________________
૧૨
લલિતવિસ્તાર ભાગ-૩ જે વળી, નિરભિળંગ ધર્મના આદેશ=ધર્મની એક મૂર્તિ, અનેક સત્ત્વોનું હિત, નિરુપમ સુખના સંજનક અપૂર્વ ચિતામણિ કલ્પ એવા તીર્થંકર હું થાઉં એ પ્રકારનું પ્રાર્થના નિષિદ્ધ નથી. ઈત્યાદિ. ભાવાર્થ :- સિદ્ધ ભગવંતોની ભક્તિ કરીને આરોગ્ય બોધિલાભ અને ઉત્તમ શ્રેષ્ઠ સમાધિ આપો, એ પ્રકારની પ્રાર્થના કરી, ત્યાં કોઈ શંકા કરે છે –
આ પ્રાર્થના નિદાન છે કે નથી એમ બે વિકલ્પ સંભવે છે; કેમ કે સામાન્યથી ધર્મ સેવવાને બદલે તીર્થકરો આદિ પાસે તેવા પ્રકારના ફળની આશંસા કરાય છે અથવા ધર્મ સેવીને તેના ફળરૂપ આશંસા કરાય છે તેને નિદાન કહેવાય છે, તેથી શંકા થાય કે આરોગ્ય બોધિલાભ માટે સિદ્ધ ભગવંતોની પાસે ઉત્તમ શ્રેષ્ઠ સમાધિની પ્રાર્થના નિદાન છે કે નથી અને જો નિદાન છે એમ સ્વીકારવામાં આવે તો શાસ્ત્રમાં નિદાનનો નિષેધ કરેલો છે માટે તેવી પ્રાર્થના કરવી જોઈએ નહિ, વળી, જો નિદાન નથી તેમ સ્વીકારવામાં આવે તો બે વિકલ્પ થાય, તે પ્રાર્થના સાર્થક છે કે અનર્થક છે અને જો તે પ્રાર્થના સાર્થક સ્વીકારવામાં આવે તો એ પ્રાપ્ત થાય કે સિદ્ધ ભગવંતો તે પ્રાર્થના કરનારને આરોગ્ય બોધિલાભ માટે ઉત્તમ સમાધિ આપે છે, તેથી સિદ્ધ ભગવંતો પ્રાર્થનાથી પ્રસન્ન થઈને તે આપે છે તેમ માનવું પડે અને તેમ સ્વીકારીએ તો સિદ્ધ ભગવંતો પ્રાર્થના કરનારા પ્રત્યે પ્રસન્ન થનારા છે અને પ્રાર્થના નહિ કરનારા પ્રત્યે પ્રસન્ન થતા નથી અને તેમ સ્વીકારવાથી સિદ્ધ ભગવંતોને રાગ-દ્વેષી સ્વીકારવા પડે, તેથી પ્રાર્થના સાર્થક છે તેમ સ્વીકારી શકાય નહિ; કેમ કે સિદ્ધ ભગવંતો વિતરાગ છે. હવે કહેવામાં આવે કે પ્રાર્થના નિરર્થક છે=પ્રાર્થના કરવાથી સિદ્ધ ભગવંતો તે પ્રકારે કંઈ આપતા નથી માટે નિરર્થક છે, તેથી સિદ્ધ ભગવંતો આરોગ્ય પ્રદાનાદિથી વિકલ છે, એમ જાણવા છતાં પણ કોઈ પ્રાર્થના કરે તો તે મૃષાવાદી છે તેમ માનવું પડે, જેમ સંસારમાં સ્પષ્ટ નિર્ણય છે કે યાચના કરવાથી આ પુરુષ કંઈ આપે તેમ નથી, તેની પાસે કોઈ વિવેકી પુરુષ યાચના કરે નહિ, આમ છતાં જાણે છે કે આ આપશે નહિ તોપણ પ્રાર્થના કરે તો તે મૃષાવાદ કરે છે તેમ કહેવાય, તેમ સિદ્ધ ભગવંતોની પ્રાર્થના પણ મૃષાવાદ સિદ્ધ થાય, આ પ્રકારની શંકામાં ગ્રંથકારશ્રી ઉત્તર આપે છે – સિદ્ધ ભગવંતો પાસે પ્રસ્તુત પ્રાર્થન નિદાન નથી; કેમ કે તે પ્રાર્થનામાં નિદાનના લક્ષણનો યોગ નથી. નિદાનનું સ્વરૂપ બતાવવા માટે પંજિકામાં કહે છે કે જીવની પરિણતિરૂપ જે ધર્મકલ્પવૃક્ષ છે તેને દેવલોક આદિની આશંસાના પરિણામરૂપ પરશુથી અત્યંત નાશ કરાય તે નિદાન છે. જીવના પરિણામરૂપ ધર્મકલ્પવૃક્ષ કેવું છે ? તે સ્પષ્ટ કરે છે –
સંસારના વાસ્તવિક સ્વરૂપને, મોક્ષના વાસ્તવિક સ્વરૂપને, સંસારની કદર્થનાના ઉચ્છેદપૂર્વક મોક્ષની પ્રાપ્તિના કારણભૂત ધર્મના વાસ્તવિક સ્વરૂપને જીવ યથાર્થ જાણે એ રૂપ સમ્યગ્દર્શન છે અને આ સમ્યગ્દર્શનનો સૂક્ષ્મ-સૂક્ષ્મતર બોધ એ ધર્મકલ્પવૃક્ષનું વિસ્તારવાળું મૂળ છે. જેમ કોઈ વૃક્ષનું મૂળ જમીનમાં ઘણું વિસ્તારવાળું હોય તો તે વૃક્ષ સારી રીતે સમૃદ્ધ બને છે, તેમ તે જીવમાં સમ્યગ્દર્શનનો નિર્મળ-નિર્મળતરા વિસ્તાર વૃદ્ધિ પામે છે તેના બળથી ધર્મકલ્પવૃક્ષ સમૃદ્ધ બને છે અને સમ્યગ્દર્શનનો વિસ્તાર પ્રગટ થાય ત્યારે