________________
શીલધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા) [ચાર સુંદરીઓની કથા-૧૮૯ અતિશય વિરુદ્ધ સંભળાય છે. પછી રાજાએ કહ્યું છે વિસ્તીર્ણચક્ષુ! હું આ જાણું છું. પણ તારા રૂપે વિવેકને હરી લીધો છે. તેથી મારું મન વિવેક શૂન્ય છે. પછી ફરી પણ તેને ધર્મદેશના કરે છે. પણ રાજા પ્રતિબોધ ન પામ્યો. તે પણ નિયમ કહીને કાલવિલંબ કરે છે. નિયમના દિવસો પૂર્ણ થઈ ગયા ત્યારે પણ પ્રાર્થના કરતો રાજા અટકતો નથી. તેથી વિશેષ વિજ્ઞાનથી તેણે મીણની એક શ્રેષ્ઠ પૂતળી બનાવી. એ પૂતળી અંદરથી પોલી અને અશુચિથી ભરેલી હતી. તથા પોતાના રૂપથી બધી રીતે સંપૂર્ણપણે તુલ્ય હતી. પછી એક દિવસ રાજાના આગમન સમયે પૂતળીને અલંકૃત કરીને બહાર રાખી, અને પોતે અંદર રહી. આવેલા રાજાએ તેને બોલાવી, પણ તેણે જવાબ ન આપ્યો. તેથી તેને બોલાવવા માટે રાજાએ તેનું મુખકમલ ઉઘાડ્યું. તે મુખકમલ પહેલેથી જ અસ્થિર રાખેલું હતું. તેથી ઉઘાડતાંની સાથે ભૂમિ ઉપર પડી ગયું. પૂતળીમાંથી અશુચિની દુર્ગધ પ્રગટી. તેથી વિસ્મય પામેલો રાજા જેટલામાં નાકને ઢાંકીને રહે છે તેટલામાં બુદ્ધિસુંદરીએ પ્રગટ થઈને કહ્યું: જેમ આ બહારથી મનોહર છે, અને અંદરથી અશુચિથી પરિપૂર્ણ છે, તેમ હું પણ તેવી છું. હે રાજન! તારો મારા ઉપર અનુરાગ શો છે? વળી– બીજ, સ્થાન અને ઉપખંભને વિચારીને કોણ નિર્વેદનું કારણ પણ શરીરમાં અનુરાગ બાંધે= કરે? જેમાં અશુચિ રસ-માંસથી દૂષિત હાડકાં કેવળ ચામડાથી વીંટળાયેલા છે તે શરીરમાં કોણ આસક્તિ કરે? ધજા જેવા ચંચલ હૃદયવાળી, અગિયાર છિદ્રોથી અશુચિની નદી, દુર્ગધી સ્તનરૂપ શિલાવાળી સ્ત્રીઓમાં શું સાર છે? ઈત્યાદિ કહેવા છતાં રાજા પ્રતિબોધ ન પામ્યો એટલે પૂતળીને ટુકડે ટુકડા કરીને વિખેરી નાખી. હે રાજન! અંદર પ્રગટેલા અશુચિરસવાળી આને અંદર જેવી જુએ છે તેવી જ મને પણ જાણ. ઇત્યાદિ કહેવાયેલો રાજા કોઈપણ રીતે પ્રતિબોધ ન પામ્યો. તેથી તેણે શરીરને સહસા ગવાક્ષમાંથી નીચે પડતું મૂક્યું. ભૂમિમાં પડેલી તે અતિશય મૂછિત બની. તેથી રાજા લજ્જા પામ્યો. ગભરાયો, અને દોડીને ત્યાં આવ્યો. ઉપચાર કરવાથી તેણે ચેતનાને પ્રાપ્ત કરી. પછી રાજાએ તેને કહ્યું: હે સુંદરી! મેં તને મૂકી છે. આજથી તું મારી બહેન છો. પછી તેણે તેને ધર્મ અને પરસ્ત્રીનો નિયમ આપ્યો. લોકમાં તેણે યશને પ્રાપ્ત કર્યો, જિનેશ્વરનું તીર્થ પ્રભાવિત કર્યું. સમય જતાં તેણે પણ જિને કહેલી દીક્ષા લીધી.
૧. બીજ– શરીર માતાનું લોહી અને પિતાનું શુક્ર એ બેના સંયોગથી ઉત્પન્ન થાય છે. એ બંને પદાર્થો
અશુચિમય છે. શરીરનું બીજ(=ઉત્પત્તિનું કારણ) અશુચિ હોવાથી શરીર અશુચિ છે. ૨. સ્થાન- શરીર માતાના ઉદરમાં ઉત્પન્ન થાય છે. માતાનું ઉદર અત્યંત અશુચિ પદાર્થોથી ભરેલું છે. આથી
શરીરનું ઉત્પત્તિસ્થાન અશુચિ છે. ૩. ઉપખંભ ઉપખંભ એટલે ટકાવનાર. શરીર રસ, લોહી, માંસ, મેદ, હાડકાં, મજ્જા અને વીર્ય એ સાત
ધાતુઓથી ટકે છે. માટે સાતધાતુઓ ઉપખંભ છે. આ અશુચિ હોવાથી શરીર અશુચિ છે. ૪. બે આંખ, નાકના બે નસકોરા, બે કાન, બે સ્તન, મુખ, મલદ્વાર અને મૂત્રદ્વાર એ અગિયાર છિદ્રોમાંથી અશુચિ નીકળે છે.