________________
૧૮૦-ઉપખંભદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[ધનસારની કથા
વિશેષાર્થ– ગાથાનો અક્ષરાર્થ પ્રગટ જ છે. ભાવાર્થ તો કથાનકથી જાણવો. તે કથાનક આ છે–
કૃપણ ધનસારની કથા
ભરતક્ષેત્રમાં મથુરા નામની નગરી છે. તેની ચારે બાજુ મેરુપર્વતની મેખલાની જેમ ઇન્દ્રે અલગ અલગ રચના કરી. ત્યાં ધનસાર નામનો શેઠ છે. તેનું ૨૨ ક્રોડ ધન સદા ભૂમિમાં દાટેલું રહે છે. ૨૨ ક્રોડ ધન પ્રગટ રહે છે, તેનાથી તે નગરમાં વ્યવહાર (=વેપાર) કરે છે. ૨૨ ક્રોડ ધન અન્યદેશમાં રહેલું છે. આ પ્રમાણે તે ૬૬ ક્રોડ ધનનો માલિક છે. તો પણ તલના ફોતરા જેટલું પણ તેનું ધન ધર્મમાં વપરાતું નથી. ભીખ માગનારો તેના ઘરના બારણામાં પણ જોવામાં આવે તો તે અગ્નિની જેમ બળે છે. જો તેની પાસે કોઇ ધન માગે તો તેને સાત દરવાજાથી તાવ આવે. બીજાને પણ ધનનો ધર્મમાં ઉપયોગ કરતો જોઇને તેના હૃદયમાં દાહ અને શરીરમાં ધ્રુજારી થવા માંડે છે. યાચક લોકને જોઇને પણ વિચારે છે કે શું હમણાં પલાયન થઇ જાઉં? અથવા મારી પાસે નથી એમ કહું? અથવા આને પણ મારું? જાણે કે કોઇએ તેને અતિસંકટમાં નાખ્યો હોય, અથવા મૂર્છિત થઇ ગયો હોય તેમ સહસા દાંતરૂપી ગાડાને બાંધીને કાષ્ઠની જેમ નિશ્ચેષ્ટ રહે છે. વધારે કહેવાથી શું? ઘરમાંથી તેના નીકળી ગયા બાદ નોકરોને પણ મૂલ્ય વગેરે અપાય છે, અને ઘરના માણસો ભોજન ઘરમાંથી તેના ગયા પછી કરે છે. નગરીમાં પણ કૃપણશબ્દ બધા સ્થળે કોઇપણ રીતે તે રીતે ફેલાયો કે જેથી ભૂખ્યો થયેલો લોક પણ પ્રાયઃ તેનું નામ પણ લેતો નથી. આ પ્રમાણે શેષ પુરુષાર્થોને છોડીને કેવલ અર્થ પુરુષાર્થમાં ઉપયોગવાળા તેના ઘણા દિવસો ત્યાં પસાર થયા.
ધનસારના સઘળા ધનનો નાશ
હવે એકવાર પોતાના હાથે દાટેલા નિધાનને ખોદે છે તો ત્યાં સહસા કેવળ અંગારાઓને જુએ છે. તેથી ભય પામેલો તે ત્યાં બીજા બીજા નિધાનને જુએ છે તો કોઇપણ રીતે અંગારા, સર્પ, વીંછી અને મકોડા વગેરે જુએ છે. આથી તેના હૃદયમાં ધ્રાસકો પડ્યો. તેટલામાં સહસા કોઇએ કહ્યું કે સમુદ્રમાં તારા વહાણો ડૂબી ગયા છે. વળી બીજાએ કહ્યું કે સ્થળમાર્ગે ગયેલા તારાં કરિયાણાં ચોરોએ લઇ લીધા છે અને વણિકપુત્રો ખાઇ ગયા છે. આ પ્રમાણે જલસંબધી અને સ્થળસંબંધી દ્રવ્ય જરા પણ તેના હાથમાં ન આવ્યું. પાસે રહેલું પણ દ્રવ્ય તૂટ્યું, અર્થાત્ વેપારમાં ખોટ ગઇ અને કેટલુંક ધન લોકો ખાઇ ગયા. તેથી તે કરુણ ધ્યાન કરે છે, સર્વ દિશાઓને શૂન્ય જુએ છે. કૃત્ય-અકૃત્યમાં મૂઢ બનેલો તે નગરીમાં ભમે છે. હવે એક દિવસ તેણે વિચાર્યું: હજી પણ હું પ્રાણ વગરનો થયો નથી. અને ઘરમાં હજી
૧. નંફ પ્રયોગ ના(જ્ઞા) ધાતુનો કર્મણિપ્રયોગ છે. “જણાય છે'' એવો શબ્દાર્થ થાય.