________________
પુખ્ખરવરદી સૂત્ર
૧૫
યથાશક્તિ આટલો કાળ સુધી પ્રયત્નવાળો છું અર્થાત્ પ્રસ્તુત સૂત્ર બોલતી વખતે પ્રથમ જિનમતના પિતાભૂત તીર્થંકરોની સ્તુતિ કરી, ત્યારપછી બે ગાથા દ્વારા તેવો જિનમત કેવા ઉત્તમ ગુણવાળો છે તેનું સ્મરણ કરીને તેના પ્રત્યે પૂજ્યભાવની વૃદ્ધિ થાય તે પ્રમાણે યથાશક્તિ પ્રયત્નવાળો હું છું તેમ બતાવીને દઢ પ્રણિધાનપૂર્વક પોતે જિનમતની સ્તુતિ કરીને જિનમતના ગુણોથી પોતે પોતાના આત્માને અત્યંત વાસિત કર્યો છે એમ ભો ! શબ્દથી અતિશયવાળા મહાપુરુષોને સંબોધન કરીને કહે છે કે તમે જુઓ, આ પ્રકારે જિનમતમાં મેં પ્રકર્ષથી યત્ન કર્યો છે, આમ કહીને અતિશયવાળા મહાત્માઓને પોતાના પરિણામનું નિવેદન કરીને પોતાના તે પરિણામને દઢ કરે છે. જેમ પાંચની સાક્ષીએ પ્રતિજ્ઞા કરાય છે, જેથી તે પ્રતિજ્ઞા અતિશય દૃઢ થાય છે, તેમ મહાત્મા અતિશયવાળા પુરુષની સાક્ષીથી જિનમતમાં કરાયેલો પોતાનો પ્રયત્ન દૃઢ કરે છે અને ત્યારપછી કહે છે કે દેવ, નાગ, સુપર્ણ, કિન્નરના ગણથી સદ્ભૂત ભાવ વડે સંયમ હંમેશાં અર્ચના કરાયું છે અને તેવું સંયમ જિનમતમાં સદા વૃદ્ધિ પામે છે, તેથી એ ફલિત થાય કે મહા બુદ્ધિના નિધાન એવા દેવતાઓ પણ જિનમત અનુસાર સંયમમાં યત્ન કરનારા મહાત્માઓ પ્રત્યે અત્યંત ભક્તિથી તેઓની પૂજા કરે છે અને તેવા સંયમની જિનમતમાં સદા સમૃદ્ધિ છે; કેમ કે યોગ્ય જીવોને જિનમત જેમ જેમ યથાર્થ તાત્પર્યથી પ્રાપ્ત થાય છે તેમ તેમ તે જીવોને વીતરાગતા જ જીવની સુંદર અવસ્થારૂપે જણાય છે અને રાગાદિ આકુળતા જીવની વિડંબના સ્વરૂપે જણાય છે. જિનવચનનો બોધ રાગાદિની આકુળતાના ઉચ્છેદનો સમ્યગ્ ઉપાય બતાવે છે, તેવો બોધ થવાથી તે મહાત્માઓ પોતાની સર્વ શક્તિથી જિનવચનનું અવલંબન લઈને અંતરંગ રાગાદિનો ઉચ્છેદ થાય તે રીતે સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે, તેથી જે જીવોને જે જે અંશથી જિનમત પ્રાપ્ત થાય છે તે તે અંશથી તે જીવોમાં સદા સંયમની વૃદ્ધિ થાય છે. આથી જ દશવૈકાલિકમાં કહ્યું છે કે પ્રથમ જ્ઞાન અને ત્યારપછી દયા, તેથી જિનવચનાનુસાર જેઓને જ્ઞાન થાય છે તેઓ તે બોધ અનુસાર કષાયોથી પોતાના આત્માનું રક્ષણ કરવારૂપ દયા કરે છે અને તેના અંગરૂપે ષટ્કાયના પાલનરૂપ દયા કરે છે, જેથી સદા સંયમની વૃદ્ધિ થાય છે.
વળી, આ જિનમતમાં યથાર્થ બોધરૂપ જ્ઞાન પ્રતિષ્ઠિત છે અને ત્રણ જગત શેયરૂપે પ્રતિષ્ઠિત છે, તેથી જેઓને જિનમતનો યથાર્થ બોધ થાય છે તેઓને પોતાના આત્માના હિત માટે શું કરવું જોઈએ તેનું જ્ઞાન થાય છે અને ત્રણલોકરૂપ આ જગત કેવા સ્વરૂપવાળું છે તેનો પણ માર્ગાનુસારી બોધ થાય છે. આવા શ્રુતધર્મને હું નમસ્કાર કરું છું એ પ્રકારે ભાવના કરે છે, તેથી અત્યાર સુધીના પ્રયત્નથી પ્રગટ થયેલી શ્રુત પ્રત્યેની ભક્તિ અતિશયિત થાય છે.
વળી, શ્રુત પ્રત્યેની ભક્તિની વૃદ્ધિ માટે ભાવના કરે છે કે અનર્થમાં પ્રવૃત્ત એવા પરપ્રવાદીઓના વિજયથી ભગવાનનું શાસન જગતમાં વૃદ્ધિ પામો, જેનાથી યોગ્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ થાય અને પરપ્રવાદીઓ દ્વારા જે ઉન્માર્ગ પ્રવર્તે છે તેનાથી નાશ પામતા જીવોનું રક્ષણ થાય. આ કથનથી એ ફલિત થાય કે અન્ય દર્શનવાળા છે કે સ્વદર્શનમાં પણ સ્વમતિ અનુસાર જિનવચનને યથાતથા કહેનારા છે તેઓના વિજય દ્વારા જિનમત જગતમાં વિસ્તાર પામો, મહાત્મા એ પ્રકારની ભાવના કરે છે, જેથી ઉત્તમ અધ્યવસાયને કારણે મહાનિર્જરાની પ્રાપ્તિ થાય છે.