________________
લોગસ સૂત્ર તેનું ગ્રહણ પ્રાપ્ત થાય, પરંતુ પ્રસ્તુતમાં પૂર્ણ પંચાસ્તિકાયમય લોક ગ્રહણ કરવો છે, પણ લોકનો એક દેશ ગ્રહણ કરવો નથી, તેથી કહે છે – કેવલજ્ઞાનરૂપ પ્રમાણથી કે શ્રુતજ્ઞાનરૂપ પ્રમાણથી જે દેખાય છે તે લોક છે; કેમ કે ભગવાન પંચાસ્તિકાયમય લોકના પ્રકાશક છે, તે લોકનું શું ? તેથી કહે છે – લોકને ઉદ્યોત કરવાના સ્વભાવવાળા ભગવાન છે, તેનું તાત્પર્ય સ્પષ્ટ કરે છે – ભગવાન કેવલજ્ઞાનથી પંચાસ્તિકાયમય સર્વ લોકને પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે અથવા કેવલજ્ઞાનપૂર્વક વચનરૂપી દીપકથી સર્વ લોકના પ્રકાશ કરવાના સ્વભાવવાળા છે, તેથી ભગવાન કેવલજ્ઞાનથી “પંચાસ્તિકાયમય લોક જે પ્રમાણે રહેલ છે અને તદ્ અંતર્વર્તી જીવ-અજીવ આદિ સર્વ દ્રવ્યો જે રીતે સંચરણ કરે છે અને જીવો જે રીતે અધ્યવસાય કરીને કર્મો બાંધે છે અને જે પ્રકારે વિવેક દ્વારા કર્મોનો નાશ કરીને સિદ્ધ અવસ્થાને પામે છે અને આ રીતે વિવેક દ્વારા અત્યાર સુધીમાં અનંતા સિદ્ધ થયા છે, ઇત્યાદિ સર્વ લોકની વ્યવસ્થાને યથાર્થ જાણે છે અને તે રીતે જ યથાર્થ પ્રકાશન કરે છે, તેના બળથી યોગ્ય જીવો પોતાનું આત્મહિત સાધી શકે છે, તે પ્રકારે તીર્થકરો સર્વ લોકના પ્રકાશક છે.
વળી, ધર્મતીર્થને કરનારા છે, ધર્મ એ જીવનો અંતરંગ અધ્યવસાય છે અને સંસારી જીવો દુર્ગતિના કારણભૂત જે અધ્યવસાયો કરે છે તે અધર્મ છે અને તેનાથી વિરુદ્ધ સુગતિના કારણભૂત જે અધ્યવસાય કરે છે તે ધર્મ છે, તેથી મોક્ષને અનુકૂળ સમ્યજ્ઞાન, સમ્યગ્રુચિ અને સમ્યગુઆચરણ તે ધર્મ છે, ભગવાન તેવા ધર્મરૂપ તીર્થને કરવાના સ્વભાવવાળા છે. તીર્થનો અર્થ સ્પષ્ટ કરે છે – જેના દ્વારા જગતના જીવો સંસારસાગરથી તરે તે તીર્થ કહેવાય અને ધર્મ જ રત્નત્રયીની પરિણતિરૂપ તીર્થ છે, તેને કરનાર ભગવાન હોવાથી ભગવાન ધર્મ તીર્થંકર છે અથવા ધર્મ રત્નત્રયીરૂપ છે અને તે પ્રધાન છે જેમાં એવો ચતુર્વિધ સંઘ કે પ્રથમ ગણધર ધર્મતીર્થ છે તેને કરવાના સ્વભાવવાળા ભગવાન છે, તેથી ધર્મ તીર્થકર છે.
આ પ્રકારે ધર્મ તીર્થંકરની બે વ્યુત્પત્તિ બતાવવાથી એ પ્રાપ્ત થાય કે ભગવાને રત્નત્રયીરૂપ તીર્થને પ્રગટ કરેલ છે, માટે ધર્મ તીર્થંકર છે અથવા રત્નત્રયીરૂપ ધર્મ પ્રધાન છે જેમાં એવા પ્રથમ ગણધરને ભગવાને દ્વાદશાંગી આપી છે તેનાથી ધર્મતીર્થ પ્રવર્તે અથવા ભગવાને રત્નત્રયી પ્રધાન છે જેમાં એવા સાધુ સાધ્વીશ્રાવક-શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી, તેના બળથી ઘણા જીવો સંસારસાગરથી તરે છે, માટે ધર્મ છે પ્રધાન જેમાં એવો ચતુર્વિધ સંઘ તેને કરવાના સ્વભાવવાળા તીર્થકરો છે.
આ રીતે ભગવાન લોકના યથાર્થ પ્રકાશ કરનારા અને ધર્મતીર્થ કરનારા હોવાથી પોતાને અત્યંત ઉપકારક છે તે સ્વરૂપે ચોવીશે તીર્થકરોની ઉપસ્થિતિ કરીને તેમનું કીર્તન કરાય છે.
વળી, તેઓની અંતરંગ સંપદાને સામે રાખીને સ્તુતિ કરવા માટે કહે છે – ભગવાન રાગાદિને જીતનારા હોવાથી જિન છે તે રીતે સ્તુતિ કરવાથી જિન તુલ્ય થવાને અનુકૂળ સદ્વર્ય ઉલ્લસિત થાય છે.
વળી, ભગવાન અશોકવૃક્ષ આદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને યોગ્ય છે તેમ કહેવાથી બુદ્ધિમાન એવા દેવો પણ જેમના ઉત્તમ ગુણોનું સ્મરણ કરીને શ્રેષ્ઠ પ્રકારની પૂજા કરે છે તેવી પૂજાની યોગ્યતાવાળા તીર્થકરો છે, માટે જગભૂજ્ય છે તે સ્વરૂપે ભગવાનની ઉપસ્થિતિ થાય છે.