________________
૨૭૨-સમ્યક્દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નૃપવિક્રમરાજાની કથા આલોચના અને પ્રતિક્રમણ કરીને, શુદ્ધ પ્રાયશ્ચિત્ત આચરીને, લાંબા કાળ સુધી તપ કરીને, દેવલોકમાં ઉત્પન્ન થયા. જેટલું આયુષ્ય હતું તેટલું આયુષ્ય પાળીને નરકમાંથી નીકળેલો પદ્માક્ષ સ્વયંભૂરમણ સમુદ્રમાં માછલો થયો. ત્યાંથી મરીને તે જ પ્રમાણે અપ્રતિષ્ઠાનમાં (=સાતમી નરકમાં) ઉત્કૃષ્ટ આયુષ્યવાળો નારક થયો. ફરી માછલો થઇને છઠ્ઠી નરકમાં ઉત્પન્ન થયો. ત્યાંથી પણ નીકળીને ચંડાલ સ્ત્રી તરીકે ઉત્પન્ન થયો. ત્યાંથી ફરી છઠ્ઠી નરકમાં, ત્યાંથી સર્પજાતિમાં, ત્યાંથી પાંચમી નરકમાં, ત્યાંથી મત્સ્યની જાતિમાં, ત્યાંથી ફરીપણ પાંચમી નરકમાં, ત્યાંથી સિંહજાતિમાં, ત્યાંથી ચોથી નરકમાં, ત્યાંથી બાજ પક્ષીઓમાં, ત્યાંથી ત્રીજી નરકમાં, ત્યાંથી પક્ષીઓમાં, ત્યાંથી ફરી ત્રીજી નરકમાં, ત્યાંથી સાપોમાં, ત્યાંથી પહેલી નરકમાં, ત્યાંથી ફરી સર્પોમાં, ત્યાંથી ફરી પહેલી નરકમાં, ત્યાંથી પક્ષીઓમાં, ત્યાંથી એકેન્દ્રિય-વિકલેન્દ્રિયોમાં, ત્યાંથી હીન પંચેન્દ્રિય તિર્યંચ-મનુષ્ય-દેવોમાં, ત્યાંથી ફરી પણ તિર્યંચ-ના૨ક વગેરેમાં ઉત્પન્ન થયો. આ પ્રમાણે તે ક્યાંક બળ્યો. ક્યાંક છેદાયો, ક્યાંક ભેદાયો. બધાય સ્થળે શસ્ત્રથી હણાયો, મહાદાહથી વ્યાપ્ત થયો.
નૃપવિક્રમ રોગોથી મુક્ત થયો.
આ પ્રમાણે તેણે મરણો અનુભવ્યાં. આ પ્રમાણે અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સુધી અનંત જન્મ-મરણોથી તે હેરાન કરાયો. સંસાર સમુદ્રમાં પ્રવેશ કરીને સ્થાને સ્થાને ન કહી શકાય તેવાં અનંત દુઃખો અનુભવ્યાં. પછી આ ભવથી ગત અનંતર ભવમાં તે વસંતપુર નગરમાં સિંધુદત્ત નામના ગૃહસ્થના કુળમાં પુત્રપણે ઉત્પન્ન થઇને, મધ્યમવયમાં તાપસ વ્રત લઇને, ત્યાં અજ્ઞાન તપ કરીને, તે આ તારા પુત્રરૂપે ઉત્પન્ન થયો છે. અનાદિ મિથ્યાદૃષ્ટિ, ઋષિઘાતક અને જૈનશાસનના શત્રુ તેણે તીવ્રકર્મ ઉપાર્જન કરીને અનંતભવોમાં તે કર્મના ફલો અનુભવ્યાં. હમણાં આ વ્યાધિની વેદનાના પ્રકારમાત્રથી તે જ કર્મના કંઇક બાકી રહેલા ફલને અનુભવે છે. આ થોડા દિવસોમાં બાકી રહેલા તે કર્મને અનુભવીને આ રોગોથી મુક્ત થશે. આ પ્રમાણે સાંભળીને ભય અને સંવેગથી વ્યાપ્ત કરાતો કુમાર તે જ ક્ષણે રોગોથી કંઇક મુક્ત થયો અને દાહથી પણ મુક્ત થયો. તેણે મુનિને નમીને કહ્યું: હે સ્વામી! અજ્ઞાનતાથી મૂઢ હૃદયવાળા અને દુષ્ટ મેં જે આવું ઘોર પાપ કર્યું છે તે પાપનો નાશ કરવા માટે સમર્થ હોય તેવું કંઇક દેવ-ગુરુ-ધર્મ સંબંધી તત્ત્વ પ્રસન્ન થઇને, અજ્ઞાનતાથી અંધ એવા મને કહો. તેથી કેવલીએ 'સંક્ષેપમાં આ પ્રમાણે કહ્યું: જે સર્વજ્ઞ હોય તે દેવ છે. સમ્યક્ત્વથી યુક્ત ધર્મ બે પ્રકારનો છે. જીવાદિ તત્ત્વ છે. કુમારે સમ્યક્ત્વનો અને અણુવ્રત આદિ ધર્મનો સ્વીકાર કર્યો, મિથ્યાત્વનો ત્રિવિધે-ત્રિવિધે ત્યાગ કર્યો. રાજા પણ ભદ્રકભાવને પામ્યો. પછી હર્ષ પામેલા રાજાએ ભક્તિથી તે મુનિવરને નમીને કુમારની સાથે નગરમાં પ્રવેશ કર્યો. કેવલીએ પણ બીજા સ્થળે વિહાર કર્યો.
૧. કેસવિત્થરો પદનો ભાવાર્થ ‘સંક્ષેપમાં' કે ‘સંક્ષેપથી' એવો થાય.