________________
૨૨૮-તપધર્મ]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[નંદિષણની કથા
યોગ્ય છે. દંભથી કરેલો તપ પ્રશંસા કરવા યોગ્ય નથી. સામાન્ય માણસનું ચિત્ત તો માત્ર દંભથી પણ તપ કરવામાં આવે તો આકર્ષાય છે. પણ દેવો તો બીજાના ચિત્તને વિશિષ્ટ જ્ઞાનથી જાણતા હોવાથી જે તપ ચિત્તશુદ્ધિથી જ કરાતું હોય તે જ તપ દેવોનું મનોરંજન કરવા માટે સમર્થ છે, બીજી રીતે નહિ. આથી તપ ચિત્તશુદ્ધિથી યુક્ત હોવું જોઇએ એ જણાવવા માટે આ ગાથામાં “દેવોથી પણ પ્રશંસા કરાય છે” એવું વિશેષણ મૂકવામાં આવ્યું છે. [૭૭]
તપના પ્રભાવની પુષ્ટિ માટે જ દૃષ્ટાંતને કહે છે–
जं नंदिसेणमुणिणा, भवंतरे अमरसुंदरीणंपि । अइलोभणिज्ज रूवं, संपत्तं तं तवस्स फलं ॥ ७८ ॥
નંદિષણ મુનિને ભવાંતરમાં દેવીઓને પણ અતિશય મોહ ઉત્પન્ન કરે તેવું રૂપ જે પ્રાપ્ત થયું તે તપનું ફલ છે.
વિશેષાર્થ— ગાથાનો અક્ષરાર્થ સુગમ છે. ભાવાર્થ તો કથાનકથી કહેવાય છે. નંદિષણની કથા
મગધદેશમાં શાલિગ્રામ નામનું ગામ હતું. ત્યાં લોક ઘણા ધણથી યુક્ત હોવા છતાં નિર્ધનતાથી આલિંગન કરાયો હતો, અર્થાત્ અલ્પ ધનવાળો હતો. તે ગામમાં ગૌતમ ગોત્રમાં ઉત્પન્ન થયેલો અને વેદનો જ્ઞાતા એક બ્રાહ્મણ હતો. તેના ચિત્તમાં નિર્મલ શાસ્ત્રવાદ હોવા છતાં તેનું ચિત્ત શુચિવાદમાં તલ્લીન હતું. તેની પત્નીના ગર્ભમાં પુત્ર રહ્યો ત્યારથી છઠ્ઠા મહિને પિતા પરલોકને પામ્યાં અને પુત્રનો જન્મ થતાં માતા મૃત્યુ પામી. તેના અપલક્ષણથી ઘરમાં બધો વૈભવ પણ નાશ પામ્યો. દુઃખપૂર્વક જીવીને હવે તે આઠ વર્ષનો થયો. તે રૂપથી અત્યંત કુરૂપ હતો, ઠીંગણો હતો. તેનું પેટ લાંબુ(=મોટું) હતું, ઢીંચણ (=ઘુંટણ) મોટા હતા, મસ્તક ચતુષ્કોણ હતું, શરીર શ્યામ હતું, કેશ કાળા-પીળા હતા. તે ખૂંધો હતો. તેના શરીરનો સ્પર્શ કઠિન હતો. તેના મુખમાંથી લાળ પડતી હતી, મુખ દુર્ગંધી હતું. તે બધાને અપ્રિય હતો. તેનું શરીર દુર્ગંધી હતું. તે મૂર્ખ હતો. ધર્મથી રહિત હતો. તેના કાનમાંથી ઘણી રસી ગળતી હતી, તેના હાથ, પગ અને આંખો એ બધા વિષમ હતા, તેના દાંત લાંબા અને બહાર નીકળેલા હતા. તેની હડપચી (=જડબુ) મોટી હતી. તેનું શરીર રૂક્ષ (=લુખ્ખું) હતું. તેની જીભ લાંબી અને લટકતી હતી. તેની વાણી સ્ખલના પામતી હતી. તેનું નાક ચીંબુ હતું.
૧. અહીં ધણ એટલે ગાયોનું ટોળું. અહીં તાત્પર્ય એ છે કે લોકની પાસે ગાય વગેરે પશુરૂપ ધન ઘણું હતું, પણ પૈસારૂપ ધન અલ્પ હતું.