________________
૨૩૨
લલિતવિસ્તાર ભાગ-૩ ચિત્ત અત્યંત રંજિત થતું નથી, તેથી તે પ્રકારના મધ્યમ સંવેગથી પણ સદ્યોગની પ્રાપ્તિ થતી નથી, પરંતુ સદ્યોગને અભિમુખ કંઈક ભાવો થાય છે અને પ્રણિધાન સૂત્ર બોલવાના કાળમાં તે તે શબ્દોથી વાચ્ય ભાવોને સ્પર્શવા માટે શક્તિના પ્રકર્ષથી જેઓનું વીર્ય ઉલ્લસિત થાય છે તેઓને તીવ્ર સંવેગ થાય છે તેનાથી તેઓમાં ભવનિર્વેદ આદિ ભાવોની પ્રાપ્તિને અનુકૂળ સમાધિ પ્રગટે છે.
વળી, તે તીવ્ર સંવેગ પણ ઉપયોગના પ્રકર્ષ-અપકર્ષના ભેદથી જઘન્ય-મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદવાળો છે અને સંયમની આચરણાના ભેદથી જઘન્ય-મધ્યમ અને અધિમાત્રાના ભેંદવાળો છે, તેથી જે મહાત્માઓ સંયમની જઘન્ય આચરણા કરનારા છે તેઓનો તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે અને ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. વળી, જે મહાત્માઓ સંયમની મધ્યમ આચરણા કરનારા છે તેઓનો પણ તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે અને ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. વળી, કેટલાક મહાત્માઓ શક્તિના પ્રકર્ષથી સંયમની ઉત્કૃષ્ટ આચરણા કરનારા છે તેઓનો પણ તીવ્ર સંવેગ ક્યારેક જઘન્ય હોય છે, ક્યારેક મધ્યમ હોય છે, ક્યારેક ઉત્કૃષ્ટ હોય છે. તેથી તીવ્ર સંવેગના પણ નવ ભેદો પ્રાપ્ત થાય છે અને તીવ્ર સંવેગના તે તે ભેદને અનુરૂપ સમાધિ જીવમાં પ્રાપ્ત થાય છે, તે સમાધિના બળથી તે મહાત્મા ઉત્તર-ઉત્તરના ભવમાં ભવવૈરાગ્ય આદિને પામીને સદ્ગુરુના યોગની પ્રાપ્તિપૂર્વક તેમને પરતંત્ર થઈને સુખપૂર્વક સંસારનો અંત કરી શકશે.
વળી, જેઓ તીવ્ર સંવેગપૂર્વક પ્રસ્તુત પ્રણિધાન સૂત્ર બોલે છે તેવું સૂત્ર બોલવાના અધિકારી કોણ છે? તે સ્પષ્ટ કરે છે –
પ્રમત્ત અને અપ્રમત્ત નામનાં જે બે ગુણસ્થાનકો છે તે બે ગુણસ્થાનકોમાં રહેલા જીવો પોતપોતાના ગુણસ્થાનકને અનુરૂપ ઉચિત કૃત્ય દ્વારા ગુણવૃદ્ધિ કરે છે તેમાંથી પ્રથમના છ ગુણસ્થાનકવર્તી જીવો પ્રમત્ત ગુણસ્થાનકમાં રહેલા છે તેવા જીવોને આવા પ્રકારનું પ્રણિધાન કરવું ઉચિત છે એમ આચાર્યો કહે છે; કેમ કે સંસારક્ષયને અનુકૂળ સર્વ શક્તિ પીંડીભૂત થયેલી નથી, તેથી તેઓ પ્રમત્ત નામના પ્રથમ છ ગુણસ્થાનકમાં છે અને તેઓ આ પ્રકારે પ્રણિધાન કરીને ઉત્તર-ઉત્તરના યોગની પ્રાપ્તિની શક્તિનો સંચય કરી શકે છે અને જેઓ અપ્રમત્ત ગુણસ્થાનકમાં છે તેઓ સર્વ વિકલ્પોથી પર સામાયિકના પરિણામવાળા છે, જેમ તીર્થકરો સંયમ ગ્રહણ કરે છે ત્યારથી બહુલતાએ નિર્વિકલ્પ સામાયિકના પરિણામમાં હોય છે, તેઓ સર્વ શક્તિથી સંસારના ક્ષય માટે ઉદ્યમવાળા છે, માટે તેઓને આ પ્રકારનું પ્રણિધાન કરવું આવશ્યક નથી.
સૂત્ર :
जय वीयराय! जगगुरु! होउ मम तुहप्पभावओ भयवं! । भवनिव्वेओ मग्गाणुसारिआ इट्ठफलसिद्धी ।।१।। लोयविरुद्धच्चाओ, गुरुजणपूया परत्थकरणं च । सुहगुरुजोगो तव्वयणसेवणा आभवमखण्डा ।।२।।