________________
૨૧૭
સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર ત્યારે ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય છે અને તે ભાવનમસ્કાર પ્રકર્ષવાળો થાય તો તત્કાલ કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને અન્ય સામગ્રીની વિકલતાને કારણે એ ભાવનમસ્કાર પ્રકર્ષવાળો ન થાય તોપણ ભાવિમાં પ્રકર્ષવાળા નમસ્કારનું બીજ તે મહાત્માના આત્મામાં પડે છે, જેથી તે મહાત્મા નમસ્કાર કરીને અલ્પભવમાં નમસ્કાર યોગ્ય એવા વીર ભગવાનની તુલ્ય થશે.
અહીં પ્રશ્ન થાય કે સમ્યક્ત આદિ રત્નત્રયીથી મોક્ષની પ્રાપ્તિ થાય છે કે ભાવનમસ્કારથી ? તેથી કહે છે – દીનાર આદિથી ભૂતિન્યાયવાળો આ ભાવનમસ્કાર છે, જેમ કોઈ મનુષ્ય પાસે વિપુલ પ્રમાણમાં દિનારાદિ હોય તો તે પુરુષ વૈભવવાળો છે તેમ કહેવાય છે અને જો કોઈ પુરુષ પાસે ઘણાં ચીંથરાં હોય તોપણ તે વૈભવવાળો કહેવાતો નથી, તેમ જેઓ પાસે સમ્યજ્ઞાન, સમ્યગુરૂચિ અને નિગ્રંથભાવને અનુકૂળ ઉત્તમચિત્તરૂપ સમ્યગ્યારિત્ર નથી તેવા શુદ્ર સ્વભાવવાળા જીવો વીર ભગવાનને નમસ્કાર કરે તો પણ તે નમસ્કાર ઉત્તમ વૈભવવાળા ચિત્તથી યુક્ત નથી, તેથી દ્રવ્યથી નમસ્કાર હોવા છતાં પરમાર્થથી તે નમસ્કાર મોક્ષફળનો સાધક નહિ હોવાથી વૈભવ વગરનો તુચ્છ નમસ્કાર છે, આથી જ આવા તુચ્છ નમસ્કાર જીવે અનંતકાળમાં અનંતીવખત કર્યા તોપણ સંસારસાગરથી તરવાને અનુકૂળ પરિણતિ લેશ પણ પ્રગટ થઈ નહિ, તેથી તે વૈભવ વગરનો અસાર નમસ્કાર છે.
વળી, જેઓ પાસે સમ્યજ્ઞાન છે તેના કારણે તે મહાત્માને સંસારનું વાસ્તવિક સ્વરૂપ યથાર્થ જણાય છે, સિદ્ધ અવસ્થા સર્વથા નિગ્રંથભાવવાળી હોવાથી સારરૂપ જણાય છે, તેથી વિર ભગવાનને નમસ્કાર કરવાથી મને નિગ્રંથભાવની પ્રાપ્તિ થાય તેવી ઉત્તમરુચિ છે અને શક્તિ અનુસાર નિગ્રંથભાવને પ્રગટ કરવા માટે કષાય-નોકષાયને ક્ષીણ કરવા યત્ન કરે છે, તે રૂ૫ ચારિત્રની પરિણતિ છે, આ પ્રકારની રત્નત્રયીની પરિણતિથી યુક્ત પરમ નિગ્રંથ એવા વિર ભગવાનને નમસ્કાર કરીને જે મહાત્મા પોતાના નિગ્રંથભાવને જ અતિશય કરે છે તેઓનો વૈભવવાળો નમસ્કાર છે; કેમ કે તે નમસ્કાર મોક્ષપ્રાપ્તિ પ્રત્યે અવંધ્ય હેતુ છે, તેથી મોક્ષપ્રાપ્તિના અવંધ્ય હેતુ એવી રત્નત્રયી વડે તે મહાત્માને તે પ્રકારના ભાવનમસ્કારની પ્રાપ્તિ થાય છે, જેનાથી પૂર્વ કરતાં પણ વિશિષ્ટ પ્રકારની રત્નત્રયીની પરિણતિની ઉત્પત્તિ થાય છે, તેથી તે નમસ્કારની ક્રિયાથી ક્રમે કરીને રત્નત્રયીનો ઉત્કર્ષ જ મોક્ષફળનો સાધક બને છે.
તેથી એ ફલિત થાય કે મોક્ષપ્રાપ્તિરૂ૫ અધિકૃત ફળની સિદ્ધિમાં અવંધ્ય કારણ ભાવનમસ્કાર છે અને તે ભાવનમસ્કાર રત્નત્રયીના વૈભવથી યુક્ત નમસ્કારની ક્રિયારૂપ હોય તો જ ભાવનમસ્કાર બને છે, માટે રત્નત્રયીના વૈભવથી યુક્ત ભાવનમસ્કાર મોક્ષફલનું કારણ છે એને આશ્રયીને એક પણ નમસ્કાર સંસારસાગરથી તારે છે એ કથન વિધિવાદ જ છે.
વળી, દિનારાદિથી પુરુષ ભૂતિવાળો છે એ પ્રકારે કેમ કહેવાય છે તેનું તાત્પર્ય પંજિકામાં સ્પષ્ટ કરતાં કહે છે કે સંસારના બાહ્ય વૈભવો પ્રત્યે દીનારાદિ અવંધ્ય હેતુ છે; કેમ કે જેઓ પાસે દીનાર હોય તેઓ દિનારના બળથી સર્વ પ્રકારના વૈભવોને પ્રાપ્ત કરી શકે છે, તે રીતે જેઓ પાસે સમ્યક્ત આદિની પરિણતિ છે તેઓ તે પરિણતિના બળથી સર્વ પ્રકારનો અંતરંગ વૈભવ પ્રાપ્ત કરી શકે છે, તેથી તેવા અંતરંગ વૈભવવાળા પુરુષથી કરાયેલો નમસ્કાર વૈભવવાળો નમસ્કાર બને છે, માટે તે નમસ્કાર ભાવનમસ્કાર છે.