________________
૩૦૬- ચરણશુદ્ધિ દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[છઠું-સાતમુ વ્રત ઉત્તર રૂપ ગુણો તે ઉત્તરગુણો. (=પછીના ગુણો તે ઉત્તરગુણો.) આ ગુણો મૂલગુણોની પુષ્ટિના હેતુઓ છે એવો અહીં ભાવાર્થ છે. ઉત્તરગુણો દિવ્રત વગેરે સાત છે. તેમાં ઉપર, નીચે અને તિર્જી દિશામાં જવાનું પરિમાણ કરવું તે દિવ્રત કહેવાય છે. અહીં પણ પાંચ અતિચારનો ત્યાગ કરવો. તે પાંચ અતિચારો આ પ્રમાણે છે– ઊર્ધ્વદિશા પ્રમાણાતિક્રમ, અધોદિશા પ્રમાણાતિક્રમ, તિર્યદિશા પ્રમાણાતિક્રમ, ક્ષેત્રવૃદ્ધિ અને સ્મૃતિ-અંતર્ધાન.
તેમાં પ્રથમના ત્રણ અતિચારો સારી રીતે સમજી શકાય તેવા જ છે. પણ ઊર્ધ્વ વગેરે દિશામાં ગમનને આશ્રયીને અનાભોગ આદિથી કે અતિક્રમ અને વ્યતિક્રમ આદિથી પ્રવૃત્ત થયેલાને (=પ્રમાણથી અધિક જનારને) પ્રમાણનું અતિક્રમ(=ઉલ્લંઘન) અતિચાર છે. અન્યથા (ઇરાદાપૂર્વક જાય તો) ભંગ જ થાય.
ક્ષેત્રવૃદ્ધિ તો આ પ્રમાણે વિચારવી- જેમકે બધીય દિશાઓમાં પ્રત્યેક દિશાને આશ્રયીને સો યોજનથી આગળ ન જવાનો નિયમ કોઈએ કર્યો. પછી પૂર્વદિશામાં કરિયાણું લઈને સો યોજન સુધી ગયો. તેનાથી પણ આગળ જવામાં આવે તો કરિયાણું વધારે મૂલ્યથી વેચાય તેમ છે. તેથી પશ્ચિમદિશામાં નેવું યોજન જ જઈશ એમ મનમાં ધારીને પૂર્વદિશામાં દશયોજનની ક્ષેત્રવૃદ્ધિ કરીને એકસો ને દશ યોજન જનાર તેને વ્રતસાપેક્ષ હોવાથી ક્ષેત્રવૃદ્ધિરૂપ અતિચાર થાય.
સ્મૃતિ-અંતર્ધાન- જેમ કે કોઈકે પૂર્વદિશામાં સો યોજનનું પ્રમાણ કર્યું. જતી વખતે પ્રમાદના કારણે તેને સો યોજનનું પ્રમાણ છે કે પચ્ચાસ યોજનનું પ્રમાણ છે તે સ્પષ્ટ યાદ આવતું નથી. આ પ્રમાણે બંનેનો સંશય હોય ત્યારે તેણે પચ્ચાસ યોજન સુધી જ જવું જોઈએ. તેનાથી આગળ જનારને અતિચાર લાગે. સો યોજનથી પણ આગળ જનારને તો ભંગ જ થાય.
ઉપભોગ-પરિભોગવ્રત. દિવ્રત કહ્યું. હવે ઉપભોગ-પરિભોગ વ્રત કહેવાય છે. આ વ્રત ભોજનને આશ્રયીને અને કર્મને (-ધંધાને) આશ્રયીને એ બે પ્રકારે છે. ઉપભોગ શબ્દમાં ઉપ અને ભોગ એમ બે શબ્દ છે. ઉપ એટલે એકવાર કે અંદર. જે એકવાર ભોગ કરાય તે ઉપભોગ. અથવા જે શરીરની અંદર ભોગ કરાય તે ઉપભોગ. જેમકે– આહાર-પાણી વગેરે. પરિભોગ શબ્દમાં પરિ અને ભોગ એમ બે શબ્દ છે. જે વારંવાર ભોગ કરાય તે પરિભોગ. અથવા જે શરીરની બહાર ભોગ કરાય તે પરિભોગ. જેમકે– સુવર્ણ અને વસ્ત્ર વગેરે.