________________
૧૪
લલિતવિસ્તરા ભાગ-૩
અનુકૂળ શક્તિ-સંચય અર્થે દ્રવ્યસ્તવનો ઉપદેશ આપે છે; કેમ કે તે શ્રાવકો અન્ય ઉપાય દ્વારા ભાવથી સર્વવિરતિને અનુકૂળ બળસંચયવાળા થઈ શકે તેમ નથી. કેમ તેઓ અન્ય ઉપાયથી સર્વવિરતિની શક્તિના સંચયવાળા થતા નથી, તે દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે
—
સાધુનું શ્રાવકને દેશના દ્વારા દ્રવ્યસ્તવનું કરાવણ નાગના ભયથી પુત્રને ખાડામાંથી ખેંચતી માતાના દૃષ્ટાંતથી ભાવન કરવું જોઈએ. જેમ તેવા વિષમ સંયોગમાં રહેલા પુત્રને ખેંચીને ખાડામાંથી કાઢવામાં ન આવે તો તેનું રક્ષણ થાય નહિ, તેથી તે પુત્રને ખેંચવાથી પુત્રના શરીરમાં કંઈક ઉઝરડા થાય તે દોષરૂપ નથી, પરંતુ પુત્રના પ્રાણરક્ષણનો ઉપાય છે, તેમ જે શ્રાવકો ભોગની લાલસાથી મોહરૂપી સર્પથી અત્યંત નાશ પામવાના હતા તે શ્રાવકોને વિવેકી સાધુ સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવે છે ત્યારે તેને સાંભળીને શ્રાવકો મોક્ષના અર્થી થાય છે, છતાં ભોગલાલસારૂપ સર્પથી તેઓ વિનાશ પામે તેમ છે, ત્યારે વિવેકી સાધુ સંસા૨થી ભય પામેલા તે શ્રાવકને કહે છે કે જગદ્ગુરુની પૂજા કરવામાં તમારા ધનનું સાફલ્ય છે; કેમ કે જગતગુરુ પ્રત્યે પ્રવર્ધમાન રાગ તમારું તૃષ્ણારૂપી નાગથી રક્ષણ કરી શકશે, તેથી જે શ્રાવકો સર્વથા તૃષ્ણા રહિત નથી તેઓને અવિરતિના પરિણામને કારણે આત્મારૂપ દેહમાં કંઈક મમત્વરૂપ ઉઝરડા તુલ્ય સંસ્કારો પડે, તોપણ જગતગુરુની પૂજાના પરિણામથી વિરતિને અભિમુખ અભિમુખતર પરિણામ થશે, તેથી તૃષ્ણારૂપી કાળા સર્પથી તેઓનું ૨ક્ષણ થશે, આ પ્રમાણે ભાવન કરવું જોઈએ.
સાધુને દ્રવ્યસ્તવ અનુમોદનરૂપે અને કરાવણરૂપે કઈ રીતે છે તે દૃષ્ટાંતથી સ્થાપન કર્યું, હવે તેનું નિગમન કરતાં સાધુને પૂજન-સત્કાર નિમિત્તે કાયોત્સર્ગ કઈ રીતે ઇષ્ટ ફલનો સાધક છે તે બતાવતાં કહે છે–
જે વિવેકી સાધુ જગતગુરુને ક્ષાયિક વીતરાગ સ્વરૂપે જાણે છે અને તેમના પ્રત્યે પ્રવર્ધમાન ભક્તિ તેમના તુલ્ય થવાનું કારણ છે તેવું સ્વઅનુભવ અનુસાર જાણે છે, તેથી ભગવાનની ભક્તિની વૃદ્ધિ માટે તે ચૈત્યવંદન કરતી વખતે ભગવાનના પૂજા-સત્કાર દ્વારા જે ફળ પ્રાપ્ત થાય તે મને કાયોત્સર્ગ દ્વારા પ્રાપ્ત થાવ, એ પ્રકારે અભિલાષ કરીને ભગવાન પ્રત્યેની ભક્તિની વૃદ્ધિના સંપાદન માટે કાયોત્સર્ગ કરે છે તે અનુચિત નથી; કેમ કે વચનનું પ્રામાણ્ય છે અર્થાત્ ગણધરોએ ચૈત્યવંદન કરતી વખતે સાધુએ આ પ્રકારે અભિલાષ ક૨વો જોઈએ તે અરિહંત ચેઇયાણં સૂત્રમાં બતાવેલ છે. તે વચનના પ્રામાણ્યથી નક્કી થાય છે કે સાધુને તે પ્રકારે અભિલાષ કરવો ઉચિત છે. આ રીતે આગમ વચનના બળથી સાધુને પૂજન-સત્કા૨ના ફળનો અભિલાષ કરવો ઉચિત છે, એમ બતાવ્યા પછી યુક્તિથી પણ સાધુને તે પ્રકારનો અભિલાષ કરવો ઉચિત છે તે બતાવે છે –
આ રીતે જ સાધુના ઇષ્ટની સિદ્ધિ છે અર્થાત્ સાધુને આત્મામાં નિર્લેપ નિર્લેપતર પરિણતિ વૃદ્ધિ પામે તે ઇષ્ટ છે અને ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિથી તે નિર્લેપ પરિણતિ વૃદ્ધિ પામે છે અને ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિનો ઉપાય પૂજન-સત્કાર દ્વારા પ્રાપ્ત થતા ફળની ઇચ્છાપૂર્વક કાયોત્સર્ગ કરવો તે છે, અન્યથા—તે પ્રકારે કાયોત્સર્ગ કરવામાં ન આવે તો, ભુવનગુરુ પ્રત્યે ભક્તિની વૃદ્ધિ થતી નથી, આથી