહેલાં મહાવ્રતો પ્રરૂપવા જોઇએ. પછી તે જીવ પાંચ મહાવ્રતોને સ્વીકારવા અસમર્થ હોય તો તેને અણુવ્રતો પ્રરૂપવા જોઇએ. કહ્યું છે કે–“સાધુ ધર્મને સ્વીકારવા માટે અસમર્થ જીવને સાધુઓ અણુવ્રતોની દેશના આપે તે પણ યોગ્ય છે.” અણુવ્રતો સ્થૂલપ્રાણાતિપાત વિરમણ વગેરે પાંચ છે.
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત
સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ શબ્દમાં સ્કૂલ, પ્રાણ, અતિપાત અને વિરમણ એમ ચાર શબ્દો છે. સ્થૂલ એટલે મોટા. બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય જીવો સ્થૂલ (=મોટા) છે. કારણ કે તે જીવોને અન્યદર્શનીઓ પણ પ્રાયઃ જીવરૂપે જાણે છે. તે જીવો ઉચ્છ્વાસ આદિના યોગથી પ્રાણ કહેવાય છે. સ્થૂલ એવા પ્રાણ (=જીવો) તે સ્થૂલપ્રાણ.
પ્રશ્નઃ— જીવો પ્રાણવાળા છે, જીવ પ્રાણ નથી, પ્રાણ તો ઉચ્છ્વાસ વગે૨ે છે. તો પછી અહીં જીવોને જ પ્રાણ કેમ કહ્યા?
ઉત્તર- તેના યોગથી તેનો વ્યવહાર થાય એવો નિયમ છે. જેમ કે—કોઇ પુરુષના હાથમાં દંડ છે, આથી તે પુરુષને દંડનો યોગ છે. દંડના યોગથી તે પુરુષનો આ દંડ(=દંડવાળો) છે એવો વ્યવહાર થાય છે. પુરુષ દંડ નથી, દંડવાળો છે. આમ