________________
૮૯
અશ્વત્થ સૂત્ર આદિ કરે છે અને તેના દ્વારા તેમનો આત્મા ભગવાનના ગુણોથી જેટલો જેટલો ભાવિત થાય છે તેટલા તેટલા અંશથી તેઓનો પૂર્વમાં વર્તતો વિષયોનો રાગ અને પ્રતિકૂળ ભાવોમાં વર્તતો દ્વેષ પણ અલ્પ-અલ્પતર થાય છે, આથી જ આ રીતે શ્રાવક ધર્મને સેવીને વિવેકી જીવો સંચિત વિર્યવાળા થાય છે ત્યારે વિષયોથી નિર્લેપ થઈને સંયમ ગ્રહણ કર્યા પછી તેલપાત્રધારક પુરુષની જેમ વિષયોના સંશ્લેષ વગર વીતરાગના વચનાનુસાર અનુષ્ઠાનોને સુખપૂર્વક સેવીને સતત અસંગ ભાવની શક્તિનો સંચય કરવા સમર્થ બને છે, તેથી ફલિત થાય છે કે પ્રતિવિશિષ્ટ ધ્યેયના ધ્યાનથી વિવેકની ઉત્પત્તિ થવાથી જીવના મતિજ્ઞાનના ઉપયોગમાં વિશેષ પ્રકારની નિર્મળતા પ્રાપ્ત થાય છે, આ જ કથનને સ્પષ્ટ ભાવન કરતાં કહે છે – શુદ્ધભાવથી બંધાયેલું કર્મ સુવર્ણ ઘટાદિના ઉદાહરણથી અવંધ્ય છે અને તે કર્મના ઉદયથી ફરી વિદ્યાજન્મ પ્રગટે છે; કેમ કે કારણને અનુરૂપ કાર્ય થાય છે.
આશય એ છે કે જે મહાત્માઓ ઉપયોગપૂર્વક પોતાની શક્તિના પ્રકર્ષથી પ્રતિવિશિષ્ટ ધ્યેયનું ચિંતવન કરે છે ત્યારે તે ધ્યાનને અનુરૂપ જે શુભભાવો થાય છે તેનાથી તે પ્રકારના શુભકર્મનો બંધ થાય છે, તેથી તેનાથી બંધાયેલાં શાતાવેદનીય આદિ કર્મો હોય છે, તેમ તત્ત્વનો તીવ્ર પક્ષપાત કરાવે તેવાં દર્શન મોહનીયના ક્ષયોપશમભાવવાળાં કર્મો પણ હોય છે અને મતિજ્ઞાનમાં તેવી નિર્મલતા આધાયક ક્ષયોપશમભાવના સંસ્કારો પડે છે, તેનાથી જે બંધાયેલું કર્મ છે તે જન્માંતરમાં દેવાદિ ભવમાં ફરી ઉદયમાં આવશે ત્યારે જેમ તીવ્ર શાતાદિ પ્રાપ્ત થશે તેમ દેવભવમાં મતિજ્ઞાનની નિર્મલતા પણ પ્રગટ થશે, તત્ત્વના તીવ્ર પક્ષપાતરૂપ દર્શન મોહનીયકર્મનો ક્ષયોપશમભાવ પણ પ્રગટ થશે, તેથી જન્માંતરમાં ફરી વિશિષ્ટ પ્રકારના આત્મહિતને સાધવાને અનુકૂળ ભાવો પ્રગટ થશે. જેમ સુવર્ણનો ઘડો ભાંગે તોપણ સુવર્ણરૂપ ફલ વિદ્યમાન રહે છે તેમ વર્તમાન ભવમાં જે પ્રતિવિશિષ્ટનું ધ્યાન કર્યું તે રૂપ સુવર્ણના ઘડાનો ભંગ થવા છતાં સુવર્ણના ફલ જેવી નિર્મળ મતિની અને તત્ત્વના તીવ્ર પક્ષપાતની પ્રાપ્તિ થશે, તેથી વર્તમાન ભવમાં જે શુભભાવથી તેઓએ વિવેક પ્રગટ કરેલો તે રૂપ વિદ્યાજન્મ તેઓને જન્માંતરમાં પણ પ્રગટ થાય છે, પરંતુ વર્તમાન ભવના ધ્યાનથી સ્વર્ગાદિની બાહ્ય સામગ્રીની પ્રાપ્તિમાત્રમાં તે ધ્યાનનું ફળ વિશ્રાંત થતું નથી, તેથી તેવા મહાત્માઓ પ્રસ્તુત ધ્યાનના બળથી જેમ ઉત્તમ દેવભવને પામે છે, ઉત્તમ ભોગસામગ્રીને પામે છે તેમ જન્માંતરમાં ઉત્તમ ચિત્તવૃત્તિને પણ પ્રાપ્ત કરે છે, અને તેવા મહાત્માઓ વિશેષ વિશેષ પ્રકારના વિદ્યાજન્મને પ્રાપ્ત કરીને અંતે અવશ્ય સંસારનો ક્ષય કરશે.
પૂર્વમાં કહ્યું કે કારણના સ્વરૂપને અનુસરનાર કાર્યનો સ્વભાવ છે, તેથી શુભભાવથી બંધાયેલા કર્મને કારણે વિદ્યાજન્મની પ્રાપ્તિ થાય છે એ કથનને જ દઢ કરવા માટે કહે છે કે કારણને અનુરૂપ કાર્ય છે એ યુક્તિથી અને આગમથી સિદ્ધ છે, જેમ પ્રતિવિશિષ્ટ માટીમાંથી ઘડો થઈ શકે, પરંતુ શુષ્ક અસાર માટીમાંથી ઘડો થઈ શકે નહિ એ પ્રકારનો અનુભવ હોવાથી કાર્યનો અર્થી કારણમાં પ્રવૃત્તિ કરે છે અને તેનાથી કાર્ય થતું દેખાય છે અને અવિવેકી શુષ્ક માટી ગ્રહણ કરીને નિપુણતાપૂર્વક ઘડો કરવા યત્ન કરે તોપણ ઘડો થાય નહિ, આ પ્રકારે અન્વય-વ્યતિરેક દ્વારા સંસારનાં સર્વ કાર્યો તેને અનુરૂપ કારણથી થાય છે તેમ દેખાય છે, વળી, અતીન્દ્રિય પદાર્થોમાં કાર્ય-કારણના નિયમનો નિર્ણય આગમથી થાય છે અને