________________
ચરણશુદ્ધિ દ્વાર ઉપદેશમાલા (પુષ્પમાલા)
(સાતમું વ્રત-૩૦૭ પ્રશ્ન- જો ઉપભોગ-પરિભોગ શબ્દથી અન્ન અને સુવર્ણ વગેરે વસ્તુઓ કહેવાતી હોય તો કર્મને આશ્રયીને આ વ્રત ન ઘટે. કારણ કે અહીં તમને કર્મશબ્દ ક્રિયાવાચી ( ધંધાવાચી) તરીકે અભિપ્રેત છે. (અર્થાત્ અહીં કર્મ એટલે વેપાર-ધંધો એવો અર્થ તમને અભિપ્રેત છે.) ઉપભોગ અને પરિભોગ કરવામાં કર્મ (ધંધો) અર્થ ન ઘટે.
ઉત્તર– તમારું કહેવું સારું છે. પણ વેપાર વગેરે કર્મ ઉપભોગ-પરિભોગનું કારણ હોવાથી કારણમાં કાર્યના ઉપચારથી અહીં કર્મનો ઉપભોગ-પરિભોગ અર્થ વિવક્ષિત છે. આ પ્રમાણે ચર્ચા કરવાથી સર્યું.
ઉપભોગ- પરિભોગનું વ્રત–નિયત પરિમાણ વગેરે કરવું તે ઉપભોગ-પરિભોગવ્રત.
ઉપભોગ- પરિભોગ વ્રતમાં ભોજનને આશ્રયીને શ્રાવકે પ્રાસુક(=અચિત્ત) અને એષણીય (પોતાના માટે ન બનાવેલું હોય તેવું) ભોજન કરનારા થવું જોઈએ. તે ન બની શકે તો અષણીય પણ અચિત્ત ભોજન કરવું જોઇએ. તે ન બની શકે તો ઘણા સાવદ્ય (=પાપવાળા) અશન આદિનો ત્યાગ કરે. અશનમાં નીચેની અનંતકાય વસ્તુઓનો ત્યાગ કરે.
૧. સર્વ પ્રકારના કંદ, ૨. સૂરણકંદ, ૩. વજૂકંદ, ૪. લીલી હળદર, ૫. આદુનંદ, ૬. લીલોકચૂરો, ૭. શતાવરી, ૮. વિરાલી, ૯. કુંઆરી, ૧૦. થોરીયા (જેની વાડ કરવામાં આવે છે તે), ૧૧. ગળો, ૧૨. લસણ, ૧૩. વાંસકારેલાં, ૧૪. ગાજર, ૧૫. લૂણી નામની ભાજી, ૧૬. લોઢક (પદ્મિનીકંદ-જલાશયોમાં થતાં પોયણાં), ૧૭. ગિરિકર્ણિકા (કચ્છમાં પ્રસિદ્ધ વેલડી), ૧૮. કિસલયો, ૧૯. ખરસૈયો, ૨૦. થેગની ભાજી, ૨૧. લીલી મોથ, ૨૨. લણવૃક્ષની છાલ, ૨૩. ખિલુડો, ૨૪. અમૃતવેલી, ૨૫. મૂળા (મૂળાના પાંચેય અંગો અભક્ષ્ય છે), ૨૬. બિલાડીના ટોપ (વર્તમાનમાં મશરૂમ તરીકે પ્રસિદ્ધ છે), ૨૭. વિરૂઢ (અનાજને ભીંજવ્યા પછી થોડા વખતે તેની યોનિમાંથી પ્રગટ થતા અંકુરા), ૨૮. ઢક્કવત્થલા(ભાજી), ૨૯. શુકરવલ્લી, ૩૦. પાલંકા(પાલક)ની ભાજી, ૩૧. કૂણી આમલી (ઠળિયા ન થયા હોય તેવા કાતરા), ૩૨. સક્કરિયાં, ૩૩. ડુંગળી.
આ સિવાય બીજી પણ જિનેશ્વરોએ કહેલી અનંતકાય વસ્તુઓને ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય ઇત્યાદિ લક્ષણોથી જાણવી.
૧. સર્વ પ્રકારના કંદ એ સામાન્યથી જણાવ્યું છે. સૂરણકંદથી આરંભી ડુંગળી સુધી વિશેષથી જણાવ્યું છે. એટલે
શાસ્ત્રમાં જે બત્રીસ અનંતકાય પ્રસિદ્ધ છે તે સૂરણકંદથી આરંભી ડુંગળી સુધીના સમજવા. ૨. કિસલય એટલે અંકુરા, કુંપણ. દરેક વનસ્પતિમાં ઉગતી વખતે પ્રથમ જે અંકુરા ફૂટે છે અને કુંપળ થાય
છે તે અનંતકાય છે. ૩. જીવવિચારની બારમી ગાથામાં અનંતકાયનાં લક્ષણો આ પ્રમાણે જણાવ્યાં છે- જે વનસ્પતિમાં નસો, સંધિ (=સાંધા) અને પર્વ (=ગાંઠો) ગુપ્ત હોય, ભાંગવાથી સરખા ભાગ થાય, છેદવાથી તંતુ ન જણાય, ગમે તે છેદેલો ટુકડો વાવવાથી ફરી ઉગે તે અનંતકાય.
ઉ. ૨૧
ભા.૧