________________
૭૨- જ્ઞાનદાન દ્વાર]
ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શુદ્ધપ્રરૂપણાનો મહિમા
હા, જ્યાં આહાર દુર્લભ હોય એવા ક્ષેત્રમાં અને કાળમાં કે બિમારી આદિ અવસ્થામાં શ્રાવકોને અપવાદમાર્ગ (=દોષિત પણ વહોરાવવાથી અને લેવાથી વહોરાવનાર અને લેનાર એ બંનેને લાભ થાય એમ) પણ કહે.
બીજાઓએ પણ કહ્યું છે કે –“પ્રસંગને જાણ્યા વિના અને પરચિત્તને ઓળખ્યા વિના જે કહ્યું હોય તેનાથી પણ અધિક બીજું પાપ લોકમાં શું હોય?’’
પ્રશ્ન- ગીતાર્થ વગેરે દેશ આદિને જાણવાની શક્તિવાળા હોય છે. તેથી દેશ-કાલભાવના જ્ઞાતા એમ જુદું કહેવાની શી જરૂર છે?
ઉત્તર- આ આ પ્રમાણે નથી. ગીતાર્થ શાસ્ત્રમાં નિશ્ચિત થયેલા દેશાદિના સ્વરૂપને જાણે જ છે. કેવળ કોઇક તેવા પ્રકારની હોંશિયારી અને સ્મરણની પટુતા ન હોવાથી વ્યવહાર કરતી વખતે તેના (દેશાદિના) ઔચિત્યથી ન વર્તે. કર્મક્ષયોપશમની વિચિત્રતાથી તેવા પ્રકારની હોંશિયારીથી રહિત કેટલાક ગીતાર્થો પણ પરના અભિપ્રાયને ઉચિત ન હોય તેવું બોલવા વગેરેમાં પ્રવર્તેલા દેખાય છે. આથી જ આચાર્યના છત્રીસગુણોમાં સૂત્ર-અર્થ-તદુભયના જ્ઞાનથી દેશ-કાલ-ભાવનું જ્ઞાન વગેરે ગુણો જુદા જ કહ્યા છે. તેથી અહીં માત્ર દેશાદિનું જ્ઞાન લેવાતું નથી, કિંતુ વ્યવહારકાળે દેશાદિને ઉચિત પ્રવૃત્તિથી વિશિષ્ટ દેશાદિનું જ્ઞાન લેવાય છે. આવું અહીં તાત્પર્ય છે.
શુદ્ધપ્રરૂપક- શુદ્ધપ્રરૂપક એટલે જિનવચન જેવું છે તેવું જ કહેનાર.
પ્રશ્ન– યથોક્ત ગુણોથી વિશિષ્ટ સાધુ શુદ્ધપ્રરૂપક જ હોય. આથી અહીં શુદ્ધપ્રરૂપક એવું કહેવાની જરૂર નથી.
ઉત્તર– તમારો પ્રશ્ન બરોબર છે. પણ, બધાગુણોમાં ‘શુદ્ધપ્રરૂપણા’ ગુણ પ્રધાન છે. આથી જ્ઞાનદાતામાં કોઇક રીતે બીજા ગુણો ન હોય તો પણ શુદ્ધપ્રરૂપણા ગુણ અવશ્ય હોવો જોઇએ એ જણાવવા માટે અહીં તેનું અલગ ગ્રહણ કર્યું છે.
અહીં બધે ય સાધુપણાની અનુવૃત્તિ હોવાથી બધેય ‘સાધુ'ના ગ્રહણથી આચાર્ય આદિનું પણ ગ્રહણ કરાય છે. અર્થાત્ સંવિગ્ન વગેરે વિશેષણોનો સંબંધ ‘સાધુ’એ વિશેષ્યની સાથે છે. તથા સાધુના ઉપલક્ષણથી આચાર્ય વગેરે પણ આવા વિશેષણોથી વિશિષ્ટ હોવા જોઇએ એમ સમજી લેવું. [૨૦]
શુદ્ધપ્રરૂપણાના જ માહાત્મ્યની પ્રસિદ્ધિ કરવા માટે કહે છે–
ओसन्नोऽवि विहारे, कम्मं सोहेइ सुलभबोही य । चरणकरणं विसुद्धं, उववूहंतो परूवंतो ॥ २१॥