________________
GO
લલિતવિસ્તાર ભાગ-૩
આગમમાં કહ્યું છે કે જીવ જે જે સમયે જે જે ભાવોથી આવિષ્ટ થાય છે તેને અનુરૂપ શુભાશુભકર્મ બાંધે છે, તે આગમવચનનો નિર્ણય કરીને શુભકર્મના બંધનું કારણ ક્યા ભાવો છે અને અશુભકર્મના બંધનું કારણ કયા ભાવો છે તેનો પણ જેને શાસ્ત્રવચનથી નિર્ણય થાય છે તેઓ સતત સદ્ગતિના પરિણામના કારણભૂત શુભભાવોને સેવીને હિતની પરંપરાને પ્રાપ્ત કરે છે અને જેઓને આગમવચન અનુસાર તે પ્રકારનો કંઈ બોધ નથી તેઓ તુચ્છ બાહ્ય નિમિત્તો અનુસાર પોતાના ભાવો કરીને દુર્ગતિઓની પરંપરાને પ્રાપ્ત કરે છે, તેથી જીવના ભાવને અનુરૂપ શુભ કે અશુભકર્મ બંધાય છે તેનો નિર્ણય આગમવચનથી થાય છે, માટે સર્વત્ર કારણને અનુરૂપ કાર્ય થાય છે તેમ સ્વીકારવું જોઈએ.
અહીં પ્રશ્ન થાય કે દષ્ટ વ્યવસ્થામાં કાર્યનું કારણને અનુરૂપપણું છે અને જીવના પરિણામમાં પણ કાર્યનું કારણને અનુરૂપપણું છે તેમ સિદ્ધ થાય, પરંતુ જેઓ વર્તમાન ભવમાં પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે છે તેનાથી જન્માંતરમાં પણ વિદ્યાજન્મ થશે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – તે લક્ષણને અનુપાતિ વિદ્યાજન્મ છે યુક્તિ અને આગમ સિદ્ધ કારણને અનુરૂપ કાર્ય છે એ લક્ષણને જ અનુસરનાર વિદ્યાજન્મ છે, તેમાં શાસ્ત્રવચનની સાક્ષી બતાવે છે –
જેમ કોઈ જીવ પૂર્વભવમાં વિષ્ટામાં કૃમિ થયો હોય અને કોઈક રીતે પુણ્ય બાંધીને ત્યાંથી સુંદર મનુષ્યભવને પામ્યો હોય અર્થાત્ વિપુલ ભોગસામગ્રીવાળા મનુષ્યભવને પામ્યો હોય અને જાતિસ્મરણથી કે ગુરુ આદિના વચનથી તેને જ્ઞાન થાય કે પૂર્વભવમાં હું વિષ્ટાનો કીડો હતો, તોપણ તેને ફરી તે ભવમાં જવાની ઇચ્છા થતી નથી; કેમ કે તે વિષ્ટાના કીડાની અવસ્થા તેને અસાર જણાય છે અને પ્રાપ્ત થયેલો સુંદર મનુષ્યભવ સાર જણાય છે, તેમ વિદ્યાજન્મની પ્રાપ્તિને કારણે તત્ત્વજ્ઞાનથી યુક્ત એવા મહાત્માનું મન વિષયોમાં પ્રવર્તતું નથી; કેમ કે તેઓને નિર્મળ બોધને કારણે વિષયોમાં સંશ્લેષવાળું ચિત્ત વિષ્ટાના કીડા જેવી મનોદશાવાળું જણાય છે અને ભોગના સંશ્લેષ વગરનું આત્માના નિરાકુળ સ્વભાવમાં વિશ્રાંત થતું ચિત્ત સુંદર મનુષ્યભવ જેવું દેખાય છે, તેથી તેવા મહાત્માઓ વીતરાગ ન થાય તોપણ ભોગમાં તેઓનો સંશ્લેષ અલ્પ-અલ્પતર થતો રહે છે અને નિર્લેપ ચિત્તની પરિણતિમાં તેઓનો પક્ષપાત વૃદ્ધિ પામે છે, તેથી જ જેઓ આ ભવમાં વિદ્યાજન્મનું કારણ બને તે રીતે પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ધ્યાન કરે છે તેઓને જન્માંતરમાં વિષયોનો સંગ્લેષ ક્ષીણ-ક્ષીણતર થતો જાય છે અને અંતે વિષયોમાં સર્વથા સંશ્લેષ વગરના વીતરાગભાવવાળા ચિત્તને પ્રાપ્ત કરે છે, આ કથનને જ અન્ય દૃષ્ટાંતથી સ્પષ્ટ કરે છે –
જે પ્રમાણે વિષથી ગ્રસ્ત શરીરવાળાને મંત્રોથી નિર્વિષ એવા અંગનો ઉદ્દભવ થાય છે તે રીતે જ વિદ્યાજન્મ પ્રાપ્ત થયે છતે મોહવિષનો ત્યાગ થાય છે, તેથી જેમના આત્મામાં વિષયોના વિકારરૂપ વિષ અત્યંત વ્યાપ્ત હતું તેઓ જ પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનરૂપ મંત્રથી આત્મામાં રહેલા મોહરૂપી વિષને અલ્પઅલ્પતર કરે છે, તેમ તેમ તેમનો આત્મા વિષયોના વિકાર વગરનો બને છે અને આ રીતે કેટલાક ભવો સુધી અધિક અધિક વિદ્યાજન્મની પ્રાપ્તિ દ્વારા તેમના આત્મામાંથી સંપૂર્ણ મોહવિષનો ત્યાગ થાય છે ત્યારે તે મહાત્મા વિતરાગ સર્વજ્ઞ બને છે.
વળી, પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી જીવ હંમેશાં ખેદ વગરનો મોક્ષમાર્ગમાં જાય છે; કેમ કે પ્રતિવિશિષ્ટ