________________
૨૭૪-સમ્યકત્વકાર]
ઉપદેશમલા (પુષ્પમાલા) [નૃપવિક્રમરાજાની કથા પ્રાપ્ત થયેલા જિનધર્મને કોણ મલિન કરે? તેથી ક્રોધથી યુક્ત યક્ષે તે કુમારને ઊંચકીને નજીકના પર્વતની શિલા ઉપર પછાડ્યો. તેથી મૂછના કારણે કુમારની આંખો ઘૂમવા લાગી. વેદનાથી પરાભવ પામેલો તે ત્યાં ક્ષણવાર કાષ્ઠની જેમ ચેષ્ટારહિત રહ્યો. કોઈપણ રીતે ચેતના પ્રાપ્ત થઈ ત્યારે યક્ષે ફરી પણ કહ્યું: જો જીવહિંસાના ભયવાળો તું મને પાડાઓ નથી આપતો તો ન આપ. તો પણ નિત્ય મને માત્ર પ્રણામ કર. જો તું મને નિત્ય પ્રણામ કરે તો હજી પણ પરિવારથી યુક્ત તને સુખી કરું. વિનયથી આરાધાયેલો હું જ મનુષ્યોને રાજ્ય આપું છું, નિર્મલ લક્ષ્મી, આરોગ્ય અને સુખોને લાવું છું. તેથી મને છોડીને ત્રણ ભુવનમાં પણ બીજો કયો દેવ છે કે જેના માટે ભૂલો પડેલો તું આ પ્રમાણે આત્માને વિડંબે છે. પછી કુમારે કહ્યું: દયાળું હું તને પાડા ન આપું. તે જીવદયાનો મને જે દેવે ઉપદેશ આપ્યો છે તે દેવને વંદન કરું છું, નમસ્કાર કરું છું, અને હું તેનો જ કિંકર છું. વળી–તું પોતે જ વધ માટે જીવોને ઇચ્છે છે, તેથી તેને હું પ્રણામ પણ કેવી રીતે કરું? કારણ કે અન્ય લોકમાં પણ દયાળુ મુનિઓ પૂજ્ય છે, મત્સ્યનો વધ કરનારા વગેરે પૂજાતા નથી. વળી બીજું- હે મહાનુભાવ! તું મને સુખી કેવી રીતે કરે? કારણ કે રાગ-દ્વેષને આધીન બનેલો તે પોતે જ દુઃખી છે. તને નિર્ગુણ પણ પોતાના ઉપર અને પ્રેમીજનો ઉપર રાગ છે, અમારા જેવા ઉપર અને ચંદ્રકિરણો જેવા નિર્મલ જિનધર્મ ઉપર દ્વેષ છે. રાગ-દ્વેષની પરાધીનતા સઘળા પ્રાણીઓના સર્વ દુઃખોનું કારણ છે એમ તું જાણ. ભવદુઃખનું કારણ એવા રાજ્ય વગેરેની મારે જરૂર નથી. રાજ્ય વગેરે તું આપતો નથી, કિંતુ અન્ય ભવમાં કરેલું સુકૃત આપે છે. અને તે સુકૃત જિનશાસનમાં અનુરાગવાળાઓને સારી રીતે થાય છે. મારું મન મોક્ષસુખમાં રહેલું છે. તેને સંસારનાં દુઃખોથી જાતે જ પીડિત તું કેવી રીતે આપે? ભવદુઃખોથી મુક્ત જિનને છોડીને બીજો કોઈ મોક્ષસુખ ન આપે. તેથી જિનને નમ્યા પછી ત્રિભુવનમાં પણ બીજો કોણ નમન કરાય? ક્ષીરસમુદ્રનું પાણી પીધા પછી ખારા પાણીને કોઇ ન ઇચ્છ. મોટા અંતરમાં ભૂલો પડેલો તે પોતાની અસ્થાને પ્રશંસા કરે છે. આંબાઓની ઇચ્છા આંબલીઓથી દૂર થતી નથી. કંઇક વિકસતા માલતી પુષ્પોની કળીઓના રસથી સંતુષ્ટ થયેલો તે ભ્રમર પણ કેળનાં પુષ્પોથી ક્યાં ધરાય–તૃપ્ત થાય? રમતથી હાથિણીની સૂંઢથી ગ્રહણ કરાયેલા રસાળ સલકીવૃક્ષનાં પાંદડાઓના અગ્રભાગથી લાલન કરાયેલું હાથીનું બચ્ચું અતિશય નિરસ અને કર્કશ ઘાસથી કેવી રીતે પ્રસન્ન થાય? જો તું જ દેવ છે અને જો તારામાં દેવના સઘળા ય ગુણો છે તો તું મને બળાત્કાર પ્રણામ કેમ કરાવે છે? મહાપુરુષો પોતાના ગુણોને જાતે જ પ્રકાશિત કરતા નથી. નદીઓ યોગ્ય બનેલા સમુદ્ર તરફ પોતાની મેળે જ વહે છે. બીજાઓથી બહુમાન ન કરાય તો ગુણોથી મોટાઓની શી હાનિ થાય? સૂર્ય ઘુવડને સંમત નથી તો સૂર્યની શી હાનિ થાય છે? આ પ્રમાણે મહાન અને નિપુણ વચનોથી કુમારે યક્ષને નિરુત્તર કર્યો. (૫૦)