________________
૧૫૦
લલિતવિસ્તરા ભાગ-૩ જેમ આત્માનું કોઈ કારણ નથી અને આત્મા સત્ છે તેથી નિત્ય છે, તેમ જે એક સર્વજ્ઞ સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્રરૂપ મોક્ષમાર્ગ છે એ પ્રકારના વચનને સેવ્યા વગર સર્વજ્ઞ થયા છે, તેથી કારણ વગર સર્વજ્ઞ હોવાને કારણે તે સર્વજ્ઞને અનાદિ શુદ્ધ માનવાની આપત્તિ આવે અને સ્યાદ્વાદી પર પરિકલ્પિત સદાશિવ આદિની જેમ અનાદિ શુદ્ધ કોઈ અરિહંતને સ્વીકારતા નથી, માટે તમારે અપૌરુષેય જ વચન સ્વીકારવું જોઈએ, તે અપૌરુષેય વચનના બળથી અનાદિની તીર્થકરોની પરંપરાની પ્રાપ્તિ છે અને તે તીર્થકરો અપૌરુષેય વચન જ પોતાના પુરુષ વ્યાપારથી લોકોને કહે છે.
આ પ્રકારે પૂર્વપક્ષીએ સ્યાદ્વાદીને પણ વચન અપૌરુષેય સ્વીકારવાની આપત્તિ આપી તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પરે કહેલું યુક્ત નથી જ, કેમ યુક્ત નથી? તેમાં હેતુ કહે છે – વચન અનાદિનું હોવા છતાં પણ પુરુષ વ્યાપાર વગર વચનની ઉપપત્તિ થઈ શકે નહિ=તાલ આદિના વ્યાપાર વગર વચનની ઉપપત્તિ થઈ શકે નહિ, તેથી અપૌરુષેય વચન સિદ્ધ થાય નહિ, માટે પૂર્વપક્ષી જે કહે છે કે સ્યાદ્વાદીએ પણ અપૌરુષેય વચન સ્વીકારવું જોઈએ એ કથન સંગત નથી, વળી, પૂર્વપક્ષીએ કહેલ કે વચનને પૌરુષેય સ્વીકારવું હોય તો કોઈક એક ભગવાનને તમારે અવચનપૂર્વક સ્વીકારવા પડે, જે ભગવાને પ્રથમ માર્ગ બતાવ્યો, ત્યારપછી તે માર્ગ સર્વ તીર્થકરો બતાવે છે તેમ સ્વીકારો તો તીર્થકરોની પરંપરા અનાદિની હોવા છતાં પૌરુષેય વચન સિદ્ધ થઈ શકે, પરંતુ અવચનપૂર્વક એક તીર્થકર છે તેમ સ્વીકારવામાં તમારા આગમનો વિરોધ છે; કેમ કે ન્યાયથી અનાદિ શુદ્ધવાદની આપત્તિ છે, એ કથનનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
કોઈ ભગવાન અવચનપૂર્વક નથી જ; કેમ કે વચનપૂર્વક જ તીર્થંકરો થાય છે તેમ કહેવાથી કોઈ ભગવાન વચન વગર અનાદિના છે એ કથનનું નિરાકરણ થાય છે.
અહીં પ્રશ્ન થાય કે બધા ભગવાન વચનપૂર્વક જ થાય છે અને વચન પણ પુરુષવ્યાપારથી જ ઉત્પન્ન થાય છે, માટે અપૌરુષેય નથી, એ કથનનું તાત્પર્ય શું છે ? તેથી કહે છે –
બીજ-અંકુરની જેમ આ પ્રવાહ છે, જેમ બીજથી અંકુર થાય છે અને અંકુરથી બીજ થાય છે અને તે બીજ-અંકુરનો પ્રવાહ અનાદિનો છે, તેમ વચનથી અરિહંત થાય છે અને અરિહંત મોક્ષમાર્ગનું પ્રકાશક વચન કહે છે, તેથી પ્રવાહથી વચન અને તીર્થકરો અનાદિના છે. આનાથી શું સિદ્ધ થયું ? તે સ્પષ્ટ કરે છે – બીજ-અંકુરના દૃષ્ટાંતથી પરંપરાને આશ્રયીને મોક્ષમાર્ગને કહેનારા વચનનું અનાદિપણું હોવા છતાં પણ જેમ સર્વજ્ઞ એવા ઋષભાદિ પૂર્વમાં ન હતા અને પાછળથી થયા તેમ જગતમાં જે કંઈ વચન છે તે સર્વ વચન વક્તવ્યાપારપૂર્વક જ છે, તેથી વર્તમાનમાં લોકો જે કંઈ બોલે છે તે સર્વ વચનો કોઈકના વ્યાપારથી છે, તેમ તે તે કાળમાં જે તીર્થંકરો થાય છે તેમના વ્યાપારપૂર્વક જ સન્માર્ગનાં પ્રકાશક વચનો પ્રગટ થાય છે અને સન્માર્ગ પ્રકાશક વચનો પૂર્વપૂર્વના તીર્થકરો દ્વારા પ્રકાશન કરાયાં, તેમને જ અવલંબીને ઉત્તરઉત્તરના તીર્થંકરો થાય છે અને તેઓ સન્માર્ગનું પ્રકાશન કરે છે. આ રીતે વચનનું પ્રકાશન તીર્થકરોથી થાય છે અને તીર્થકરો પૂર્વના વચનના પ્રકાશનથી થાય છે, તે પ્રકારે બીજાંકુર ન્યાયથી અનાદિનો પ્રવાહ છે.