________________
૧૧૪
લલિતવિસ્તા ભાગ-૩
પોતાની અપેક્ષાએ પ્રયોજનવાળો છે ? તેમાં સાક્ષી આપે છે –
ભગવાન ક્ષીણ ક્લેશવાળા છે, તેથી કોઈના ઉપર પ્રસાદ કરતા નથી, માટે ભગવાનની અપેક્ષાએ આ સ્તુતિ અપ્રયોજનવાળી છે અને ભગવાનની કરાયેલી સ્તુતિ વૃથા પણ નથી; કેમ કે ભગવાનની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારના ભાવોની વિશુદ્ધિ થાય છે, તેનાથી કર્મનો નાશ થાય છે, તેથી સ્તુતિ કરનારનું પ્રયોજન કર્મનો નાશ છે.
વળી, ભગવાન પ્રકૃષ્ટ ગુણના ઉત્કર્ષરૂપથી સ્તુત્ય છે, તેથી ભગવાન વીતરાગરૂપે જ સ્તુત્ય છે, અન્ય સ્વરૂપે નહિ.
અહીં પ્રશ્ન થાય કે ભગવાન પ્રસાદ કરતા ન હોય તો તેમના સ્તવનથી પોતાને ફળ મળે છે તે કેમ નક્કી થાય ? તેથી કહે છે – કોઈ પાસે અચેતન એવાં રત્નો હોય અને તેને સાધવા માટેના મંત્રોનું જ્ઞાન હોય, તેથી તે મંત્રાદિનો જપ કરે અને તે રત્નનું પૂજનાદિ કરે તો તે અચેતનથી પણ ફળની પ્રાપ્તિ લોકમાં પ્રસિદ્ધ છે, તેમ ભગવાન પ્રસાદ કરનારા નહિ હોવા છતાં તેમની સ્તુતિથી ફલની સિદ્ધિ છે.
વળી, જે દેવ સ્તવન કરાયેલો પ્રસાદને કરે છે અને નિંદા કરાયેલો અવશ્ય રોષ પામે છે તે દેવ સર્વ પદાર્થોમાં શમભાવયુક્ત ચિત્તવાળો નથી, તેથી મુખ્ય સ્તુત્ય નથી, પરંતુ તુચ્છ ઐહિક ફલ માટે તેવો દેવ લોકોથી સ્તુત્ય બને છે, જ્યારે મુખ્ય સ્તુત્ય તો ગુણોથી પૂર્ણપુરુષ જ છે, તેમની સ્તુતિ કરવાથી પોતાનામાં પણ તેવા ગુણો પ્રગટે અને તેવા સ્તુત્ય પુરુષની તુલ્ય અવસ્થા પોતાને પ્રાપ્ત થાય.
વળી, અગ્નિ જે રીતે ઠંડીથી પીડાતા જીવોમાં વેષ કરતો નથી અર્થાત્ આ જીવો મારું સેવન કરતા નથી, માટે તેઓ ઠંડીની પીડાથી દુઃખી થાવ તેવો દ્વેષ કરતો નથી અને જેઓ ઠંડીની પીડામાં અગ્નિનું સેવન કરે છે તેના પ્રત્યે રાગ કરતો નથી, તોપણ જેઓ અગ્નિનું સેવન કરતા નથી તેઓ ઠંડીથી પીડાને પ્રાપ્ત કરે છે અને જેઓ અગ્નિનું સેવન કરે છે તેઓ ઠંડીની પીડાથી નિવૃત્ત થાય છે, તેમ ત્રણ ભુવનના ભાવોના પ્રકાશક એવા તીર્થકરોને જેઓ ભક્તિથી આશ્રય કરે છે તેઓ સંસારના પરિભ્રમણરૂપ ઠંડીની પીડાને દૂર કરીને મોક્ષસુખને પામે છે.
આ કથનથી શું કહેવાયેલું થાય છે? તે સ્પષ્ટ કરે છે – જો કે ભગવાન રાગાદિ રહિત હોવાથી કોઈના પર પ્રસાદ કરતા નથી, તોપણ અચિંત્ય ચિંતામણિ તુલ્ય ભગવાનના ગુણોનું સ્મરણ કરીને તેમના ગુણ પ્રત્યે બહુમાનની વૃદ્ધિ થાય તે રીતે જેઓ ભગવાનની સ્તુતિ કરે છે તેઓને તે સ્તુતિથી તેવા ગુણોની પ્રાપ્તિમાં પ્રતિબંધક કર્મોનો નાશ થાય છે, તેથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે અને ભગવાનનુ વીતરાગતા અને સર્વજ્ઞતાની પ્રાપ્તિ થાય છે અને તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી સદ્ગતિની પરંપરાની પ્રાપ્તિ થાય છે, માટે ભગવાનની સ્તુતિ કરવી એ ન્યાપ્ય છે. આપા અવતરણિકા -
તથા -