________________
પુખરવરદી સૂત્ર
૧૭૯ ભાવાર્થ :
પૂર્વમાં કહ્યું કે ચારિત્રધર્મની વૃદ્ધિ પછી શ્રતધર્મની વૃદ્ધિ થાવ એ પ્રકારનો અધ્યવસાય શુભ છે અને તેનાથી જ શ્રતધર્મની વૃદ્ધિ થાય છે, તેનાથી ઇષ્ટની વૃદ્ધિ થાય છે અને તેમાં વિવેકનું ગ્રહણ જલસ્થાનીય છે શ્રતધર્મ યથાર્થ તાત્પર્યને સ્પર્શે તે રીતે ગ્રહણ કરવામાં આવે તો વિવેકરૂપી જલથી પારમાર્થિક શ્રુતની વૃદ્ધિ થાય છે અને આ વિવેક યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય છે અર્થાતુ મોક્ષમાર્ગને સ્પષ્ટ કરનારા યોગશાસ્ત્રનું એ જ પરમ રહસ્ય છે કે શ્રુતજ્ઞાન યથાર્થ તાત્પર્યને સ્પર્શે તે રીતે અધ્યયન કરવાથી સર્વ કલ્યાણની પ્રાપ્તિ થાય, અન્યથા નહિ. વિવેક યોગશાસ્ત્રોનું પરમ રહસ્ય કેમ છે ? તે સ્પષ્ટ કરવા માટે યોગગ્રંથોમાં તે તે દર્શનવાળાએ વિવેકને કયા શબ્દોથી બતાવેલ છે ? તે કહે છે –
મોક્ષમાર્ગમાં દુર્ગના ગ્રહણરૂપ વિવેક છે એમ કેટલાક કહે છે, જેમ કોઈ માર્ગ ચોર આદિ ઉપદ્રવવાળો હોય અને ઇષ્ટ સ્થાનમાં જનાર પથિક ચોર આદિનો ઉપદ્રવ આવે ત્યારે દુર્ગનો આશ્રય કરે તો ઉપદ્રવથી સુરક્ષિત થઈને ઉચિત કાળે ગમન કરીને ઇષ્ટ નગરે પહોંચે છે, તેમ જેઓ સંસારના સ્વરૂપથી ઉદ્વિગ્ન થયા છે, તેથી મોક્ષમાં જવા માટે પ્રસ્થિત છે છતાં રાગાદિ આપાદક અંતરંગ સંસ્કારો અને રાગાદિ આપાદક કર્મો અને રાગાદિ કર્મને વિપાકમાં લાવે તેવાં બાહ્ય નિમિત્તા પ્રાપ્ત થાય ત્યારે મોક્ષમાર્ગમાં તેઓનું ગમન
અલના પામે છે અને જો તેઓ વિવેકપૂર્વક શ્રુતને ગ્રહણ કરે તો તે શ્રુત તેવા સંયોગમાં કઈ રીતે આત્માનું રક્ષણ કરવું જોઈએ તેની ઉચિત દિશા બતાવે છે, તેનાથી તે જીવો મોક્ષમાર્ગમાં ચોર જેવા રાગાદિ ભાવોના ઉપદ્રવથી આત્માનું રક્ષણ કરી શકે છે અને જેઓ વિવેકપૂર્વક શ્રુત ગ્રહણ કરતા નથી તેઓ શ્રુતના વચનાનુસાર બાહ્ય ક્રિયાઓ કરે છે તોપણ અંતરંગ મોહના સંસ્કારો, મોહનીયકર્મનો ઉદય અને મોહનીયકર્મને ઉદયમાં લાવવાની બાહ્ય સામગ્રીને પામીને બાહ્ય આચારથી મોક્ષમાર્ગમાં પ્રવૃત્ત હોવા છતાં રાગાદિ ભાવો કરીને વિનાશ પામે છે, આથી જ મંગુ આચાર્ય શ્રુતના બહુ અધ્યયનવાળા હોવા છતાં તેમણે શ્રુતના તાત્પર્યને વિવેકપૂર્વક ગ્રહણ ન કર્યું, તેથી માન-ખ્યાતિ-૫ર્ષદા આદિ ભાવોનો આશ્રય કરી મનુષ્યજન્મ નિષ્ફળ કર્યો, તેથી મોક્ષ માટે પ્રસ્થિત હોવા છતાં વિવેકના અગ્રહણને કારણે રાગાદિ ભાવોથી લૂંટાયા.
વળી, કેટલાક કહે છે કે વિવેક તમોગ્રંથિના ભેદથી થનારા આનંદ સ્વરૂપ છે. જેમ કોઈ જંગલમાં રહેલા હોય, ગાઢ અંધકાર વ્યાપ્ત હોય અને માર્ગ અત્યંત વિષમ હોય ત્યારે તે જંગલમાંથી નીકળીને ઇષ્ટ સ્થાનમાં જવું દુષ્કર બને છે ત્યારે દીપક આદિની પ્રાપ્તિ થાય તો તેને આનંદ થાય છે; કેમ કે તે પ્રકાશના બળથી પોતે ઇષ્ટ નગરે પહોંચશે તેવો વિશ્વાસ થાય છે, તેમ સંસારના ચક્રાવારૂપ મહા જંગલમાં પડેલા જીવને મુક્ત અવસ્થા જ ઇષ્ટ સ્થાન દેખાય છે, તોપણ તે સ્થાનમાં જવામાં બાધક ગાઢ જ્ઞાનાવરણીયકર્મ વિદ્યમાન હોવાથી માર્ગ સ્પષ્ટ દેખાતો નથી તેવા જીવને સર્વજ્ઞના વચનરૂપ શ્રુતજ્ઞાનની યથાર્થ તાત્પર્યથી પ્રાપ્તિ થાય ત્યારે બહિરંગ ઉચિત પ્રવૃત્તિઓ દ્વારા કઈ રીતે અંતરંગ ઘાતકર્મ નાશ કરવાનો યત્ન થઈ શકે તેના પરમાર્થને સ્પર્શે તેવો બોધ વિવેકથી પ્રાપ્ત થાય છે, તેથી અંધકારનો ભેદ થવાને કારણે આ પ્રકારે યત્ન કરીને અવશ્ય હું આ સંસાર અટવીથી પર એવા ઇષ્ટ સ્થાનમાં પહોંચીશ એવો સ્પષ્ટ નિર્ણય થાય છે, તેથી આનંદ થાય છે, તે આનંદ તમોગ્રંથિના ભેદથી થનારો વિવેક છે.