________________
૯૬- જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[પુરંદરચરિત્ર ચિત્તવાળા પોતાની માતા વગેરે સ્વજનોને મળ્યો. પછી કુમારે દેશદર્શનની ઇચ્છાથી હું આટલું ભમ્યો એ વાત માતા-પિતાને કહી અને ત્યાં જે અનુભવ્યું તે પણ કહ્યું. હવે કુમારના પુણ્યના કારણે હર્ષથી અને સંપદાથી કાશીદેશ અધિક વધવા લાગ્યો. આ પ્રમાણે ઘણો કાળ પસાર થયો.
| વિજયસેન રાજાનું કેવલી ભગવંત પાસે ગમન હવે એકવાર જેવી રીતે દુષ્ટ માણસ દુર્વચનના સમૂહથી પીડા આપે તેવી રીતે અતિશય બરફના કરાની વર્ષોથી સંપૂર્ણ વિશ્વને પીડા કરતી હેમંતઋતુનો પ્રારંભ થયો. ઠંડીથી દુઃખી થયેલા પણ જગતમાં કુંદપુષ્પોની શોભાને જોઇને જણાય છે કે દુષ્ટ પણ માણસો શુદ્ધ માણસોની આગળ ફરકતા નથી=આવતા નથી. વસંતઋતુમાં અતિશય કેસર, તલ, સૂંઠ અને અગ્નિ વગેરે પદાર્થો ગૌરવને પામ્યા. કારણ કે ઠંડા પદાર્થોનો વિરોધી પદાર્થ ગૌરવવાળો બને જ છે. તે ઋતુમાં માળા, જલ, ચંદ્ર, ચંદન વગેરે) શીતલ વસ્તુઓ અનિષ્ટ બની. શોભાને પામેલો જડ આત્મા પહેલાં પોતાના પક્ષને જ હણે છે. તેમાં દિવસો દુર્જનની સોબતની જેમ હાનિને પામ્યા નાના થયા. રાત્રિઓ સજ્જનની મૈત્રીની જેમ વૃદ્ધિને પામી=મોટી થઈ. તેમાં દરરોજ સૂર્યનું પણ તેજ ઘટે છે. અથવા દક્ષિણ દિશામાં દોડતો તે નિસ્તેજ થાય જ છે. તેમાં ઠંડીના સ્પર્શથી ભય પામનારા મુસાફરોનો સમૂહ પુષ્ટ સ્તનવાળી
અને પ્રિય એવી પત્નીને યાદ કરીને દૂરથી પણ પાછો ફરે છે. તે ઋતુમાં જાણે કે હિમાલય પર્વતની શિલાઓ હોય એવો ભ્રમ જેમાં કરાયો છે તેવા હિમના પિંડરૂપ થયેલા (થીજી ગયેલાં) સરોવરોમાં સિદ્ધ (યોગી) પુરુષોનું મન ક્ષણવાર સ્નેહ કરે છે, અર્થાત્ સરોવરો ઠંડીના કારણે થીજી જવાથી જાણે કે હિમાલય પર્વતની શિલાઓ છે એવો ભાસ થાય છે અને એથી એને જોઈને સિદ્ધ પુરુષને ક્ષણવાર આનંદ થાય છે. તે ઋતુમાં મધ્યરાત્રિએ દરિદ્ર માણસોની દાંતરૂપ વીણાના ધ્વનિથી જગાડાયેલા ધનવાનો પણ ફરી કષ્ટથી નિદ્રાને પામે છે. મહિના સુધી યોગ્ય આધારવાળી હેમંતઋતુએ વનોમાં મહાન શિકારીની જેમ લાખો સ્થલચર અને ખેચર જંતુઓના જીવનનું પણ અપહરણ કર્યું. આ પ્રમાણે ઠંડા પવનના કારણે સઘળા લોકો જેમાં કંપી રહ્યા છે તેવી હેમંતઋતુમાં ઉદ્યાનપાલકે જઈને
૧. અહીં ગ્રંથકારે કલ્પના કરી છે કે- હેમંતઋતુ દુઃખી કરતી હોવાથી ખલ(લુચ્ચી) છે. આમ છતાં કુંદ પુખ
ઉપર તેની અસર થતી નથી. કારણકે કુંદપુષ્પ અત્યંતશુદ્ધ=શ્વેત હોવાથી હેમંતઋતુમાં વિકાસ પામે છે. હેમંતઋતુની કંદપુષ્પ ઉપર અસર થતી નથી=એના વિકાસને રોકતી નથી તેથી જણાય છે કે ખલ
માણસોની શુદ્ધ માણસો ઉપર અસર થતી નથી. ૨. અહીં જડશબ્દના બે અર્થ છે. એકપક્ષમાં જડ એટલે ઠંડી. બીજા પક્ષમાં જડ એટલે મૂર્ખ.