________________
લલિતવિસ્તરા ભાગ-૩
૭.
તે પ્રકારની અપેક્ષા રાખવી ઉચિત નથી. જેમ ભગવાનની ભક્તિના કાળમાં દેશ-મચ્છર આદિ ઉપદ્રવો થાય તોપણ તેની ઉપેક્ષા કરીને ભગવાનની ભક્તિ કરવાથી ભક્તિનો અતિશય થાય છે અને જો મચ્છર દંશાદિના પરિહારની અપેક્ષા રાખે તો તેટલા અંશથી ભક્તિની ન્યૂનતાની પ્રાપ્તિ થાય, તેથી ભગવાન પ્રત્યે ભક્તિથી સભર હૈયાવાળા મહાત્માએ હું ઉચ્છ્વાસ આદિને છોડીને યત્ન કરીશ એ પ્રકારની અપેક્ષા રાખવી ઉચિત નથી, આ પ્રકારનું કોઈકનું કથન નિરાકૃત છે; કેમ કે ઉપાધિશુદ્ધ અનુષ્ઠાનના પાલન માટે આગારો રખાય છે, પરંતુ ભગવાનની ભક્તિમાં ન્યૂનતાને કારણે આગારો રખાતા નથી અને ભગવાને કહેલું અનુષ્ઠાન પ્રતિજ્ઞા અનુસાર પૂર્ણ શુદ્ધ પાલન થાય, અપ્રમાદને અનુકૂળ વીર્યનો સંચય થાય તે માટે આગાર રખાય છે, આથી જ મચ્છર દેશ આદિના ઉપદ્રવમાં હું તેનો પરિહાર કરીશ એ પ્રકારનો આગાર રખાતો નથી; કેમ કે મચ્છર દંશ આદિના ઉપદ્રવમાં પણ દૃઢ વીર્યવાળા થઈને કાઉસ્સગ્ગમાં યત્ન કરવાથી જ ભક્તિનો અતિશય થાય છે, પરંતુ ઉચ્છ્વાસ આદિ આગારો તો પ્રતિજ્ઞાને અણિશુદ્ધ પાલન કરવા માટે રખાય છે, તેનાથી દૃઢ પ્રતિજ્ઞાપાલનનું વીર્ય સંચય થાય છે.
આગારપૂર્વક પ્રતિજ્ઞા કરવામાં અપેક્ષા નથી, તેથી અભક્તિનો યોગ નથી તે સ્પષ્ટ કરવા માટે કહે છે.
આગારમાં અપેક્ષા નથી; કેમ કે અભિષ્યંગનો અભાવ છે, જેમ મચ્છર આદિને દૂર કરવા માટે યત્ન કરાય ત્યાં અભિવૃંગની પ્રાપ્તિ છે, તેથી તેનો આગાર નથી, તેમ ઉચ્છ્વાસ આદિની ક્રિયા અભિષ્યંગથી થતી નથી, પરંતુ અશક્ય પરિહારરૂપ હોવાથી તેને છોડીને પ્રતિજ્ઞા કરાય છે.
અહીં પ્રશ્ન થાય કે ઉચ્છ્વાસ આદિને છોડીને હું કાઉસ્સગ્ગ કરું છું, તેથી ઉચ્છ્વાસ આદિ સેવન વિષયક રાગ છે તેમ પ્રાપ્ત થાય, માટે અભિષ્યંગ નથી તેમ કેમ કહી શકાય ? તેથી બીજો હેતુ કહે છે –
આગમનું પ્રામાણ્ય છે=આગમવચનનું અનુસરણ છે, આગમમાં કહ્યું છે કે અભિગ્રહવાળા પણ મહાત્મા ઉચ્છ્વાસનો નિરોધ કરે નહિ, પરંતુ યતનાથી સૂક્ષ્મ ઉચ્છ્વાસ ગ્રહણ કરે અને નિરોધથી સઘ મરણ થાય, તેથી તે આગમવચનનું અનુસરણ કરીને આગારો ૨ખાય છે, પરંતુ આગારના વિષયભૂત ઉચ્છ્વાસ આદિના સેવનના અભિષ્યંગથી આગારો ગ્રહણ કરાતા નથી.
અહીં કોઈને પ્રશ્ન થાય કે ભગવાનની ભક્તિમાં ઉછ્વાસ આદિ સર્વ કાયવ્યાપારનો નિરોધ કરીને યત્ન કરવામાં આવે અને મૃત્યુ થાય તોપણ ભગવાન પ્રત્યેની ભક્તિ માટે તે કાયનિરોધ કરાયો છે, તેથી મરણમાં દોષ નથી, એ પ્રકારની શંકાના નિવારણ માટે કહે છે -
અવિધિથી કરાયેલું મરણ પ્રશંસા કરાતું નથી, તેથી એ ફલિત થાય, કે શમભાવની વૃદ્ધિના અર્થી સાધુઓને શમભાવની વૃદ્ધિમાં અપ્રમાદભાવ થતો હોય તો તે મરણ પ્રશંસાપાત્ર છે, જેમ ઘાણીમાં પિલાનારા ૫૦૦ મહાત્માઓને મરણાંત ઉપસર્ગ થશે તેમ નેમનાથ ભગવાને સ્કંદકાચાર્યને કહેલ અને તે મરણથી તેઓ આરાધક થશે તેમ કહેલ; કેમ કે શમભાવની વૃદ્ધિની જ પ્રાપ્તિ થશે, તેથી તેવું મરણ શમભાવની વૃદ્ધિનું કારણ હોવાથી પ્રશંસાપાત્ર છે, પરંતુ કાયોત્સર્ગ કરવામાં શ્વાસનિરોધથી શમભાવની વૃદ્ધિ થતી નથી, પરંતુ ભગવાનની ભક્તિ દ્વારા શમભાવની વૃદ્ધિને અનુકૂળ જે કંઈ યત્ન થાય છે તે રૂપ