________________
અભયદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[શાંતિનાથચરિત્ર-૩૩ ભયથી વિહ્વલ બનેલો અશનિઘોષ આ પ્રમાણે વિચારવા લાગ્યો ચોક્કસ શ્રીવિજય અને અમિતતેજ નગરીની બહાર આવેલા છે. તે બેમાં એકલો જ શ્રીવિજય જીતવો અશક્ય છે. તો પછી અમિતતેજથી પરિવરેલો તે જીતવો અશક્ય હોય તેમાં તો શું કહેવું? તે (સંપૂર્ણ)જગતને જીતી લે તેવો છે. તેથી હમણાં મારું શરણ કોણ? અથવા સ્નેહથી અંધ બનેલા, અવિચારિત કાર્ય કરવામાં તત્પર અને પોતાના દુષ્કૃત્યોથી વિનાશ પામેલ સત્ત્વવાળા જીવોનું રક્ષણ શું થાય? જેમણે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું છે તેવા ગુણાધાર અચલમુનિ પૃથ્વી ઉપર વિચરી રહ્યા હતા. તેથી તેણે નાશીને તેમનું જ શરણ સ્વીકાર્યું. તેની પાછળ દોડતા તે બન્ને ત્યાં જ આવ્યા. દેવો અને મનુષ્યોની સભામાં રહેલા અને દેવોએ રચેલા સુવર્ણકમલ ઉપર બેઠેલા તે મુનીંદ્રને જોઈને તે બેનો વૈરભાવ શાંત થઈ ગયો અને હર્ષ ઉછળવા લાગ્યો. તેથી તે બન્ને મુનીન્દ્રની સ્તુતિ કરવા લાગ્યા.
કેવળી ભગવંતની સ્તુતિ મનરૂપ જંગલમાં પ્રજવલિત બનેલા કોપરૂપ દાવાનળને જેમણે સમતારૂપ પાણીના પૂરથી પ્રશાંત કર્યો છે તેવા, માનરૂપ સુભટના માનનું ખંડન કરનારા, વિશ્વને શોભાવનારા હે મુનીંદ્રા આપને નમસ્કાર થાઓ. જેમણે દુરંત માયા રૂપ નાગણીના વિષના ફેલાવાને સરળતારૂપ મંત્રથી અટકાવી દીધો છે તેવા, લોભરૂપ અંધકારનો નાશ કરનાર સૂર્ય, ગુણોના સાગર હે મુનીંદ્ર ! આપને નમસ્કાર થાઓ. કામરૂપી બાણને ખંડિત કરી નાખનારા, જરામરણનો વિનાશ કરનારા, શુભ કાર્ય કરનારાઓ જેમને નમેલા છે તેવા, મોહરૂપ મહાભયને રોકનારા, ભવતારક હે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ ! વિશ્વમાં રહેલા પદાર્થોના પરમાર્થને જેમણે કેવળજ્ઞાનના કિરણોથી પ્રકાશિત કર્યા છે તેવા, કુમતરૂપ હાથી માટે ગંધહસ્તિ સમાન, સુખનું કારણ છે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ. સંપૂર્ણ ત્રિભુવનના વિસ્તારને જેમણે શરદઋતુનાં ચંદ્રકિરણો જેવા નિર્મલયશથી શ્વેત કરી દીધો છે તેવા, દુઃખરૂપ વૃક્ષના વનને બાળવા માટે અગ્નિસમાન, જેમનું શાસન શ્રેષ્ઠ છે તેવા હે મુનીંદ્ર! આપને નમસ્કાર થાઓ! જેમણે રાજ્યના સંગનો ત્યાગ કર્યો છે એવા, જેમણે શ્રેષ્ઠ જ્ઞાન-દર્શન-ચારિત્રને પ્રાપ્ત કર્યા છે તેવા હે મુનીંદ્ર ! આપને નમસ્કાર થાઓ ! જેવી રીતે સમુદ્રમાં રહેલા રત્નોના ગુણોનો અંત ન જાણી શકાય તે રીતે આપના ગુણોના અંતને કોણ જાણે ? હર્ષને કારણે જેમની આંખોમાંથી આંસુ રૂપ જલ ગળી રહ્યું છે એવા તે બન્ને આ પ્રમાણે મુનીશ્વરની સ્તુતિ કરીને અને પંચાંગ પ્રણામ કરીને ઉચિત સ્થાનમાં બેઠા. મુનિએ પણ તે બે રાજાઓની તથા અશનિઘોષ વગેરેની સમક્ષ સમયને અનુરૂપ ધર્મકથા શરૂ કરી. તે આ પ્રમાણે
કેવળી ભગવંતે સુતારા વગેરેની પૂર્વભવની વિગત કહી. સંસાર દુઃખનો હેતુ છે. દુઃખરૂપ ફળવાળું છે. દુઃસહદુઃખ સ્વરૂપ છે. તો પણ સ્નેહરૂપી