________________
૧૩૦
લલિતવિસ્તરા ભાગ-૩
ભાવાર્થ -
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ મોહગર્ભિત નિદાનના બે ભેદ બતાવ્યા – ધર્મ માટે હીનકુલાદિનું પ્રાર્થના અને ઋદ્ધિના અભિન્કંગથી ધર્મનું પ્રાર્થન. તેથી કોઈ ચક્રવર્તી આદિ ઋદ્ધિની અપેક્ષાએ કે તીર્થકરની ઋદ્ધિની અપેક્ષાએ ધર્મનું પ્રાર્થના કરે અર્થાતુ તેવો ધર્મ કરનારો થાઉં, જેથી મને ચક્રવર્તીની કે તીર્થકરની ઋદ્ધિ મળે, આ પ્રકારની ધર્મના સેવનની ઇચ્છા પણ મોહ છે, તેથી તેનું નિદાન ઇષ્ટ ભાવની બાધાને કરનારું છે=મોક્ષને અનુકૂળ કુશળ પરિણામનો નાશ કરનાર છે; કેમ કે તે નિદાનમાં ઋદ્ધિના અંગરૂપે ધર્મની ઇચ્છા છે, તેથી ઋદ્ધિની ઇચ્છા પ્રધાન છે અને તેના અંગભૂત ધર્મની ઇચ્છા છે, તે ઇષ્ટ એવા મોક્ષને અનુકૂળ કુશળ પરિણામને બાધ કરનાર છે; કેમ કે ઇચ્છામાં ઋદ્ધિનું મહત્ત્વ છે, ધર્મમાં ઋદ્ધિના કારણરૂપે જ ઇચ્છા છે, તેથી ધર્મનો અધ્યવસાય ગૌણ છે અને ઋદ્ધિનો અધ્યવસાય મુખ્ય છે. વસ્તુતઃ મોક્ષ પૂર્ણ ધર્મ સ્વરૂપ છે અને તેના અંગરૂપે ધર્મની ઇચ્છા કરવામાં આવે ત્યારે ધર્મનો અધ્યવસાય મુખ્ય બને છે અને જ્યાં સુધી પૂર્ણ ધર્મ સેવીને મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મને સુદેવત્વ અને સુમાનુષત્વની પ્રાપ્તિ થાવ, એવા અભિલાષથી જેઓ ધર્મ કરે છે તેઓને તે ધર્મના સેવનમાં ધર્મનો અધ્યવસાય પૂર્ણ ધર્મના અંગરૂપે મુખ્ય છે અને તેના અંગરૂપે આનુષંગિક સુદેવત્વ અને સુમાનુષત્વની ઇચ્છા છે તે ઇષ્ટ એવા મોક્ષના કુશલ પરિણામને બાધક નથી, પરંતુ જ્યાં ઋદ્ધિ આદિનો પરિણામ મુખ્ય બને છે અને તેના કારણરૂપે ધર્મનો અધ્યવસાય થાય છે તે અજ્ઞાનકૃત હોવાથી ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે. કેમ ઇષ્ટની પ્રાપ્તિમાં વ્યાઘાતક છે? તેને વિશેષથી સ્પષ્ટ કરતાં કહે છે –
ઋદ્ધિની આશંસાથી ધર્મની ઇચ્છારૂપ નિદાન અતત્ત્વદર્શન છે=અપરમાર્થનું અવલોકન છે; કેમ કે ધર્મ અંતરંગ ક્લેશના શમન દ્વારા શમભાવના સુખને કરનાર છે અને બાહ્ય ઋદ્ધિ અંતરંગ રાગના વિકારો કરાવીને તે ઋદ્ધિની સામગ્રીથી તૃપ્તિને કરનાર છે, તેથી ઉપશમભાવના સુખ આગળ તુચ્છ ઋદ્ધિનું સુખ અલ્પમાત્રામાં છે, છતાં ઉત્તમ એવા ઉપશમભાવના સુખરૂપ ધર્મની ઇચ્છા ગૌણ કરીને તુચ્છ વિકારીસુખની ઇચ્છા થાય છે એ અજ્ઞાનજન્ય છે, તેથી મહા અપાયનું કારણ છે; કેમ કે મહામૂલ્યવાન એવા ઉત્તમ ધર્મને તુચ્છ એવા ઋદ્ધિના સુખ માટે કરવાના અભિલાષવાળાને ધર્મમાં હીનતાની બુદ્ધિ છે અને વૈષયિક સુખમાં મહાનતાની બુદ્ધિ છે, તેથી તેવી વિપર્યાસવાળી બુદ્ધિ નરકાદિ પ્રાપ્તિના અનર્થનું કારણ છે. માટે કોઈ અજ્ઞા પુરુષ ચક્રવર્તી આદિની ઋદ્ધિની ઇચ્છાથી તેને અનુકૂળ ધર્મને સેવનારો હું થાઉં, એ પ્રકારનો જે અભિલાષ કરે છે તેનાથી પારમાર્થિક ધર્મ પ્રત્યે અનાદરતાની બુદ્ધિ થવાથી દુર્ગતિના કારણભૂત કર્મબંધની પ્રાપ્તિ થાય છે, પરંતુ ચક્રવર્તીત્વ આદિનું કારણ બને તેવો ધર્મ સેવવાનું બળ સંચિત થતું નથી; કેમ કે તે જીવમાં અવિશેષજ્ઞતા છે, જે અર્થના ક્ષયને કરીને અનર્થની પ્રાપ્તિનો હેતુ હોવાથી હિંસા-મૃષાવાદાદિની જેમ સિંઘ છે. જેમ કોઈ હિંસા-મૃષાવાદ આદિ કરીને ઇષ્ટ ફળ પ્રાપ્ત કરી શકે નહિ, તેમ આ રીતે ચક્રવર્તી આદિ પદવીને માટે હું ધર્મ કરનાર થાઉં, એ પ્રકારની પ્રાર્થનાથી ચક્રવર્તીત્વ આદિને અનુકૂળ ધર્મની શક્તિની પ્રાપ્તિ થાય નહિ, પરંતુ દુર્ગતિની પ્રાપ્તિરૂપ અનર્થની પ્રાપ્તિ થાય; કેમ કે તે જીવમાં અવિશેષજ્ઞતા વર્તે છે. પંજિકાકાર અવિશેષજ્ઞતાનો અર્થ સ્પષ્ટ કરે છે –