________________
તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [વિષ્ણુકુમાર ચરિત્ર-૨૩૯ થઈ. તેથી તે મેરુપર્વતના જેવું ઊંચું શરીર કરીને ગરુડપક્ષીની જેમ આકાશમાં જાય છે. નાના થાય છે, મોટા થાય છે. સુરેન્દ્રની જેમ અતિશય રૂપવાન થાય છે. આ તરફ તે સુવ્રતસૂરિ કોઇપણ રીતે હસ્તિનાપુર નગરમાં ચોમાસુ રહ્યા. નમુચિએ તેમને ક્યાંક જોયા. તેથી પૂર્વના વૈરને યાદ કરીને મહાપદ્મની પાસે પૂર્વના વરદાનની માગણી કરી. મહાપદ્મ વરદાન આપે છે. નમુચિએ કહ્યું: હું વેદવિધિથી યજ્ઞ કરીશ. તેથી હે દેવ! કેટલાક દિવસો સુધી મને રાજ્ય આપો. ચક્રવર્તીએ તે પ્રમાણે તેને રાજ્ય આપ્યું, અને સ્વયં અંતઃપુરમાં રહેલો સમય પસાર કરે છે. નમુચિ યજ્ઞના સ્થાનમાં કપટથી કેવળ બહારથી યજ્ઞની દીક્ષા લીધી. તેના વર્યાપનકમાં (=ઉત્સવમાં) જૈન સાધુઓને છોડીને પાખંડીઓ સહિત બીજી પ્રજા આવી. તેથી નમુચિએ સુવ્રતસૂરિને બોલાવીને તે જ દોષ(=ઉત્સવમાં ન આવ્યા એ દોષ) પ્રગટ કરીને કહ્યું: તમે છો, લોકવ્યવહારથી બાહ્ય છો, અભિમાની છો, તેથી મારા રાજ્યને છોડીને બીજા સ્થળે જલદી ચાલ્યા જાઓ. તેથી સૂરિએ કહ્યું: લોકમર્યાદા અનેક પ્રકારની છે. તેથી હે રાજન! ભાવોને યથાવસ્થિત જાણનારા, સાવદ્ય કાર્યોથી રહિત, સર્વલોકતૃપ્તિથી મુક્ત અને જેમના પાપો શાંત થયા છે (=ચાલ્યા ગયા છે) એવા સાધુઓને તે સાવદ્ય ચિંતાથી શું કામ હોય? તેથી અમે અહીં આવ્યા નહિ. પણ અમને તમારા ઉપર કોઈ પણ પ્રકારનો દ્વેષ નથી. તેથી ગુસ્સે થયેલા તેણે કહ્યું: રે! બહુ પ્રલાપ કરવાથી સર્યું. જો સાત દિવસ પછી કોઈ સાધુને હું જોઇશ તો અવશ્ય મારીશ. આ સાંભળીને સૂરિએ ઉદ્યાનમાં જઈને “શું કરવું? એમ સાધુઓને પૂછ્યું. ત્યાં એક સાધુએ કહ્યુંઃ હજારો વર્ષો સુધી જેમણે તપ કર્યો છે અને (એથી) જેમને વિવિધ લબ્ધિઓ ઉત્પન્ન થઈ છે તેવા વિષ્ણુકુમાર મુનિ મેરુપર્વત ઉપર રહેલા છે. (૫૦) તે મુનિ ચક્રવર્તીના બંધુ છે. હું માનું છું કે તેમના વચનથી નમુચિ ઉપશાંત થશે. સૂરિએ કહ્યું પણ તેમને અહીં કયા મુનિ લાવશે? એક સાધુએ કહ્યું: આકાશ દ્વારા જવાની મારી શક્તિ છે, પણ આવવાની શક્તિ નથી. સૂરિએ તે મુનિને કહ્યું: વિષ્ણુકુમાર તમને અહીં લઈ આવશે.
- આચાર્યશ્રીએ આમ કહ્યું એટલે તે મુનિ જલદી આકાશમાં ઉપડ્યા. તે મુનિને જોઇને વિષ્ણુકુમાર મુનિએ ક્ષણવાર વિચાર્યું શાસનનું કોઈ મોટું કામ હોવું જોઈએ, જેથી ચોમાસામાં પણ આ સાધુ અહીં આવે છે. મુનિએ પણ વિષ્ણુકુમાર મુનિને સઘળું કહ્યું તેથી વિષ્ણુકુમાર મુનિ તે મુનિને લઈને ક્ષણવારમાં ત્યાં આવ્યા. ગુરુને વંદન કર્યું. બીજા પણ મુનિઓનો આદર-સત્કાર કર્યો. પછી નમુચિની પાસે ત્યાં બેઠા. નમુચિ સિવાય રાજના સર્વ લોકોએ મુનિને વંદન કર્યું. મધુર વચનોથી ધર્મ કહીને નમુચિને કહ્યું: ચાતુર્માસ પૂર્ણ થાય ત્યાં સુધી સાધુઓ અહીં રહે. (નમુચિએ કહ્યું:) નિરર્થક વચનોથી આ પ્રમાણે પુનરુક્તિ કેમ કરો છો? કહેલા દિવસો પછી તમને કોઇને પણ અહીં જોઇશ તો તેવી રીતે કરીશ કે જેથી તેનું નામ પણ લોકમાં ખતમ થઈ જાય. મુનિ આ પ્રમાણે જેમ જેમ મધુર કહે છે તેમ તેમ તે વધારે ચડે છે. તેથી કુપિત થયેલા વિષ્ણુમુનિએ કહ્યું: રે દુષ્ટી જેવી રીતે શ્લેષ્મ તીખા