________________
લલિતવિસ્તરા ભાગ-૩
૨૩૬
ભવનિર્વેદ આદિ ભાવો પ્રાપ્ત થાય. જોકે વિવેકી સાધુને કે શ્રાવકને ભવનિર્વેદ અવશ્ય વર્તે છે, તેથી જ વીતરાગની ભક્તિ કરીને ભવથી નિસ્તારની વાંછા કરે છે, તોપણ ભવનિર્વેદ અત્યંત સ્થિર થયો નથી જેથી તેના ઉત્કર્ષના બળથી મોક્ષને અનુકૂળ વીર્યનો ઉત્કર્ષ થાય, તેથી જ્યાં સુધી પોતે સંસારમાં છે ત્યાં સુધી અધિક અધિક ભવનિર્વેદ થાય તે માટે પ્રાર્થના કરે છે, તે ભવનિર્વેદની ઇચ્છા જ ભવનિર્વેદને અનુકૂળ યત્ન કરાવીને વિશિષ્ટ ભવનિર્વેદનું કારણ બને છે.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પાસે ભવનિર્વેદની પ્રાર્થના કેમ કરી ? તેથી કહે છે – જેઓને ભવનિર્વેદ નથી તેઓ મોક્ષ માટે યત્ન કરી શકતા નથી; કેમ કે ભવના સુંદર ભાવોમાં તેમનું ચિત્ત પ્રતિબંધવાળું હોવાને કારણે તે ભાવોમાં ચિત્તનો સંશ્લેષ વર્તે છે, તેથી વીતરાગતાને અભિમુખ થાય તે રીતે ધર્મનું અનુષ્ઠાન પણ કરી શકતા નથી, તેથી વિષયમાં સંશ્લેષવાળા જીવોનો બાહ્યથી ધર્મઆચરણાનો યત્ન પણ તત્ત્વથી વીતરાગતાને અભિમુખ નહિ હોવાથી અયત્ન છે, તેથી જીવ વગરની કાયાતુંલ્ય ધર્મની પ્રવૃત્તિ છે અર્થાત્ તે ક્રિયાઓમાં મોક્ષને અનુકૂળ ચેતના રૂપ જીવ નથી, તેથી તે ક્રિયા વ્યર્થક્રિયા છે, આથી જ ભવથી નિર્વેદ પામેલા સાધુ અને શ્રાવકો ભગવાન પાસે યાચના કરીને ભવનિર્વેદને અભિમુખ અત્યંત ઇચ્છા કરે છે, તેના સંસ્કારના બળથી ઉત્તર-ઉત્તરના ભવોમાં પણ વિશેષ વિશેષ ભવનિર્વેદ પ્રાપ્ત થશે, જેથી મોક્ષને અનુકૂળ યત્ન સુખપૂર્વક થઈ શકે.
વળી, સાધુ અને શ્રાવક યાચના કરે છે કે મને જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી માર્ગાનુસારિતા પ્રાપ્ત થાવ અર્થાત્ અસગ્રહના ત્યાગપૂર્વક મોક્ષને અનુકૂળ તત્ત્વની પ્રાપ્તિ થાય તે પ્રકારની ચિત્તની પરિણતિ પ્રાપ્ત થાવ, વસ્તુતઃ સાધુ અને શ્રાવક મોક્ષમાર્ગમાં પ્રસ્થિત છે, તેથી તેઓમાં મોક્ષમાર્ગને અનુસારીપણું વર્તે છે જ, તોપણ જન્મજન્માંતરમાં તેની અસ્ખલિત પ્રાપ્તિ થાય તેવા માર્ગાનુસારી ભાવ પ્રત્યે પક્ષપાતના પરિણામને સ્થિર કરવા યત્ન કરે છે. જેમ જમાલીએ વૈરાગ્યપૂર્વક સંયમ ગ્રહણ કર્યું ત્યારે તેમનામાં માર્ગાનુસારિતા શ્રેષ્ઠ કોટીની હતી, છતાં નિમિત્તને પામીને અસગ્રહ પ્રગટ થયો, તેથી મૂઢમતિવાળા થયા, તેના કારણે સંયમની ક્રિયાઓ કરવા છતાં મોહનાશને અનુકૂળ તત્ત્વઅનુસારિતા નાશ પામી, તે રીતે પોતાની માર્ગાનુસારિતા નાશ ન પામે તેવા વિશુદ્ધ આશયપૂર્વક માર્ગાનુસારી ભાવ પ્રત્યે દૃઢ પક્ષપાત થાય અને તેના કારણે ઉત્ત૨ના કોઈ ભવમાં અસગ્રહના કારણે તત્ત્વઅનુસારિતા નાશ ન પામે તે માટે સાધુ અને શ્રાવક માર્ગાનુસારિતાની યાચના કરીને તે ભાવ પ્રત્યે દૃઢરાગ કેળવે છે, જેથી નિમિત્તને પામીને માર્ગાનુસારિતા નાશ પામે નહિ, પરંતુ ઉત્તરોત્તર અધિક અધિક માર્ગાનુસારિતા પ્રગટ થાય.
આ રીતે ભવનિર્વેદ અને માર્ગાનુસારિતાના બળથી મોક્ષને અનુકૂળ યત્ન સુખપૂર્વક થઈ શકે છે, આમ છતાં જ્યાં સુધી જીવને સંસારમાં ઉત્કટ ભવનિર્વેદ થયો નથી ત્યાં સુધી ઉત્તર-ઉત્તરમાં સુખપૂર્વક મોક્ષમાર્ગની પ્રવૃત્તિ થાય તે માટે પોતાને કોઈક અનુકૂળ સંયોગની ઇચ્છા હોય છે અને તે અનુકૂળ સંયોગો પ્રાપ્ત ન થાય તો તે ઇચ્છાથી તે મહાત્માનું ચિત્ત હંમેશાં વિઘાત પામે છે, તેથી તે મહાત્મા દેવપૂજાદિ ઉચિત કૃત્યોમાં દૃઢ યત્ન કરવા સમર્થ બનતા નથી, તેથી ચિત્તને નિરાકુળતાપૂર્વક ધર્મના અનુષ્ઠાનમાં પ્રવર્તાવવામાં બાધક એવી ઇચ્છાઓના શમન માટે ઇષ્ટ ફલસિદ્ધિની યાચના કરે છે. જોકે સાધુને સર્વથા ત્રણ ગુપ્તિ જ ઇષ્ટ છે