________________
૧૨
લલિતવિસ્તરા ભાગ-૩ સુખ માનનારા જીવો પરમાર્થથી પુરુષાર્થ દ્વારા સુખની પ્રાપ્તિ કઈ રીતે થાય છે તેનાથી અનભિજ્ઞ હોવાથી જ મહા અપાયના કારણભૂત ઋદ્ધિ માટે ધર્મનું પ્રાર્થના કરે છે.
વળી, કોઈને શંકા થાય કે ધર્મ તો અભ્યદય ફલ માટે સેવાય છે; કેમ કે લોકમાં પણ ધર્મનું અભ્યદય ફલ છે તે પ્રકારે રૂઢ છે અને અભ્યદય માટે ધર્મની કોઈ પ્રાર્થના કરે તો અવિશેષજ્ઞતા શું છે ? અર્થાત્ અવિશેષજ્ઞતા નથી, પરંતુ અભ્યદય રૂપ ચક્રવર્તીત્વ આદિની પ્રાપ્તિ માટે ધર્મની ઇચ્છા કરે તે ઉચિત છે એવી કોઈને શંકા થાય, તેના નિવારણ માટે કહે છે –
યોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર છે.
આશય એ છે કે યોગીઓને સંસાર ચાર ગતિની વિડંબનારૂપ દેખાય છે અને તે સંસારની પ્રાપ્તિનું બીજ ઇન્દ્રિયોના વિકારો છે. ઇન્દ્રિયોના વિકારોના શમનથી આત્માની નિરાકુળ અવસ્થાનું સુખ થાય છે અને તે નિરાકુળ અવસ્થાનું સુખ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને મોક્ષનું કારણ છે તેવો બોધ છે, તેથી મોક્ષના અર્થી એવા તે જીવોને મોક્ષનો ઉપાય નિરાકુળ સુખ જણાય છે, તેથી ઋદ્ધિના અભિન્કંગથી ધર્મની પ્રાર્થનાનો વ્યવહાર અવિશેષજ્ઞતારૂપ છે તેમ તેઓ જોઈ શકે છે; કેમ કે ધર્મ પ્રારંભમાં કષાયોના શમનજન્ય નિરાકુળ સુખને ઉત્પન્ન કરે છે અને પર્યવસાનમાં સદા માટે સર્વ પ્રકારના ઉપદ્રવોથી રહિત આત્માની સ્વસ્થતાને પ્રાપ્ત કરાવે છે અને ઋદ્ધિ સ્થાને સ્થાને આપત્તિઓનું કારણ છે; કેમ કે ઋદ્ધિમાં સંશ્લેષ થવાથી ક્લેશ થાય છે, પાપ બંધાય છે અને દુર્ગતિઓની પરંપરા પ્રાપ્ત થાય છે, એ પ્રકારનો ભેદ યોગીઓ જાણી શકે છે અને જેઓને ભવના કારણભૂત ચક્રવર્તી આદિની ઋદ્ધિમાં અભિવૃંગ છે તેઓને ધર્મની સંપૂર્ણ સુંદરતા અને ઋદ્ધિની અનર્થકારિતા જણાતી નથી, તેથી જ ઋદ્ધિને સુખના ઉપાયરૂપ જાણે છે અને તે ઋદ્ધિના ઉપાયરૂપે જ ધર્મને જાણે છે, તેથી અયોગિબુદ્ધિગમ્ય આ વ્યવહાર નથી, પરંતુ ઋદ્ધિના અભિવૃંગથી ધર્મની પ્રાર્થનામાં અવિશેષજ્ઞતાનો વ્યવહાર યોગિબુદ્ધિગમ્ય જ છે,
આ રીતે આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમસમાધિનું પ્રાર્થના નિદાનરૂપ નથી તેમ અત્યાર સુધી સિદ્ધ કર્યું. વળી, પૂર્વપક્ષીએ શંકા કરેલી કે જો તે પ્રાર્થના નિદાન ન હોય તો તે સાર્થક છે કે અનર્થક છે અને તેમ પ્રશ્ન કરીને પૂર્વપક્ષીએ કહેલ કે તે પ્રાર્થન અનુસાર સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારને આપે છે માટે સાર્થક છે તેમ સ્વીકારીએ તો સિદ્ધ ભગવંતોને રાગાદિવાળા સ્વીકારવાની આપત્તિ આવશે અને જો માનશો કે સિદ્ધ ભગવંતો આપતા નથી, છતાં તેમ પ્રાર્થના કરવામાં આવે તો મૃષાવાદનો પ્રસંગ પ્રાપ્ત થશે, તેનું સમાધાન કરતાં કહે છે –
સાર્થક-અનર્થકની વિચારણામાં આરોગ્ય-બોધિલાભનું પ્રાર્થન ભાજ્ય છે, કઈ રીતે ભાજ્ય છે? તે સ્પષ્ટ કરે છે – ચોથી ભાષારૂપ છે, તેથી એ ફલિત થાય કે ચોથી ભાષા આશંસારૂપ છે, પરંતુ તે આશંસા અનુસાર સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારને ફળ આપતા નથી, તેથી સિદ્ધ ભગવંતોની અપેક્ષાએ તે પ્રાર્થના અનર્થિકા છે, વળી, પ્રાર્થના કરનાર મહાત્માને પ્રકૃષ્ટ શુભ અધ્યવસાય પ્રાપ્ત થાય છે, તેથી તે પ્રાર્થના સાર્થક છે.