________________
જ્ઞાનદાન દ્વાર] ઉપદેશમાલા (પુષ્પમાલા)
[જ્ઞાનદાતા-૬૯ એવો ઉપદેશ પ્રસ્તુત છે. અહિંસાનું સ્વરૂપ કહેવામાં શ્રુતજ્ઞાન જ સમર્થ છે, બીજા જ્ઞાનો નહિ. આથી અહીં શ્રુતજ્ઞાનનો જ અધિકાર છે, અન્ય જ્ઞાનોનો નહિ. [૧૮]
જો અહીં શ્રુતજ્ઞાનનો અધિકાર છે. પ્રાપ્ત કરેલા શ્રુતજ્ઞાનથી અહિંસાનું વિશિષ્ટ જ્ઞાન થતાં કાર્યની (=અહિંસાપાલનની) સિદ્ધિ થશે, તો અશકય અનુષ્ઠાનનો આ ઉપદેશ છે. કેમ કે હમણાં સઘળું શ્રુત નથી. અને તેવા પ્રકારની બુદ્ધિથી રહિત જીવો વર્તમાન કાળમાં વિદ્યમાન પણ સઘળુંય શ્રુત ભણવા માટે સમર્થ નથી. આવી આશંકા કરીને ગ્રંથકાર કહે છે
एक्कम्मिवि मोक्खपयंमि होइ जो एत्थ निच्चमाउत्तो । तं तस्स होइ नाणं, छिंदइ सो तेण दुहजालं ॥ १९॥
જે જીવ એક પણ મોક્ષપદમાં નિત્ય ઉપયુક્ત થાય છે, તેનું તે એક પણ મોક્ષપદ જ્ઞાન છે. તે જીવ તે એક પદથી દુઃખસમૂહને છેદે છે.
વિશેષાર્થ– જે શબ્દના અંતે વિભક્તિ હોય તેની પદસંજ્ઞા છે. મોક્ષપદ એટલે મોક્ષનું કારણપદ. અહીં જિનવચનમાં રહેલું મોક્ષપદ સમજવું. ઉપયુક્ત એટલે ઉપયોગવાળો, અર્થાત્ પદનો અર્થ અંગોગીભાવથી જેને પરિણમી ગયો છે તેવો.
અહીં દુઃખ શબ્દથી કર્મ અર્થ સમજવો. કારણ કે ભવરૂપ અટવીમાં ભ્રમણ કરવા માટે પ્રવૃત્ત થયેલા જીવોને જે દુઃખી કરે તે દુ:ખ. કર્મ જ જીવોને દુઃખી કરે છે, માટે દુઃખ એટલે કર્મ. કર્મસમૂહ એટલે મૂલ અને ઉત્તર પ્રવૃતિઓનો સમૂહ.
અહીં ભાવાર્થ આ પ્રમાણે છે– અમે એમ નથી કહેતા કે સઘળાય જીવો સઘળું શ્રુત ભણે તો (જ) કાર્ય સિદ્ધિ થાય, કિંતુ જીવોનું તથાભવ્યત્વ વિચિત્ર હોવાથી કોઈક જીવને કેટલાક શ્રુતથી પણ કાર્યસિદ્ધિ થાય. સંભળાય છે કે– રોહિણીયો ચોર અને ધરણંદ્ર થયેલ નાગ વગેરેને જિનપ્રણીત એક એક પણ પદથી સ્વકાર્યની સિદ્ધિ થઇ છે. આનાથી એ નક્કી થયું કે જેટલા પણ શ્રુતમાં નિત્ય ઉપયોગવાળો છે તેને તેટલું પણ શ્રુત શ્રુતજ્ઞાન છે, અને તેટલું પણ શ્રુતજ્ઞાન સ્વકાર્યની સિદ્ધિ માટે થાય છે. [૧૯]
જ્ઞાન શું છે?” એ પહેલું દ્વાર કહ્યું. હવે બીજા “જ્ઞાનદાતા દ્વારને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકાર કહે છે
संविग्गो गीयत्थो, मज्झत्थो देसकालभावण्णू । नाणस्स होइ दाया, जो सुद्धपरूवओ साहू ॥ २०॥