________________
લલિતવિસ્તરા ભાગ-૩
રા
આસત્ર ભૂમિકા પણ કંઈક દૂરવર્તી થાય છે.
આ રીતે સંસારીજીવો ક્ષમાદિ ભાવોની વૃદ્ધિને અનુકૂળ પરિણામો કરીને ધર્મકલ્પવૃક્ષના મૂળ આદિના ક્રમથી આત્મામાં કંઈક ધર્મકલ્પવૃક્ષને પ્રગટ કરે છે અને કોઈક નિમિત્તથી સંભૂતિ મુનિ આદિની જેમ નિદાન દ્વારા તે ધર્મકલ્પવૃક્ષનો નાશ કરે છે, તો વળી, કોઈ અન્ય જીવો કોઈકના પ્રત્યે દ્વેષ કરીને ક્ષમાદિ ભાવોથી પ્રગટ થયેલા કંઈક ધર્મકલ્પવૃક્ષનો અગ્નિશર્મા આદિની જેમ વિનાશ કરે છે.
વળી, દ્વેષ, રાગ અને મોહગર્ભિત નિદાન શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તેમાં રાગથી અને દ્વેષથી કરાતાં નિદાન સુખપૂર્વક જણાય છે, તેથી ગ્રંથકારશ્રીએ તેની સ્પષ્ટતા કરેલ નથી, પરંતુ મોહગર્ભિત નિદાન કઈ રીતે થાય છે તેને સ્પષ્ટ કરે છે –
મોહ એટલે અજ્ઞાન અને અજ્ઞાનને વશ જે નિદાન કરાય તે મોહગર્ભિત નિદાન કહેવાય. જેમ કેટલાક જીવોને મોક્ષ સુંદર છે તેમ જણાય છે, તેનો ઉપાય ધર્મ છે તેમ જણાય છે અને વૈભવાદિવાળાં કુળોમાં જન્મ થાય તો જન્માંતરમાં ધર્મની પ્રાપ્તિ થઈ શકે નહિ તેવું અજ્ઞાન વર્તે છે, તેથી તેઓ ધર્મ સેવીને ઇચ્છા કરે છે કે મને હીનકુળની પ્રાપ્તિ થાવ, જેથી વૈભવ આદિમાં મૂર્છા પામીને હું ધર્મથી વંચિત ન થઉં, તે જીવે ધર્મ માટે જ વૈભવ વગરના કુલની ઇચ્છા કરી છે, તેથી ધર્મનો રાગ બલવાન છે અને તેના ઉપાયરૂપે જ અજ્ઞાનને વશ હીનકુલની ઇચ્છા કરે છે, તે મોહજન્ય નિદાન છે, જેના કારણે બીજા ભવમાં હીનકુલની પ્રાપ્તિ કરીને તેઓ સંયમની પ્રાપ્તિ કરે તોપણ તે ભવમાં મોક્ષને પ્રાપ્ત કરી શકે નહિ, તેથી તે પ્રકારનું નિદાન મોક્ષની પ્રાપ્તિમાં બાધક થાય છે. જો તે જીવે વિશુદ્ધ ચારિત્ર પાળ્યા પછી તેવું નિદાન ન કર્યું હોત તો તે ચારિત્રના બળથી જન્માંતરમાં વિશુદ્ધતર ચારિત્ર પામીને મોક્ષમાં પણ જઈ શકત, પરંતુ નિદાનને કારણે તે જીવમાં વર્તતું ધર્મરૂપી કલ્પવૃક્ષ તેટલું ક્ષીણ થાય છે, તેથી તે જીવ જન્માંત૨માં મોક્ષ પ્રાપ્ત કરી શકતો નથી.
અહીં પ્રશ્ન થાય કે મોક્ષની ઇચ્છા છે, મોક્ષના ઉપાયરૂપ ચારિત્રધર્મની ઇચ્છા છે અને તેના ઉપાયરૂપે જ વૈભવ રહિત કુળની ઇચ્છા છે તે મોહગર્ભ નિદાન કેમ છે ? તેમાં હેતુ કહે છે
-
હીનકુલાદિ ધર્મના હેતુ નથી, પરંતુ દૃઢ પ્રણિધાનપૂર્વક સેવાયેલો ધર્મ ઉત્તમકુલાદિની પ્રાપ્તિપૂર્વક અવિકલધર્મની પ્રાપ્તિનું કારણ છે, જેમ તીર્થંકરો પૂર્વભવમાં દૃઢ પ્રણિધાનપૂર્વક ધર્મને સેવીને ચરમભવમાં ઉત્તમકુલાદિને પામીને અવિકલ ધર્મના ભાજન થાય છે, તેથી જે મોક્ષના કારણીભૂત અવિકલ ધર્મનો હેતુ નથી તેવા હીનકુલાદિની ઇચ્છા અજ્ઞાનને કારણે થાય છે, તેથી અજ્ઞાનરૂપ મોહથી કરાયેલી તેવી પ્રાર્થના છે, તેથી તેટલા અંશમાં તે ધર્મકલ્પવૃક્ષ હણાય છે; કેમ કે સમ્યગ્નાનપૂર્વક કરાયેલી સમ્યક્ પ્રવૃત્તિથી જ પુષ્ટ થયેલું ધર્મકલ્પવૃક્ષ અવિકલ એવા ધર્મની પ્રાપ્તિ દ્વારા મોક્ષનું કારણ બને છે. આથી જ જેઓ ભગવાનની ભક્તિ કરીને કે સંયમ પાળીને પ્રાર્થના કરે છે કે હે ભગવાન ! આ ભક્તિ કે સંયમ દ્વારા હું મહાવિદેહ ક્ષેત્રમાં જન્મીને આઠ વર્ષની ઉંમરમાં સંયમ ગ્રહણ કરીને કેવળજ્ઞાન પામું, તે ધર્મ માટે મહાવિદેહમાં જન્મની પ્રાર્થના સ્વરૂપ છે, તોપણ અતહેતુપણું હોવાથી મોહગર્ભિત નિદાન છે, તેથી નિદાન દ્વારા તેઓ મહાવિદેહમાં જન્મે તોપણ સંયમ ગ્રહણ કરીને તે ભવમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી શકે