________________
પુઅરવરદી સુત્ર
૧૪૫
અવંધ્યા સિદ્ધ થાય છે, છતાં તેને વંધ્યા કહેવું તે વિવેકીની સભામાં ઉચિત ગણાય નહિ, વળી, કોઈ કહે કે મારા પિતા કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે એ કથનમાં પણ મારા પિતા કહેવાથી અબ્રહ્મચારી સિદ્ધ છે, છતાં કોઈ કહે કે કુમાર અવસ્થાથી બ્રહ્મચારી છે તો તે વચન વિદ્વાનની સભામાં શોભે નહિ, તેમ વેદવચન છે તેમ કહ્યા પછી તે અપૌરુષેય છે તેમ કહી શકાય નહિ; કેમ કે વચન તે છે કે જે કોઈનાથી કહેવાયાં છે અને તે કોઈનાથી કહેવાયાં નથી તેમ કહેવું પરસ્પર વિરોધી છે, આ રીતે અપૌરુષેય વચન સ્વીકારવું યુક્ત નથી, તેને જ દઢ કરવા માટે વિશેષ યુક્તિ બતાવે છે –
જેઓ વેદવચનને અપૌરુષેયરૂપથી સ્વીકારે છે તે વેદવચન ક્યારેય અવાજ કરતાં સંભળાતાં નથી જેના બળથી કહી શકાય કે વેદવચન અપૌરુષેય છે. વળી, અત્યારે સંભળાતાં નથી, પરંતુ કોઈક ક્ષેત્રમાં, કોઈક કાળમાં, કોઈક વેદવચનો સંભળાતાં ઉપલબ્ધ થઈ શકે એમ પૂર્વપક્ષી કહે તો ગ્રંથકારશ્રી કહે છે – કોઈક વખતે સંભળાતા શબ્દના શ્રવણમાં પણ કોઈકને અદશ્ય વક્તાની શંકા થઈ શકે છે; કેમ કે સામાન્યથી વચનો પુરુષથી બોલાય છે, તે પ્રકારનો સર્વને અનુભવ છે અને તેવાં જ વચનો આકાશમાં સંભળાય છે, તેથી નહિ દેખાતા એવા પિશાચાદિ કોઈક તેના વક્તા છે, એ પ્રકારની શંકા વિચારકને થવાનો સંભવ છે, વળી, તે શંકાની નિવૃત્તિનો ઉપાય કોઈ નથી, કેમ કે પ્રત્યક્ષથી વચન કોઈકનાથી બોલાય છે એ વગર વચનનો સંભવ નથી તેવો નિર્ણય હોવાને કારણે કોઈ બોલનાર નથી છતાં આ વચનો સંભળાય છે કે કોઈ બોલનાર અદશ્ય છે તેનાથી બોલાયેલું આ વચનો સંભળાય છે તેનો નિર્ણય કોઈ છદ્મસ્થ કરી શકે નહિ, તેથી તે શંકાની નિવૃત્તિનો ઉપાય અતીન્દ્રિય અર્થને જોનાર કોઈક પુરુષ છે એમ સ્વીકારીએ અને તે અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષ કહે કે આ શબ્દો સંભળાય છે તે પિશાચના નથી પરંતુ કોઈ બોલનાર નહિ હોવા છતાં સ્વતઃ ઉત્પન્ન થયા છે, તો તે શંકાની નિવૃત્તિ થઈ શકે છે તેથી અતીન્દ્રિય અર્થને જોવાની શક્તિના બળથી અદશ્ય વક્તાની શંકાની નિવૃત્તિ થઈ શકે અન્યથા નહિ અને જો પૂર્વપક્ષી કહે કે અતીન્દ્રિય અર્થના જોનારા કોઈક પુરુષ છે, અને તે પુરુષ શંકાનું નિવારણ કરી શકે છે તો પૂર્વપક્ષી દ્વારા તેમ સ્વીકાર્યા પછી અપૌરુષેય વચનની કલ્પના કરવી વ્યર્થ છે; કેમ કે અપૌરુષેય વચનને સ્વીકારનારા કહે છે કે અતીન્દ્રિય અર્થને સાક્ષાત્ જોનારા કોઈ નથી, તેથી નિત્ય એવા વચનથી જે અતીન્દ્રિય અર્થોને જુએ છે તે જ અતીન્દ્રિય પદાર્થોને યથાર્થ જોનારા છે, તેથી તેઓના વચનાનુસાર વેદવચનો નિત્ય છે અને નિત્ય હોવાથી અપૌરુષેય છે અને તે વેદવચનોથી અતીન્દ્રિય પદાર્થોનો નિર્ણય થાય છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થો સાક્ષાત્ કોઈ જોઈ શકતું નથી. હવે જો અદૃશ્ય વક્તાની શંકાની નિવૃત્તિના ઉપાયરૂપે અતીન્દ્રિય અર્થના જોનાર પુરુષને પૂર્વપક્ષી સ્વીકારે તો અતીન્દ્રિય અર્થને જોનાર સિદ્ધ થવાથી તેના વચનથી જ અતીન્દ્રિય અર્થોમાં પ્રવૃત્તિ થઈ શકે છે, તેથી અપૌરુષેય વચન છે, એ પ્રકારનું કથન કરવું અસાર છે; કેમ કે અતીન્દ્રિય પદાર્થને જોનાર કોઈ નથી તેના માટે જ અપૌરુષેયવચનની કલ્પના પૂર્વપક્ષી કરે છે અને અપૌરુષેય વચનની સિદ્ધિ કરવા માટે અતીન્દ્રિય અર્થને જોનાર પુરુષનો સ્વીકાર કરે તો અપૌરુષેય વચન સ્વીકારવાની કોઈ આવશ્યકતા રહેતી નથી.