________________
૨૮૮-સમ્યકત્વધાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[સમ્યકત્વના લિંગ સમ્યક્તના ઉચિતકરણ વગેરે ચાર લિંગો. સંવેગ વગેરે પાંચ ઉપલક્ષણ છે. તેથી મોક્ષમાર્ગને અનુસરનારાં અને સમ્યકત્વને જણાવનારાં બીજાં પણ લિંગો જાણવા. તેમાંથી કેટલાંક લિંગો અહીં પણ ગ્રંથકાર કહે છે
सव्वत्थ उचियकरणं, गुणाणुराओ रई य जिणवयणे । अगुणेसु य मज्झत्थं, सम्मद्दिहिस्स लिङ्गाइं ॥१११॥
સર્વત્ર ઉચિતકરણ, ગુણાનુરાગ, જિનવચનમાં રાગ અને ગુણરહિતમાં માધ્યસ્થ સમ્યગ્દષ્ટિનાં લિંગો છે=સમ્યગ્દષ્ટિમાં સમ્યગ્દર્શનની સત્તાને જણાવનારાં ચિહ્નો છે.
વિશેષાર્થ – સર્વત્ર ઉચિત કરણ– સર્વત્ર ઉચિત કરણ એટલે દેવ, ગુરુ, અતિથિ, માતા-પિતા, સ્વજન, પરજન, લોકવ્યવહાર આદિ સર્વસ્થાનોમાં ઉચિત કરવું. સમ્યગ્દષ્ટિજીવને કર્મની લઘુતા થઈ હોવાથી દેવભક્તિ આદિ અને લોકવ્યવહાર આદિ કરનાર પણ સમ્યગ્દષ્ટિનું તેવું કોઈક ઔચિત્ય પ્રગટ થાય છે કે જેથી સર્વને પ્રીતિ થાય છે, વૈમનસ્ય થતું નથી. કહ્યું છે કે–પણ ઔચિત્યના ક્રમને જાણનારા, બીજાના ઇચ્છિત કાર્યમાં પ્રયત્ન કરનાર, સારી બુદ્ધિવાળા, ત્રિલોકવંદનીય ચરણવાળા, તથા જેમનું વિશ્વને આનંદ આપનારું અને ચંદ્રના કિરણો જેવું સુંદર ચરિત્ર જીવોના ચિત્તરૂપ ભીંતોમાં સર્વત્ર બંધાયેલું જોવાય છે. તેવા જીવો અહીં ક્યાંક કોઇક હોય છે.”
ગુણાનુરાગ- સમ્યગ્દષ્ટિ જીવને મોક્ષમાર્ગને અનુસરનારા જ્ઞાનાદિ, ઔદાર્ય, ગાંભીર્ય અને માધ્યથ્ય વગેરે ગુણોમાં સદાય અનુરાગ હોય છે. જિનવચનથી ભાવિત થયેલા જીવમાં ઈર્ષ્યા અત્યંત પાતળી થઈ ગઈ હોવાથી પરગુણોમાં અનુરાગ જ પ્રગટ થાય છે, ઈર્ષ્યા નહિ. કહ્યું છે કે-“જિનવચનરૂપ અંજનથી જેમનું માત્સર્યરૂપ તિમિર પાતળું (=અલ્પ) થઈ ગયું છે તેવા જીવોની બુદ્ધિ સૂક્ષ્મ પણ પરગુણોને ગ્રહણ કરવાના વ્યાપારમાં કેમ ન પ્રવર્તે? અર્થાત્ પ્રવર્તે.”
જિનવચનમાં રાગ- સમ્યગ્દષ્ટિને જિનવચનમાં જ રાગ હોય છે. કારણ કે કહ્યું છે કે-“યુવાન, ચતુર, પ્રિયપ્રિયાયુક્ત, અતિશય કામી પુરુષ જે રાગથી=રસથી દેવતાઈ સંગીત સાંભળે તેનાથી પણ અધિક રાગ સમ્યગ્દષ્ટિને ધર્મશ્રવણમાં હોય.”
ગુણરહિતમાં માધ્યશ્ય- સમ્યગ્દષ્ટિ જીવને ગુણરહિત જીવો વિષે ઉપેક્ષા જ હોય છે, તેમના દોષોનું ગ્રહણ ન હોય. કારણ કે કહ્યું છે કે-“જે જીવ ગુણરૂપ જીવનથી રહિત છે તે પરમાર્થથી પોતાની મેળે જ મરેલો છે. તે જીવ અહીં બુદ્ધિમાન સપુરુષોને કેવી રીતે નિંદનીય થાય? અર્થાત્ ન થાય.”