________________
૮૬- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર
હરણ કરવામાં મૂઢ એવા તારું બાલપણું પ્રગટ જ છે. (૧૫૦) સ્વદુષ્ચરિત્રથી અધમ પણ તને હું પ્રહાર શું કરું? આથી જો હજી પણ તું ગર્વને ધારણ કરે છે તો પહેલા પ્રહાર કર. કુપિત થયેલા વિદ્યાધરે કુમારની ઉપર બાણનો સમૂહ છોડ્યો. કુમારે બાણોથી તાડન કરીને તે બાણસમૂહના સેંકડો ટુકડા કર્યા. પછી વિદ્યાધરે અગ્નિશસ્ત્ર મૂક્યું. કુમારે વિદ્યાદેવીએ આપેલા જલશસ્ત્રથી પ્રજ્વલિત અગ્નિશસ્ત્રને પણ બુઝવી નાખ્યું. પછી વિદ્યાધરે મૂકેલા વિષધરશસ્ત્રને કુમા૨ે ગારુડશસ્ત્રથી હણી નાખ્યું. વિદ્યાધરે મૂકેલા મેઘશસ્ત્રનું પણ કુમારે પ્રબળ વાયુશસ્ત્રથી નિવારણ કર્યું. તેથી બંધુમતી વિચારે છે કે આ કોઇક અચિંત્યપ્રભાવથી યુક્ત છે. આ મહાત્માને મેં પણ પિતાના ઘરમાં પૂર્વે જોયો નથી. તેથી ચોક્કસ આ મારી દયા કરનાર કોઇ દેવ હોવો જોઇએ, અથવા આ કોઇ મનુષ્ય પણ હોય. તેથી દેવલોકથી શું? બંધુમતી જેટલામાં આ પ્રમાણે વિચારે છે તેટલામાં વિદ્યાધરે જ્વાળાઓને છોડતો લોખંડનો ગોળો કુમાર ઉપર ફેંક્યો. તેથી બંધુમતીએ વિચાર્યુંઃ અહો! પુણ્યહીન એવી મારા કાર્ય માટે આ કોઇક સત્પુરુષ પણ મહા આપત્તિને પામ્યો. બંધુમતી આ પ્રમાણે જેટલામાં વિચારે છે તેટલામાં કુમારે વિદ્યાનું સ્મરણ કરીને પ્રતિગોળાથી ક્ષણવારમાં ગોળાનું ચૂર્ણ કરી નાખ્યું. કુમારનું આ અનુપમ સુભટપણું જોઇને બંધુમતી વિસ્મય પામી. બંધુમતી મદનથી(=કામવાસનાથી) વિંધાણી અને વિદ્યાધર કુમાર વડે બાણોથી વિંધાયો. પછી બાણોથી વક્ષસ્થળમાં ગાઢ પ્રહાર કરાયેલો, મૂર્છાને આધીન બનેલા શ૨ી૨વાળો, જેના નયનરૂપ કમળ બિડાઇ રહ્યા છે એવો, જેના સાંધાના બંધનો શિથિલ થઇ રહ્યા છે એવો તે મણિકિરીટ પૃથ્વી ઉપર પડ્યો. તેથી કુમાર તેની નજીકમાં આવ્યો. કુમારને તેના ઉપર કરુણા ઉત્પન્ન થઈ. તેથી તેણે વિદ્યાધરના શલ્યોને ખેંચી કાઢ્યા. તેના ઉ૫૨ પાણી સિંચ્યું. કેળના પાંદડાં આદિના પવનથી તેને ઠંડક કરી. પછી તેને ચેતના આવી એટલે કહ્યું: હે મહાયશ! ઊભો થા. ધનુષ્યને ગ્રહણ કર. યુદ્ધ માટે તૈયાર થા. કાયરપુરુષો જ આવા (=સ્ત્રીનું અપહરણ કરનારા) હોય છે, ઉત્તમ પુરુષો નહિ.
પુરંદરકુમારનું બંધુમતી વગેરેની સાથે નંદિપુર નગરમાં આગમન.
પછી નિર્મલગુણોથી અનુરાગી બનેલા વિદ્યાધરે કુમારના પગોમાં પડીને અને અંજલિ જોડીને કહેવાનું શરૂ કર્યું. હે મહાનુભાવ! તારું સાહસ અસાધારણ છે, ગંભીરતા અનુત્તર છે, મહાનતા અનુપમ છે, રૂપ વગેરે સંપત્તિ અપૂર્વ છે, વચનવિજ્ઞાન (બોલવાનું વિશિષ્ટ જ્ઞાન) કોઇ અતિશય અદ્ભુત છે, કરુણારસ અસાધારણ છે. બહુ કહેવાથી શું? તારા ચંદ્ર જેવા નિર્મલ ગુણોરૂપ દોરડાથી હું બંધાયેલો છું અને તારી આજ્ઞાને જ કરનારો છું. તેથી જે યોગ્ય હોય તે કર. તેથી બંધુમતીએ વિચાર્યું: આ જીવલોકમાં તે પુરુષો પણ જીવે છે, કે જેઓ દર્પથી નિરંકુશ બનેલા વૈરીસમૂહથી શું સ્તુતિ કરાતા નથી? લાવણ્ય અને રૂપથી સુંદર